<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

બાળ સંરક્ષણ ગૃહમાં પરવેઝ અલીનો નમાઝ પઢવાની ચાદરથી ગળાફાંસો ખાઇ આપઘાત

ભાવનગરના વડવા તલાવડીનો વતની સગીરને ઘર સળગાવવાના ગુનામાં વીસ દિવસ પહેલા જ અહિ મોકલાયો હતોઃ જામીન ન થતાં પગલુ ભર્યાની શક્‍યતા સવારે બેરેકમાં બીજા સગીરો જાગ્‍યા ત્‍યારે પરવેઝ લટકતો મળતાં સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટને જાણ કરીઃ ડે. કલેક્‍ટરની હાજરીમાં એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ બી. આર. સાવલીયા અને સ્‍ટાફે પંચનામુ કરી મૃતદેહ પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયોઃ બે ભાઇમાં મોટો હતો

રાજકોટ તા. ૨૦: શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહ-બાળ સુધાર ગૃહમાં રખાયેલા ભાવનગર પંથકના સગીરે નમાઝ પઢવાની ચાદર બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ભાવનગર પંથકના આ સગીરને ઘર સળગાવવાના ગુનામાં ભાવનગર પોલીસે પકડયો હતો અને વીસ દિવસ પહેલા તેને અહિ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલ્‍યો હતો. જામીન ન થતાં હોવાથી કદાચ આ પગલુ ભર્યાની શક્‍યતા  હોવાનું જણાયું હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગોંડલ રોડ પર બાળ સ઼રક્ષણ ગૃહમાં પરવેઝ અહેસાનઅલી નુરાની (ઉ.વ.૧૭)એ બેરેકની બારીમાં નમાઝ પઢવાની ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ બી. આર. સાવલીયા, કુલદીપભાઇ સહિતના પહોંચ્‍યા હતાં. ડી. સ્‍ટાફના એમ. વી. લુવા સાહિતનો સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ડે. કલેક્‍ટર ડો. ચાંદની પરમારે પણ ત્‍યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની ટીમે તેમની હાજરીમાં પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ પરવેઝ ભાવનગર વડવા તલવાડી હાજીનાઝી ફલેટ ભીલવાડા ખાંચામાં અલ્‍કા સિનેમા પાછળ રહેતો હતો. તે બે ભાઇમાં નાનો હતો અને તેના પિતા રિક્ષા હંકારી  ગુજરાન ચલાવે છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ પરવેઝ વિરૂધ્‍ધ ભાવનગરમાં ઘર સળગાવવાનો ગુનો દાખલ થયો હતો. ત્‍યારબાદ તા. ૧-૧-૨૫ના રોજ ભાવનગર પોલીસે તેને રાજકોટના બાળ સુધાર ગૃહમાં મોકલ્‍યો હતો. અહિ સવારે સાડા છએક વાગ્‍યે પરવેઝ જે બેરેકમાં હતો તેમાં બીજા સગીરો હોઇ તે જાગતાં પરવેઝને નમાઝ પઢવાની ચાદરમાં બારી સાથે લટકતો જોતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. સગીરોએ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટને જાણ કર્યા બાદ ૧૦૮ને અને પોલીસને જાણ કરાઇ હતી. ૧૦૮ના તબિબ કુલદીપભાઇએ તેને મૃત જાહેર કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. પરવેઝના વાલીને પણ ઘટનાની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્‍યા હતાં. પરવેઝ જે ગુનામાં સામેલ હતો તેમાં જામીન ન થતાં હોવાથી કદાચ તેણે આ પગલુ ભરી લીધાની શક્‍યતા જણાઇ હોઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

(4:22 PM IST)