<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

૨૦ વર્ષની યુવતિને ૪૦ વર્ષના દિલીપે ફ્રેન્‍ડશીપના નામે ફસાવી દૂષ્‍કર્મ આચર્યુ પછી બીજે પરણી ગયો

મારી લાઇફમાં હું એકલો છું, મારા ઘરના મને સમજતા નથી...હું ખુબ સારો વ્‍યક્‍તિ છું... : તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી મવડી પાળ રોડ પર રહેતાં દિલીપ ચાવડાને ગઇકાલે લગ્ન પુરા થતાં જ ઉઠાવી લીધો : સ્‍વાર્થ પુરો થઇ જતાં દિલીપે યુવતિને કહ્યું-મારા બીજા લગ્નનું માંડ નક્કી થયું છે, તું મારી મજબૂરી સમજ, હવે આપણે વાત નહિ કરીએ

રાજકોટ તા. ૧૯: દૂષ્‍કર્મનો વધુ એક બનાવ શહેરમાં બન્‍યો છે. વીસ વર્ષની યુવતિને ૪૦ વર્ષના ઢગાએ ફ્રેન્‍ડશીપના નામે ભોળવી તેના મોબાઇલ નંબર મેળવી ‘હું લાઇફમાં એકલો છું, મારા ઘરના મને સમજતા નથી, હું સારો વ્‍યક્‍તિ છું' કહીને  વહોટ્‍સએપમાં મેસેજ મોકલી ફ્રેન્‍ડશીપ કરી બાદમાં લગ્નની લાલચ આપી યુવતિ સાથે બળાત્‍કાર ગુજારી લેતાં અને બાદમાં યુવતિને ‘મારા બીજા લગ્નનો માંડ મેળ પડયો છે, તું મારી મજબૂરી સમજ હવે આપણે વાત નહિ કરીએ' કહી સંબંધ તોડી નાખી બીજા લગ્ન કરી લેતાં યુવતિની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી ગઇકાલે આ શખ્‍સના લગ્ન થયા એ સાથે જ તેની સામે ગુનો નોંધી પુછતાછ માટે ઉઠાવી લીધો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર વીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી મવડી પાળ રોડ વિસ્‍તારમાં રહેતાં ૪૦ વર્ષના દિલીપ નાનજીભાઇ ચાવડા નામના શખ્‍સ વિરૂધ્‍ધ દૂર્ષ્‍મનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. ભોગ બનનાર યુવતિએ પોલીસને જણાવ્‍યું હતું કે હું ગયા સપ્‍ટેમ્‍બર મહિનામાં પાળતુ પક્ષી મારી પાસે હોઇ તેને લઇને અવાર-નવાર આટો મારવા નીકળતી હતી ત્‍યારે દિલીપ મારી સામે જોયા કરતો હતો. એ પછી એક દિવસ તેણે મારો મોબાઇલ નંબર માંગ્‍યો હતો. ત્‍યારબાદ તેણે મારા વ્‍હોટ્‍સએપમાં ‘હાઇ'નો મેસેજ લખ્‍યો હતો  અને તારે મારી સાથે ફ્રેન્‍ડશીપ કરવી છે? હું મારી લાઇફમાં એકલો જ છું, મારા ઘરના મને સમજતા નથી, હું સારો વ્‍યક્‍તિ છું અને હું કોઇને કહીશ નહિ...તેવો મેસેજ મોકલ્‍યો હતો. જેથી મેં તેને માત્ર ફ્રેન્‍ડ તરીકે વાત કરવાની હા પાડી હતી. એ પછી અમે બંને અવાર-નવાર ફોન કોલથી અને મેસેજથી વાત કરતાં હતાં. તે પોતાના જીવનની બધી વાત મારી સાથે કરતો હતો. એક વખત તેણે અમે ભેગા થયા ત્‍યારે ખરાબ વાત કરી હતી. જેથી મેં તેને હવે પછી મેસેજ ન કરવા કહી તેનો નંબર બ્‍લોક કરી દીધો હતો.

ત્‍યારબાદ તેણે મને કહેલુ કે હું તારી સાથે મેરેજ કરી લઇશ, તુ઼ મને મળવા આવ. આથી મને તેના પર વિશ્વાસ આવતાં ફરીથી તેની સાથે વાતચીત ચાલુ કરી હતી. એ પછી દિલીપના ઘરે અમારી ખબર પડી જતાં તેના માતા, ભાભીએ મને બોલાવી કહેલુ કે તમારુ આ જે ચાલે છે તે તમારી રીતે પુરો કરો નહિતર હેરાન થઇ જશો. જેથી મને બીક લાગતાં મેં દિલીપ સાથે વાત બંધ કરી દીધી હતી. ત્‍યારબાદ ડિસેમ્‍બર મહિનામાં હું એકલી હતી ત્‍યારે અચાનક દિલીપ ઘરે આવી ગયો હતો અને તું કેમ મારી સાથે વાત નથી કરતી, મારુ શું થશે, મારા ઘરના સભ્‍યો તને ખીજાય છે, પણ હું તને ક્‍યાં કંઇ કહુ છું? તું મારી સામુ તો જો...તેમ કહી મારી સાથે ખરાબ વાત કરી હતી. એ પછી ફરીથી અમે ફોનમાં વાતચીત કરતાં થયા હતાં.

બાદમાં તા. ૨૨/૧/૨૫ના રોજ હું ઘરે એકલી હતી ત્‍યારે દિલીપે હું તને મળવા આવુ છું તેમ કહેતાં ના પાડવા છતાં તે સવારે ઘરમાં ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે-હું ના પાડુ છું છતાં મારા ઘરના લોકોએ મારા લગ્ન બીજી જગ્‍યાએ નક્કી કરી નાંખ્‍યા છે પણ મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્‍યારબાદ મને ખબર પડી હતી કે તેના લગ્ન બીજે નક્કી થઇ ગયા છે. મેં તેને લગ્નની વાત કરતાં તેણે ફોનમાં ઝઘડો કરીને કહેલું કે-મારા આ બીજા લગ્ન પણ માંડ કરીને નક્કી થયા છે, તું મારી મજબૂરી સમજ, હવે આપણે વાત નહિ કરીએ તેમ કહેતાં મેં તેનો નંબર બ્‍લોક કરી નાંખ્‍યો હતો. સમાજમાં બદનામી થશે એવા ડરથી મેં કોઇને વાત કરી નહોતી.  દિલીપે ફ્રેન્‍ડશીપ કરી પછી લગ્નની લાલચ આપી દૂષ્‍કર્મ આચરી લીધુ હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી.

તેમ ભોગ બનનારે જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી આરોપી દિલીપ નાનજીભાઇ ચાવડાને સકંજામાં લીધો છે. તેના અગાઉ એક લગ્ન થયા હતાં અને તૂટી ગયા હતાં. ફરી બીજા લગ્ન ગઇકાલે જ થયા હતાં. એ સાથે જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો. આ શખ્‍સ મેટોડા કારખાનામાં નોકરી કરે છે. ધરપકડ બાદ વિશેષ પુછતાછ થશે. (૧૪.૮)

(11:45 AM IST)