તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
શરમજનક ઘટનાઃ વાજતે ગાજતે ૨૮ જાન આવી પણ સમુહલગ્નનો આયોજક જ ગાયબ, કન્યાઓ રડી પડી : પોલીસે છ લગ્ન કરાવ્યા : જુઓ વિડિઓ
બે મહિના પહેલા ચંદ્રેશ છત્રોલાએ ‘ઋષિવંશી સમાજ સેવા સંઘ' આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નના નામે સમાજના લોકો, દાતાઓ પાસેથી ઉઘરાણા ચાલુ કર્યા હતાં: બેડી ચોકડી નજીક એડીબી હોટેલ સામે આયોજન થયું હતું: જાનૈયા, માંડવીયા, મહેમાનો સવારે પાંચ વાગ્યે પહોંચી ગયાઃ પણ આયોજક ન આવતાં દેકારો મચી ગયો : બાકીના વર-કન્યા પક્ષના પરિવારોએ આયોજન સ્થળેથી નીકળી જઇ પોતાની રીતે લગ્નવિધી આટોપીઃ આયોજક ચંદ્રેશ છત્રોલાએ ગઇકાલે પોતે હોસ્પિટલમાં દાખલ હોય તેવા ફોટા સાથે વ્હોટ્સએપમાં સ્ટેટસ મુક્યા હતાં: રાતે જ હોસ્પિટલમાંથી નીકળી ગયોઃ ફરિયાદની તજવીજ

શહેરના ચંદ્રેશ છત્રોલા નામના શખ્સે ઋષિવંશી સમાજ સેવા સંઘના નામે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કર્યુ હતું. જો કે આજે લગ્નના દિવસે આયોજન સ્થળે વિશાળ સમીયાણામાં કન્યાઓ, તેમના પરિવારજનો પહોંચી ગયા બાદ સવારે ૨૮ જાન વાજતે ગાજતે આવી હતી. પરંતુ આયોજક જ ગાયબ હોઇ લગ્ન રઝળી પડતાં દેકારો મચી ગયો હતો. બાદમાં પોલીસે પહોંચી વ્યવસ્થા ગોઠવી છ યુગલોની લગ્નવિધી સંપન્ન કરાવી હતી. જ્યારે બાકીના યુગલોને તેમના પરિવારજનોએ મંદિર કે બીજા સ્થળોએ લઇ જઇ લગ્નવિધી કરાવી હતી. બનાવને પગલે પોલીસ, સામાજીક સંસ્થાના આગેવાનો પણ દોડી ગયા હતાં અને જે યુગલો હાજર હતાં તેમની લગ્નવિધી, જમણવાર, ભેટ સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી. આર. વસાવા, પીએઅસાઇ આઇ. એમ. બેલીમ સહિતે લગ્નવિધી સંપન્ન કરાવી હતી. બનાવની જાણ થતાં શાષાીજી હાર્દિકભાઇ ભોગાયતાએ પહોંચી કર્મકાંડી બ્રાહ્મણોને સમજાવીને લગ્નવિધી પુરી કરાવડાવી હતી. અનેક કન્યાઓ આ બનાવને પગલે રડી પડતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. લેભાગુ આયોજક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તસ્વીરોમાં સમુહલગ્ન આયોજન સ્થળ, રોકકળ કરતી કન્યાઓ, પોલીસ અધિકારી ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી. આર. વસાવા સહિતનો સ્ટાફ સ્ટાફ, કોર્પોરેટર , વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા સહિતના જોઇ શકાય છે. બોલબાલા દ્વારા જાનૈયા-માંડવીયા માટે ભોજનની વ્યવસ્થા થઇ હતી તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૨)

આયોજક ચંદ્રેશ છત્રોલા ગત રાતે સારવારના બહાના હેઠળ દાખલ થયો હતો અને મોબાઇલમાં સ્ટેટસ મુક્યું હતું : આ છે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા જે સમુહલગ્નના નામે લાખો ઉસેડી ગાયબ થયો છે! : અનેક સમુહ લગ્ન કરાવ્યા છે, આ પ્રકારની છેતરપીંડી પહેલી વખત જોઇ, લેભાગુને કડક પાઠ ભણાવોઃ શાષાી હાર્દિક ભોગાયતા : રાજકોટ, શાપર, તડકા પીપળીયા, ભેંસાણ, અમદાવાદ, ગોંડલ, મોટી મારડ, કલાણા, ટીંબાવાડી, મકનસર, ઢેલાણા, કેશોદ, મોરબી, ધોરાજી, જેતપુર, કાલાવડ, વેગડી-ધોરાજી, માણાવદર, કોટડાસાંગાણી, જુનાગઢ, મોટા દડવા, કણકોટના ૨૮ યુગલો સમુહલગ્નમાં સામેલ થયા હતાં : ઘટનાની જાણ થતાં સામાજીક સંસ્થાઓ, રાજકીય આગેવાનો દોડી ગયાઃ લેભાગુ સામે કડક કાર્યવાહી કરવા માંગણી
