<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

રેસકોર્ષ પાર્ક પાસે મહાદેવ મંદિર નજીક જાહેરમાં દારૂની મહેફીલઃ ત્રણ ઝડપાયા

પકડાયેલા ત્રણ મિત્રોમાં બે વેપારી લખન વાસાણી, ભાવીન કોટક અને નોકરીયાત રઘુવીર પટેલનો સમાવેશઃ દારૂ પણ કબ્‍જે થયોઃ પ્ર.નગર પોલીસે નશો ઉતાર્યો

તા. ૨૨: જુના એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્ક નજીક મહાદેવના મંદિર પાસે રાતે બે વેપારી અને એક નોકરીયાત મળી ત્રણ મિત્રો સરાજાહેર કુંડાળુ વળી દારૂની મહેફીલ માણવા બેસી જતાં પ્ર.નગર પોલીસે ત્રણેયને પકડી લઇ નશો ઉતારી નાંખ્‍યો હતો. જાણવા મળ્‍યા મુજબ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ આઇ. એ. બેલીમ, કોન્‍સ. ચાંપરાજભાઇ ખવડ સહિત ડી. સ્‍ટાફની ટીમ રાતે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્ક-૧ નજીક મહાદેવના મંદિર પાસે ત્રણ શખ્‍સ જાહેરમાં કુંડાળુ વળી બેઠેલા જોવા મળતાં ત્‍યાં તપાસ કરતાં ત્રણેય થોડો દારૂ ભરેલી બોટલ સાથે જોવા મળ્‍યા હતાં. સાથે વેફર, મગદાળના પેકેટ હતાં. પોલીસે ત્રણેયની પુછતાછ કરતાં પોતાના નામ લખન અશોકભાઇ વાસાણી (ઉ.વ.૩૦-રહે. ગુ.હા. બોર્ડ  શેરી નં. ૧, બ્‍લોક નં. એમ-૯૩, મહિલા કોલેજ સામે), ભાવીન રાજેશભાઇ કોટક (ઉ.વ.૩૦-રહે. રેસકોર્ષ પાર્ક-૨, ફલેટ નં. ૧૩ બ્‍લોક ૧૦૨, એરપોર્ટ રોડ) તથા રઘુવીર કિશનભાઇ પટેલ (ઉ.વ.૩૩-રહે. રેસકોર્ષ પાર્ક-૨, ફલેટ નં. ૨૨ બ્‍લોક નં. ૩૦૧ એરપોર્ટ રોડ) જણાવ્‍યા હતાં. પોલીસે ત્રણેયના મોઢા સુંઘતા દારૂ પીધેલા જણાતાં હોઇ અને શરીરનુ સમતોલન જાળવી શકતાં ન હોઇ જાહેરમાં મહેફીલ યોજી દારૂ પીવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. સ્‍થળ પરથી ત્રણસો એમએલ જેટલો દારૂ ભરેલી ભોટલ, પ્‍લાસ્‍ટીકના ત્રણ ગ્‍લાસ કબ્‍જે કરાયા હતાં. ઝડપાયેલામાં લખન અને ભાવીન વેપારી છે જ્‍યારે રઘુવીર પ્રાઇવેટ નોકરી કરે છે.

 પોલીસનો ડર જ ન હોય તેમ સરાજાહેર રોડ પર મંદિર નજીક ત્રણેય દારૂ પીવા બેસી ગયા હોઇ પીઆઇ વસાવા, પીઆઇ ડોબરીયા, પીએસઆઇ બેલીમ અને ટીમે કડક કાર્યવાહી કરી હતી.

(2:50 PM IST)