તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 14th February 2025
જય જલારામના નાદ સાથે કાલે રાજકોટથી વિરપુર પદયાત્રા
આ પદયાત્રા પીડીએમથી શરૂ થઇ પારડી, રીબડા પહેલા ડાબી બાજુ કોટડા જતા માર્ગથી અરડોય, કોટડા, ખરેડા, ગોંડલ, જામવાડી, ચોરડી થઇ વિરપુર પહોંચશે

રાજકોટઃ રઘુવીર યુવા સેવા રાજકોટ દ્વારા તા.૧પને શનીવાર સાંજના ૪ કલાકથી રાજકોટથી વિરપુરની મંગલમય પાવનકારી પદયાત્રાનો પ્રારંભ પી.ડી. માલવીયા કોલેજથી થશે. સંત શીરોમણી મકતશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતીથી નિમીતે આ રપમી પદયાત્રામાં જલારામ પંચશીલ ગૃપના સહયોગ સાથે યોજાયેલ છે. આ વર્ષે ગોંડલ હાઇવે ઉપર રીબડા પછી રોડનું સમારકામ ચાલતુ હોય પદયાત્રા રૂટમાં ફેરફાર કરવામાં આવેલ છે. આ પદયાત્રા પી.ડી.એમથી શરૂ થઇ પારડી, શાપર વેરાવળ પછી રીબડા પહેલા ડાબી બાજુ જતાં કોટડા જતા માર્ગેથી અરડોય, કોટડા, ખરેડા, ગોંડલ, જામવાડી, ચોરડી થઇ વિરપુર પહોંચશે.
પદયાત્રા દ્વારા પુણ્યનું ભાથુ બાંધવાના આશયથી જોડાયેલા ભાવીક ભકતજન ભાઇ-બહેનો માટે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી પપ કિ.મી.ની યાત્રામાં ઠેર ઠેર સેવા પરબો ઉભા કરવાની કાર્યવાહી પુર્ણ થઇ ચુકી છે. પી.ડી.માલવીયા થી પુ.જલારામ બાપાની જયના ગગન ભેદી નાદ સાથે યાત્રાનો પ્રારંભ થશે ત્યારે સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ઠંડા પીણાનો પ્રસાદ યાત્રીકોને આપી વિદાય આપશે. બે સ્થળ ઉપર કોલ્ડ્રીંકસની વ્યવસ્થા અને ૧૦ કી.મી.ના અંતરે હસુભાઇ કોટેચા પરીવાર દ્વારા જલારામ ફાર્મમા ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. અવિરત આખી રાત ચાલનાર પદયાત્રીકો માટે વિરપુર સુધી ચા, નાસ્તો, જલેબી, ગાંઠીયા, શીરો, ફ્રુટ ડીશ, કોફી, ગરમ કાવો, ચેવડો, વેફર, આઇસક્રીમ, ચોકલેટ, બીસ્કીટ, પાણી તેમજ મોડી રાત્રીના ગરમ પાણી તેમજ તાપણાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
પદયાત્રીઓને અપીલ કરાઇ છે કે જામવાડી પછી રસ્તાનુ રીપેરીંગ કામ ચાલુ હોય તો એક લાઇનમાં ચાલશો ટોળું વળીને ચાલસો નહી ઉપરાંત સંસ્થાના સ્વયંસેવકો જે કાઇ માર્ગદર્શન આપે તેને ધ્યાને લેશો પદયાત્રા દરમ્યાન ડોકટરો, મેડીકલ વાનમાં તમામ પ્રકારની દવા ઉપરાંત બહેનોની સેવા માટે મહીલા ટીમને પણ ગોઠવવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. પી.ડી.માલવીયાથી શરૂ થનાર પદયાત્રામાં આખી રાત સેવા આપવા માટે રઘુવીર યુવાસેના સેનાની યુવા ટીમના સદસ્યો સવારે વિરપુર સુધી સતત સેવામાં હાજર રહેશે. પદયાત્રીકો બપોરના ૩:૪પ કલાકે પી.ડી.માલવીયા કોલેજે પહોંચી જવા સંસ્થાની યાદીમાં જણાવેલ છે.વિશેષ માહીતી માટે પદયાત્રા ઇન્ચાર્જ હિમાંશુભાઇ વસંત મો.૯૮૯૮૮ ૪૬૪પ૬, ભૌતીકભાઇ જીવરાજાની મો.૯૯૦૪૪ ૦૦૦૯૯, યજ્ઞેશભાઇ સુચક મો.૭૬૦૦૦ ૦૪પ૬૦નો સંપર્ક કરવો.
(3:26 PM IST)










