તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
મિલ્કત વેરામાં વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ બની માથાનો દુખાવો
૧ એપ્રિલથી વ્યાજ બંધ હપ્તાની યોજના લાગુ થવાની હોવાથી બાકીદારોનો હાલ વેરો ભરપાઇમાં નનૈયોઃ મનપા તંત્ર વહેલી જાહેરાતથી ફસાયું?

રાજકોટ તા. ૨૨: મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય અને વ્યાજની મોટી રકમ ચડત થઈ ગઈ હોય તેવા બાકી મિલ્કતધારકો માટે ૧ એપ્રીલથી વ્યાજબંધ હપ્તા સિસ્ટમ યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી છે. પરંતુ અગાઉથી જાહેરાત કરી નખાતા હવે મોટી સમસ્યા ઉભી થઈ છે કારણ કે, બાકી રહેતા ચાલુ વર્ષના ૪૦ કરોડથી વધુની ઉઘરાણી માટે સીલીંગ અને જપ્તીની કાર્યવાહી કરવા માટે જતાં વેરાવિભાગના અધિકારીઓને જવાબ મળી રહ્યો છે કે, અમારે હપ્તા યોજનાનો લાભ લેવો છે આથી હવે સીલ મારવા નહીં દઈએ આવા જવાબો બધેથી મળતા તંત્ર મુંજવણીમાં મુકાઈ ગયું છે.
મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનો લક્ષ્યાંક રૂ. ૪૧૦ કરોડ રાખવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં રૂ. ૩૬૬ કરોડ જેવી વસૂલાત થઇ ગઇ છે ત્યારે હવે છેલ્લા દિવસોમાં બાકી વેરાની વસૂલાતને નવા વર્ષમાં શરૂ થનારી ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ માથાનો દુખાવો બની ગઈ હોય તેમ જાણવા મળેલ છે. આથી મનપાના પદાધિકારીઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી જ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ-૨ લાગુ કરવા વિચારણા શરૂ કરાઇ છે.
(3:50 PM IST)










