<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ધંધાદારી ખાનગી કોલેજોની તપાસ વગર ‘જીકાસ' પોર્ટલ માટે યોગ્‍ય ઠેરવતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીઃ કુલપતિ ઉત્‍પલ જોશી ખાનગી કોલેજોના શરણે!

ફાયર NOC, બીનખેતી હુકમ, ભાડાકરાર, લાયકાત ધરાવતો સ્‍ટાફ છે કે નહી? એલઆઈસી રીપોર્ટ વગર જ ખાનગી કોલેજોને ‘ફીલગુડ' ખાનગી કોલેજો સંચાલકોએ પણ ફૂલડે વધાવ્‍યા.. કુલપતિ જોશીનો વધુ એક વિવાદ, આશ્‍ચર્યજનક નિયમથી શિક્ષણજગતમાં ચર્ચા

રાજકોટ, તા.૧૪: બી ગ્રેડ ધરાવતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીની ગતી સી ગ્રેડ તરફ જઈ રહી છે. વિદ્યાર્થી કલ્‍યાણ કે શિક્ષણ અને પદવી ગરીમાપૂર્ણ બને તેવી કોઈ કાર્યવાહી હાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં કાર્યરત નથી. રાજ્‍ય સરકારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ તરીકે ડો.ઉત્‍પલ જોશીની નિમણૂક કરી, પરંતુ નવનિયુકત કુલપતિ જોશી દિનપ્રતિદિન વિવાદમાં આવી રહયા છે. કુલપતિની ગાડીમાં સાયરન લગાવીને સીનસપાટા કરવાના ખેલને રાજ્‍ય સરકારે બરોબરનો પદાર્થ પાઠ ભણાવ્‍યો છે. ત્‍યાં કુલપતિને રાજ્‍ય સરકારના નિયમોનો  ઉલાળીયો કરીને ખાનગી-ધંધાદારી કોલેજના લાભાર્થે નિર્ણય કર્યાની સ્‍થિતિ નિર્માણ પામી છે.

રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યની તમામ કોલેજમાં પ્રવેશ એકછત્ર નીચે રહે અને તેજસ્‍વી વિદ્યાર્થીઓને તેની ગુણવત્તા અને લાયકાત મુજબ પ્રવેશ મળે તે માટે ‘જીકાસ' પ્રવેશ પોર્ટલ બનાવ્‍યું છે.

‘જી઼કાસ' પ્રવેશ પોર્ટલ માટે એકેડેમીક કાઉન્‍સીલે એક ઠરાવ કરીને ઠરાવ્‍યું છે કે તા.૩૧ જાર્ન્‍યુ પહેલા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીની તમામ કોલેજનું ઈન્‍સપેકશન કરીને લોકલ ઈન્‍કવાયરી કમિટી (એલ.આઈ.સી.) રીપોર્ટ આપે તે મુજબ નવા શૈક્ષણિક સત્ર માટે કોલેજને લાયક ગણીને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવો.

નવનિયુકત કુલપતિ ઉત્‍પલ જોષીએ રાજ્‍ય સરકાર તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના તમામ નિયમોનો ઉલાળીયો કરીને સ્‍નાતક કક્ષાએ બી.એ, બી.કોમ, બીએસસી, બીએસ ડબલ્‍યુ, અનુસ્‍નાતક કક્ષાએ એમએ, એમકોમ, બીએડ, એમએસસી આઈટીની, અંદાજે ૩૦૦ની વધુ ખાનગી કોલેજોને એલ.આઈ.સી.ના રીપોર્ટ વગર જ નવા પ્રવેશ માટે ભલામણ કરી દેવા મળી આવી છે.

વિદ્યાર્થીઓના પ્રવેશ માટે તમામ ખાનગી કોલેજો પાસે ફાયર NOC છે કે નહીં? બીનખેતીનો હુકમ? ભાડાકરાર, લાયકાત ધરાવતાં પ્રોફેસર, કોલેજ ખાતે સુવિધા છે કે નહી? સહિતની બાબતોની ખરાઈ અને પુરાવા સાથે એલઆઈસીનો રીપોર્ટ આપવામાં આવે છે, પરંતુ કુલપતિ ઉત્‍પલ જોશીએ એલઆઈસીના રીપોર્ટ વગર જ સીધો પ્રવેશ માટે યોગ્‍ય ગણી દેતા  આગ લાગે કે વિવાદ થાય તો કોની જવાબદારી?તાજેતરમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી સેલ્‍ફ ફાયનાન્‍સ કોલેજ એસોસીએશન દ્વારા કુલપતિ ઉત્‍પલ જોશીનું સન્‍માન કરવાનો કાર્યક્રમ યોજાયેલો, અચાનક આ સન્‍માન પાછળ ખાનગી કોલેજોની કોઈપણ જાતની કમિટી વગર નવા વર્ષ માટે પ્રવેશ યોગ્‍ય ગણાતા અનેક વિધ ચર્ચા થઈ રહયાં.સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ભવનો, યુનિવર્સીટીના શૈક્ષણિક,  વિકાસ, વિવિધ વિદ્યાશાખાના ઉત્‍ક્રર્ષ કર્મચારીઓ અને અધ્‍યાપકોના પ્રશ્‍નોને બદલે સીધા જ ધંધાદારી - શૈક્ષણીક સંસ્‍થાના લાભાર્થે લીધેલા આશ્‍ચર્યજનક નિર્ણયના ઘેરા પ્રત્‍યાઘાત પડી રહયાં. (રર.૧૦)

કુલપતિ જોશીના સન્‍માનમાં ભાજપની જુથબંધીઃ ‘મુદો'ના મળતિયા ગેરહાજર

રાજકોટ, છેલ્લા ત્રણ વર્ષ બાદ રાજ્‍ય સરકારે કાયમી કુલપતિ તરીકે ઉત્‍પલ જોશીની નિમણૂંક કરી છે. સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા ઉત્‍પલ જોશીને સ્‍થાનીક ભાજપના ગમા-અણગમાનો સામનો કરવો પડયો છે. સેલ્‍ફ ફાયનાન્‍સ એસોસીએશન દ્વારા કુલપતિ જોશીનું સન્‍માનના કાર્યક્રમમાં શહેર ભાજપનું એક જૂથ ગેરહાજર રહયું હતું. શહેર પ્રમુખ મુકેશ દોશીના ખાસ પ્રિતિપાત્ર ગણાતા શૈલેષ જાની, ડી.વી.મહેતા સહિત અનેક આગેવાનો ગેરહાજર રહેતા ચર્ચા જાગી છે. ‘મુદા'નો પડયો બોલ ઝડપવા તત્‍પર રહેતા એક આગેવાન તો સન્‍માન સ્‍થળથી ૩૦૦ મીટર જ દુર હતા

(3:29 PM IST)