<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

તું રાજકોટમાં દેખાઇશ તો મારી જ નાખશું...પાનના ધંધાર્થી ખુશાલને જ્ઞાતિ. પ્રત્‍યે અપમાનીત કરી ધમકી

અગાઉ આ યુવાન દારૂમાં પકડાયો ત્‍યારે રૈયાના મુકેશનું નામ દીધુ હતું: એ પછી દિવ્‍યરાજસિંહ અને શક્‍તિસિંહના નામે બે શખ્‍સે ફોન કરી ધમકાવ્‍યોઃ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૪: નવા દોઢસો ફુટ રીંગ રોડ પર પરશુરામ મંદિર પાસે રહેતાં પાનના ધંધાર્થીને બે શખ્‍સોએ બે દિવસ સુધી ફોન કરી તે કેમ દારૂના કેસમાં અમારુ નામ દીધું? હવે તું રાજકોટમાં દેખાઇશ તો મારી નાખશુ઼, છરીના ઘા મારી દઇશું કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર પરશુરામ મંદિર પાસે રહેતાં અને રૈયા ગામમાં મુક્‍તિધામ પાસે પાનની કેબીન ચલાવતાં ખુશાલ હમિરભાઇ મેરીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી દિવ્‍યરાજસિંહ ઝાલા અને શક્‍તિસિંહ નામ ધારણ કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરનારા શખ્‍સો સામે ગુનો દાખલ કર્યો છે.

ખુશાલે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પાનની દૂકાન ચલાવુ છું. અમે ત્રણ ભાઇઓ છીએ. જેમાં મોટા ભાઇ જયદિપભાઇનું અગાઉ પડધરીના ઢોકળીયા ગામે મર્ડર થયું હતું. તેનાથી નાનો હું છું અને મારાથી નાનો રાહુલ છે. મારા પિતા આરએમસીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝથી ડ્રાઇવીંગ કરે છે. એક મહિના પહેલા મારા ઉપર ૨૪ બોટલ દારૂનો કેસ થયો હતો. આ દારૂ મેં મુકેશ વાળંદ (રૈયા ગામ) પાસેથી લીધો હતો. પોલીસની પુછતાછમા મેં આ મુકેશનું નામ મારા નિવેદનમાં આપ્‍યું હતું. આ કેસમાં બાદમાં હું છુટી ગયો હતો. દરમિયાન ૨૫/૧૨ના રોજ હું તથા મારા સગા મહેશ પરમાર એમ બંને ત્રંબા અમારા સગા રાજુભાઇના ઘરે ગયા હતાં ત્‍યારે મુકેશે વાળંદનો ફોન આવતાં મેં ફોન રિસીવ કરતાં વાત કરનાર શખ્‍સે હું દિવ્‍યરાજસિંહ ઝાલા બોલુ છું કહી મને ગાળો દઇ તે કેમ દારૂના કેસમાં મારુ નામ દીધુ? હવે તું ઘરની બહાર નીકળતો નહિ, રાજકોટમાં દેખાઇશ તો મારી નાખીશ, તારે મારી ઉપર એટ્રોસીટી કરવી હોય તો કરી નાંખજે કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યો હતો.

એ પછી તા. ૨૬/૧૨ના રોજ હું પરશુરામ મંદિર પાસે મારા ઘરે હતો ત્‍યારે ફરી ફોન આવ્‍યો હતો અને દિવ્‍યરાજસિંહ ઝાલાના ભાઇ શક્‍તિસિંહ બોલુ છું તેમ કહી એ શખ્‍સે પણ મારા ભાઇનું કેસમાં નામ આપ્‍યું હતું ને હવે તારે ફરિયાદ કરવી હોય તો કરી દેજે, તને છરીના ઘા મારી દેવા છે તેમ કહી ફરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યો હતો. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:00 PM IST)