<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

બેડી સર્કલ પાસે નંબર વગરની કારથી ટ્રક આંતરી બિહારી ડ્રાઇવરના ગળે છરી મુકી અપહરણ કરી રોકડ લૂંટી લીધી

ગાંધીધામથી બાબરા જઇ રહેલા ૨૮ વર્ષના સતેન્દ્ર પાલને 'તે મારી કારમાં નુકસાન કર્યુ છે, ખર્ચો દેવો પડશે' કહી છરીના ઘા મારી દેવાની ધમકી આપી ગૂગલ પેથી રોકડ ટ્રાન્સફર કરી લીધીઃ પોતાની કારમાં સતેન્દ્રને અડધો કલાક સુધી ફેરવ્યોઃ ઉંધી છરી મારી, છેલ્લે તેણે કાકલુદી કરતાં ફરી ટ્રક પાસે ઉતારી મુકયો બી-ડિવીઝન પોલીસે રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શકમંદની પુછતાછ આદરીઃ ભેદ ઉકેલાઇ જવાની આશા

રાજકોટ તા. ૧૭: શહેરના બેડી સર્કલથી બાયપાસ પૂલ પર ગાંધીધામથી બાબરા ટ્રક હંકારીને જઇ રહેલા મુળ બિહારના યુવાનનો ટ્રક નંબર વગરની કારથી આંતરી કારચાલકે ટ્રકની કેબીનમાં ચડી જઇ તે મારી કારને નુકસાન કર્યુ છે, ખર્ચાના પૈસા દે કહી છરી બતાવી ટ્રકચાલકનું અપહરણ કરી કારમાં અડધો કલાક સુધી ફેરવી તેના મોબાઇલ ફોનમાં ગૂગલ પે પાસવર્ડ જાણી રૂપિયા સોળ હજાર ટ્રાન્સફર કરી લઇ તેમજ ખભા પર ઉંધી છરી મારી છેલ્લે ફરી ટ્રક પાસે ઉતારી મુકી કારચાલક ભાગી જતાં પોલીસે અપહરણ, લૂંટનો ગુનો નોંધી એક શકમંદને ઉઠાવ્યો છે. આ શખ્સ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. પુછતાછમાં ભેદ ખુલી જવાની આશા છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બિહારના અરવાલ જીલ્લાના કરપી તાબેના જીંદાપુર ગામે રહેતાં ટ્રકચાલક સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી અજાણ્યા વર્ના કારના ચાલક વિરૂધ્ધ અપહરણ, લૂંટનો ગુનો નોંધી શકમંદને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. આ શકમંદ અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ હોવાની અને રીઢા ગુનેગારની છાપ ધરાવતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે.

સતેન્દ્રકુમાર પાલે જણાવ્યું છે કે હું અરિહંત શીપીંગ એજ ટ્રાનસપોર્ટમાં દસ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું. ટ્રાન્સપોર્ટના માલિક દિલીપસિંગ છે. તેમની ટ્રક હું ભારતભરના તમામ રાજ્યોમાં લઇને આવતો જતો રહુ છું. મારા હસ્તકની ટ્રકના નંબર જીજે૩૯ટી-૭૬૮૮ છે. અમારી ઓફિસ ગાંધીધામ અને અમદાવાદ તેમજ મુંદ્રામાં પણ છે. ૧૬/૨ના રવિવારે રાતે એકાદ વાગ્યે મને ટ્રાન્સપોર્ટ માલિકે ગાંધીધામથી બાબરા રાધેશ્યામ કોટન જીનીંગ ખાતે કપાસ ભરવા રવાના કરતાં હું ટ્રક લઇને નીકળ્યો હતો. બાદમાં સાડા દસેક વાગ્યે રાજકોટ પહોંચતા બેડી સર્કલથી બાયપાસ પૂલ પર જતાં કાળા રંગની નંબર પ્લેટ વગરની વર્ના કાર આવી હતી અને મારા ટ્રકને ઓવરટેક કરી ટ્રક ઉભો રખાવી દીધો હતો. તેમાંથી આશરે ૨૫ થી ૩૦ વર્ષનો શખ્સ ઉતર્યો હતો અને મારા ટ્રકની કેબીનમાં ચડી ગયો હતો.