રાજકોટ તા. ૨૨: રાજકોટની ભુમિ દાતાઆની ભુમિ ગણાય છે અહિ અનેક દાનવીરો વસવાટ કરે છે જે જરૂર પડયે ગુપ્ત દાન પણ કરે છે. પરંતુ આજે એક લેભાગુને કારણે રાજકોટ શહેરમાં એક શરમજનક અને ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરનાર લેભાગુ આયોજક આજે લગ્નના દિવસે જ ગાયબ થઇ ગયો હતો. બેડી ચોકડી નજીક એડીબી હોટલ સામેના ભાગે વિશાળ સમીયાણામાં ચંદ્રેશ જગદીશભાઇ છત્રોલા નામના શખ્સે ઋષિવંશી સમાજ સેવા સંઘ-આયોજીત સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કર્યુ હતું. જેમાં રાજકોટ સહિત ગામેગામના ૨૮ યુગલ પ્રભુતામાં પગલા પાડવા સામેલ થયા હતાં. સવારે વાજતે ગાજતે ૨૮ જાની આવી પહોંચી હતી. પરંતુ આયોજક જ ફરાર થઇ ગયો હોઇ લગ્ન રઝળી પડતાં કન્યાઓ, ગરીબ પરિવારજનો રડી પડયા હતાં. પોલીસ, કલેક્ટર તંત્ર વ્હારે આવ્યું હતું અને છ યુગલોના લગ્ન કરાવ્યા હતાં. બાકીના યુગલોના લગ્ન તેમના પરિવારજનોએ પોતાની રીતે ગોઠવ્યા હતાં.
રાજકોટમાં માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ અતિથી દેવો ભવ હોટલ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજક ગાયબ થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી વર-કન્યાઓ, તેમનાં પરિવારજનામાં દેકારો મચી ગયો હતો. અમુક જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતાં કન્યાઓ રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતાંપોલીસ દોડી ગઇ હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ સીહતનો સ્ટાફ દોડી ગયો હતો અને લગ્નવિધીની વ્યવસ્થા કરી હતી. જો કે તેમાં છ યુગલો સામેલ થયા હતાં. બાકીના પરિવારોએ પોતાના દિકરા-દિકરીના લગ્ન અન્ય સ્થળે ગોઠવવા વ્યવસ્થા કરી હતી.
પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા હતા અને લગ્નપ્રસંગે નવવધૂને જે કરિયાવર આપવાનો હોય છે તેની વ્યવસ્થા કરી આપી હતી. તો બીજી તરફ સામાજિક સંસ્થાઓએ ભોજનની પણ તાત્કાલીક વ્યવસ્થા કરી આપી હતી. રાજકોટ પોલીસે લગ્નવિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજક સામે આક્ષેપો થયા તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું ંસ્ટેટસ ગત રાતે મુક્યું હતું અને પોતે સવારે ચાર વાગ્યે આયોજન સ્થળે પહોંચી જશે તેવુ લખાણ મુક્યું હતું. સમય મુજબ સવારે પાંચ વાગ્યે કન્યા પક્ષના પરિવારજનો પહોંચી ગયા હતાં. સામે ૨૮ જાન આવી હતી. પરંતુ આયોજક જ હાજર નહોતો. જેથી દેકારો મચી ગયો હતો. લગ્નગીતો જ્યાં ગાવાના હતાં ત્યાં કન્યાઓના આંસુ વહ્યા હતાં અને લેભાગુ આયોજક પર ફીટકાર વરસ્તો હતો.
