તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
બે ટ્રકમાં બટેટા-ચોખા પાછળ છુપાવેલો ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
બામણબોર પાસે એલસીબી ઝોન-૧ ટીમની કાર્યવાહીઃ કુલ ૬૫.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જેઃ હરિયાણાથી ભરાયેલો દારૂ પોરબંદર તરફ લઇ જવાનો હતોઃ આગળ કારમાં ભાણવડના રાણપરનો ઘેલુ કોડીયાતર અને સાગ્રીત સુરા મોરી બંને ટ્રકનું પાયલોટીંગ કરી રહ્યા'તાઃ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કામગીરીઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રાજવીરભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૪: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બહારના અને સ્થાનીક બૂટલેગરો મેદાને આવી ગયા છે. દરમિયાન શહેરની એલસીબી ઝોન-૧ ટીમે ચોક્કસ બાતમી પરથી બામણબોર નજીકથી દારૂનો જથ્થો ભરેલા બે ટ્રક ઝડપી લઇ બે ડ્રાઇવરને અને આ ટ્રકનું કારથી પાયલોટીંગ કરી રહેલા ભાણવડ પંથકના બુટલેગર સહિત બે જણાને પકડી લીધા છે. છેક હરિયાણાથી આ બંને ટ્રકમાં કુલ રૂા. ૩૫,૪૫,૪૪૯૬નો દારૂ ભરવામાં આવ્યો હતો. દારૂની પેટીઓ બટાટાની ગુણીઓ અને ચોખાની ગુણીઓ પાછળ છુપાવી રખાઇ હતી. પોલીસે દારૂ, બે ટ્રક, કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૬૫,૬૭,૪૯૬નો મુદ્દામાલ કબ્જે કરી વિશેષ તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ આગામી હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો હોઇ દારૂની રેલમછેલને રોકવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુચના આપી હોઇ એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ. રવિરાજભાઇ પટગીરને બાતમી મળતાં બામણબોર ચેક પોસ્ટ નજીક વોચ રાખી હતી. બાતમી મુજબના બે ટ્રક જીજે૧૦ઝેડ-૯૮૨૧ અને જીજે૧૦બીવી-૮૭૯૨ આંતરી લેવાયા હતાં. તેમજ આ બંને ટ્રકનું પાઇલોટીંગ કરી રહેલી સફેદ રંગની કીયા કાર જીજે૨૫બીએ-૦૦૧૦ પણ આંતરી લેવાઇ હતી.
ટ્રક ન. ૯૮૨૧માં ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા શખ્સે પોતાનું નામ દાસા સુખાભાઇ કોડીયાતર (ઉ.વ.૩૫-રહે. બાવરવા જી. પોરબંદર ) અને ટ્રક નં. ૫૭૯૨માં ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા શખ્સે પોતાનું નામ ભીખુ રૂપસંગભાઇ સોલંકી (ઉ.વ.૩૮-રહે. રાણપર તા. ભાણવડ જી. દેવભુમિ દ્વારકા) જણાવ્યુ઼ હતું. દાસાના ટ્રકમાં પાછળ ઠાઠામાં ચેક કરતાં પ્લાસ્ટીકની તાડપત્રી પાછળ બટેટાની બોરીઓની પાછળથી દારૂરૂની પેટીઓ મળી આવી હતી. જ્યારે ભીખુના ટ્રકના ઠાઠામાં જોતાં તેણે પણ તાડપત્રી નીચે ચોખાના બાચકાની પાછળ ાદરૂની પેટીઓ છુપાવેલી રાખી હોઇ તે મળી આવી હતી. પોલીસે બંને ટ્રકમાંથી રૂા. ૩૫,૪૬,૪૯૬નો દારૂ, રૂા. ૩૦ લાખના બે ટ્રક, એક કાર, રૂા. ૨૫ હજારના મોબાઇલ ફોન મળી રૂા. ૬૫,૬૭,૪૯૬નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
કારમાંથી ચાલક ઘેલુ જગાભાઇ કોડીયાતર (ઉ.વ.૨૪-રહે. રાણપર તા. ભાણવડ) અને સાથે બેઠેલા શખ્સ સુરા ભાયાભાઇ મોરી (ઉ.વ.૩૨-રહે. ફુલીવાવ નેસ નાગકા તા. પોરબંદર)ને પકડી લેવાયા હતાં. ટ્રકચાલકોના કહેવા મુજબ ઘેલુએ તેમને હરિયાણાથી બટેટા, ચોખાની આડમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને બંને આગળ પાયલોટીંગ કરતાં હતાં. આ દારૂ પોરબંદર, ભાણવડ તરફ લઇ જવાનો હતો. પોલીસે રોયલ સ્ટેગ, મેકડોવેલ્સ નંબર-૧, રોયલ ચેલેન્જ, ઓલ સીઝન બ્રાન્ડની દારૂની પેટીઓ કબ્જે કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએઅસાઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસ્ંિહ જાડેજા, રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી. સુત્રધાર ઘેલુએ આ બંને ટ્રક છેક હરિયાણાથી રવાના કરાવ્યા હતાં. ત્યાંથી કોણે દારૂ ભરી દીધો? તે સહિતની તપાસ થશે. (૧૪.૧૪)
(2:57 PM IST)