હું કંઇ સમજુ વિચારુ એ પહેલા તેણે- તે મારા ટ્રકમાં નુકસાન કર્યુ છે, મને પૈસા આપ તેમ કહેતાં મેં તેને તારા ટ્રકમાં મારાથી કોઇ નુકસાન થયુ નથી, પૈસા નીહ આપું તેમ કહેતાં તેણે છરી કાઢી મારા ગળા પર રાખી દીધી હતી અને પૈસા કાઢ નહિતર છરી મારી દઇશ તેમ કહી મારો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. તેમજ મારા ખિસ્સા ફંફોળતાં રોકડા ન મળતાં તેણે મોબાઇલ ફોનમાંથી ગૂગલ પે ખોલી પાસવર્ડ માંગી ચેક કરતાં મારા ખાતામાં રૂ. ૧૬૨૦૦ હોઇ જે ટ્રાન્સફર કરવાનું કહેતાં મેં ડરને કારણ ે હા પાડી હતી. જેથી એ ટ્રક સાઇડમાં રખાવી દરવાજાઓને લોક કરાવી ટ્રકની ચાવી તથા મારો ફોન પડાવી મને તેની કારમાં બળજબરીથી બેસાડી મારકુટ કરી હતી.

આ પછી તે ફોનમાં કોઇ સાથે વાત કરતો હતો અને મને તેની કારમાં ત્રીસેક મિનીટ સુધી રાજકોટમાં ફેરવ્યો હતો. ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર તરફ જતાં રોડ પર નાલા નીચેથી કાર લઇ થોડે દૂર ઉભી રાખી મારોફોન અને ટ્રકની ચાવી સાથે લઇ એક દૂકાનમાં ગયો હતો. મને કારમાં જ બેસી રહેવાનું કહ્યું હતું. એ પછી તેણે એ દૂકાન પર કયુઆર સ્કેન કરી દૂકાનવાળા પાસેથી પૈસા લઇ પાછો આવી કારમાં બેસી ગયો હતો. મને ફરીથી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો. મેં તેને ટ્રક પાસે મુકી જવા વિનંતી કરતાં મને ઉંધી છરી ખભા પાસે મારી હતી તેમજ ગાલ પર તમાચા માર્યા હતાં. મેં વધુ વિનંતી કરતાં અંતે તે ટ્રક પાસે મુકી ગયો હતો અને જતાં જતાં ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો છરી ભોંકી દઇશ.

ત્યારબાદ મને મારો ફોન અને ટ્રકની ચાવી આપી તે ભાગી ગયો હતો. હુ઼ ખુબ ડરી ગયો હોઇ શેઠને ફોન કરવા મોબાઇલ જોતાં તેમાંથી રૂ. ૧૬૦૦૦ ઉપડી ગયાનો મેસેજ હતો. મેં મારા શેઠને અને પોલીસને ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો. મને મારકુટ કરી અપહરણ કરી લૂંટ કરી જનાર શખ્સે લાલ ટી-શર્ટ, લાલ જેકેટ પહેર્યા હતાં. તેની કાર પર નંબર પ્લેટ નહોતી. મેં તેની કારમાં કોઇ નુકસાન કર્યુ ન હોવા છતાં ટ્રકને આંતરી મને છરી બતાવી માર મારી અપહરણ કરી મારા ગૂગલ પે પાસવર્ડ જાણી દૂધની દૂકાનેથી મારા ફોનમાંથી ગૂગલે પે દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં. પીઆઇ એસ. એસ. રાણે અને પીએસઆઇ જે.આર. સોલંકીએ ગુનો નોંધતા ડી. સ્ટાફ ટીમે મહેનત આદરી શકમંદને શોધી કાઢવા મહેનત આદરી છે. આ શકમંદ અગાઉ અનેક ગુનાઓમાં સામેલ શખ્સ હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે.

(4:50 PM IST)