ચંદ્રેશ છત્રોલાએ બે મહિના પહેલાથી ઋષિવંશી સમાજના નામે ૨૮ સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન ગોઠવ્યું હતું અને સમાજમાં આગેવાનો પાસે જઇને દાનની ઝોળી ફેલાવી હતી. આ રીતે તેણે દાન એકઠુ કર્યુ હતું. વર અને કન્યા બંને પક્ષ પાસેથી પણ ૧૫-૧૫ હજાર ફી ઉઘરાવી હતી. કન્યાઓને કરીયાવરમાં ટીવી, ફ્રીઝ, કબાટ, ગાદલા-પલં, ઘરવખરી, વોશીંગ મશીન, પંખા સહિત ૨૦૮ ચીજવસ્તુ આપવામાં આવશે તેવુ જણાવી આમંત્રણ પત્રીકામાં આ ચીજવસ્તુનું લિસ્ટ પણ મુક્યું હતું. તેમજ આગલા દિવસે એટલે કે શુક્રવારે રાતે જાણીતા કલાકારોઅસ્ટેજ સંચાલકોની ભજન સંતવાણીનું પણ આયોજન કર્યુ હતું. પરંતુ શુક્રવારે રાતે આયોજક આયોજનના સ્થળે ન આવતાં સમુહલગ્નમાં સામેલ પરિવારોમાં ચિંતા જન્મી હતી.
તપાસ કરતાં આયોજક ચંદ્રેશે પોતાને તબિયત બગડી હોવાથી દાખલ કરવામાં આવ્યો છે એવા સ્ટેટસ સાથેના હોસ્પિટલના ફોટા વ્હોટ્સએપમાં મુકી દેતાં અને સવારે ચાર વાગ્યે પોતે આવી જશે તેમ કહી સંતવાણી ડાયરો રદ કરવા પડયા છે તેવું કહેતાં સમુહલગ્નમાં સામેલ પરિવારોને તેની વાત સાચી લાગી હતી. પરંતુ આજે સવારે જાન આવી ગયા બાદ પણ આયોજક ન આવતાં કન્યા પક્ષના લોકોની ચિંતા વધી ગઇ હતી. વરરાજા પણ મીંઢોળ બાંધીને આવ્યા હોઇ દોડધામ મચી ગઇ હતી. સ્થળ પર આયોજક તરફથી ખુલાસો કરવા પણ કોઇ હાજર ન હોઇ અને લિસ્ટ મુજબની એકપણ કરિયાવરની ચીજવસ્તુ પણ ન હોઇ છેતરપીંડી થયાની ખબર પડતાં અમુક જાન લીલા તોરણે પાછી ફરવા માંડતા કન્યાઓએ પોક મુકી હતી, ગરીબ દિકરીઓના માતા-પિતા-પરિવારજનો પણ ચિંતામાં મુકાઇ ગયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધીકા ભારાઇ, પ્ર.નગર પીઆઇ સહિતના સ્ટાફે પહોંચી અટકેલી લગ્નવિધી પુર્ણ કરાવવા વ્યવસ્થા ગોઠવી હતી. જો કે છ વર-કન્યા અને તેના પરિવારજનો જ હાજર હોઇ તેમની લગ્નવિધી કરાવાઇ હતી. તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પોલીસે કરાવી હતી. બાકીના વર-કન્યા અને તેમના પરિવારજનોએ પોતાની રીતે લગ્ન આટોપવા વ્યવસ્થા ગોઠવી હતી.
આ બનાવને પગલે સમહુલગ્નમાં દિકરાના લગ્ન કરાવવા આવેલા વિઠ્ઠલભાઈએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે સમૂહલગ્નના નામે આવું ન કરવું જોઈએ. કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો ફરાર થઇ ચૂકયા છે. અમારી પાસેથી ૪૦ હજાર રૂપિયા લીધા હતા, પરંતુ અત્યારે લોકોની જાન લીલા તોરણ સાથે પાછી ફરવા મજબૂર બની છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અન્ય એક દિકરીના સગાએ કહ્યું હતું કે આયોજે બંને પક્ષ પાસેથી રૂપિયા ૧૫-૧૫ હજાર લીધા હતા અને લગ્ન કરવાની સાથે જ મસમોટો કરિયાવર આપવાની વાતો કરી હતી. સવારમાં વાગ્યે અહીં આવશો એટલે બધું તૈયાર હશે એવી ખાત્રી આપી હતી. પરંતુ વર-કન્યા પક્ષના લોકો પહોંચ્યા ત્યારે આયોજક જ નહોતો.
લગ્નવિધી કરાવવા આવેલા બ્રાહ્મણો પણ આ બનાવને પગલે ચિંતામાં મુકાઇ ગયા હતાં. અનેક આ પ્રકારના સમુહલગ્નમાં સામેલ થઇ ચુકેલા શાષાી હાર્દિક ભોગાયતાએ કહ્યુ઼ હતું કે આવુ પહેલી જ વખત થયું છે. સમુહલગ્નના નામે કોઇ આ પ્રકારે છેતરપીંડી કરી જાય તેને કાયદાનું બરાબરનું ભાન કરાવવું જોઇએ.
મોટા દડવાના જયસુખભાઈએ જણાવ્યું હતું કે આયોજકોએ ૨૮ દીકરીનાં લગ્નનુ આયોજન કર્યું હતું અને બધા પાસેથી રૂ. ૧૫થી ૧૫ હજાર લીધા હતા, જોકે સવારે અહીં આવ્યા ત્યારે આ સ્થળે પાણીની પણ વ્યવસ્થા નહોતી. કોઈ આયોજક કે કાર્યકરો દેખાયા નહિ. એને લઈને લગ્નના ઉત્સાહ સાથે આવેલા લોકો વીલા મોઢે પરત ફરવા માટે મજબૂર બની ગયા હતાં. ભત્રીજાના લગ્ન માટે આવેલાં મનીષાબેને જણાવ્યું હતું કે અમે ૩૦ હજાર રૂપિયા આયોજકોને આપ્યા હતા. અહીં આવ્યા તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી પરત ફરીએ છીએ. હવે કોઈ મંદિરમાં જઈને ફેરા સહિત બાકીની વિધિ પૂર્ણ કરાવીશું. આયોજક સામે કડક કાર્યવાહી કરો. આગેવાનો વશરામભાઇ સાગઠીયા, શિવાજી સેનાના વિક્રમ સોરાણી, વિનોદભાઇ નાગાણી સહિતે આયોજન સ્થળે પહોંચી ઘટનાને વખોડી કાઢી હતી અને વરવધુને કરિયાવર આપવા સહિતની વ્યવસ્થા ગોઠવવા જવાબદારી ઉઠાવી હતી. આ શરમજનક ઘટનાએ ચકચાર જગાવી દીધી છે. પોલીસે આયોજક સામે ગુનો નોંધવા તજવીજ કરી છે.
આયોજક ચંદ્રેશ છત્રોલાએ ૫૩ દાતાઓ પાસેથી ૩૫ લાખ જેવી રોકડ ઉઘરાવી!
ઞ્જસમુહલગ્નની આમંત્રણ પત્રિકામાં આયોજક ચંદ્રેશ છત્રોલાએ જેટલા દાતાઓ પાસેથી જે રકમ દાનમાં મળી તે રકમ અને દાતાઓના નામ પણ લખ્યા છે. આ જોતાં તેણે ૫૩ દાતાઓ પાસેથી ૩૫ લાખ જેવી રકમનું દાન મેળવી લીધુ છે, તો વર-કન્યા પક્ષ પાસેથી પણ ૧૫-૧૫ હજાર કે વધુની રકમ ઉઘરાવી લીધી હોય તે અલગ ગણી શકાય. ચંદ્રેશને શોધી કાઢવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(3:00 PM IST)










