તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
જે આનંદ ત્યાગમાં છે તે ભોગમાં નથીઃ પૂ. ધીરજમુનિ મ.સા.
પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં દીક્ષાર્થી દર્શનકુમારનું સન્માન

રાજકોટ તા. ૧૪: શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સાધુ વાસવાણી રોડ ખાતે અભય ભારદ્વાજ હોલમાં પૂ. શ્રી ધીરગુરુદેવની ૪૪મી દીક્ષા જયંતિ અનુમોદનાર્થે પ૪૪ આયંબિલ તપોત્સવ મધ્યે દીક્ષાર્થી દર્શનકુમાર માલવણીયાનું સન્માન કરાતાં દીક્ષાર્થીનો જય જયકાર સૂત્રથી સહુ ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે પૂ. ધીરગુરુદેવે જણાવેલ કે, સંયમ એટલે ગોલ્ડન ટચ અર્થાત્ પારસમણિનો સ્પર્શ લોખંડને સોનું બનાવે તેમ એકવાર ભાવ સંયમનો સ્પર્શ સાધકને ભગવાન બનાવે. વધુમાં કહેલ કે-ગોલ્ડન ટ્રીપ અર્થાત્ જે આનંદ ત્યાગમાં છે તે ભોગમાં નથી. ગોલ્ડન ટુલ અર્થાત્ સંયમ વાણી, વિવેક કર્મ કાપવાનું સાધન છે.
કાલે તા. ૧પને શનિવારે સવારે ૯-૩૦ કલાકે હેમુ ગઢવી હોલમાં સંયમ અભિવંદના સમારોહ યોજાશે. અને બપોરે ૪ થી પ સમૂહ જાપનું બોર્ડિંગ ખાતે મહાવીર ભવનમાં આયોજન છે.
પૂ. ધીરગુરુદેવ પ્રેરિત જ્ઞાનવર્ધક પુસ્તકો દીક્ષા જયંતિ ઉપલક્ષે સમારોહના સ્થળે રૂા. ૧૦-૧૦ માં મળી શકશે. શાસન પ્રગતિ માસિકનું ડીસ્કાઉન્ટમાં પ૦૦ રૂા.માં આજીવન લવાજમ ભરી શકાશે.
મીનળબેન શાહે કહેલ કે-વેલેન્ટાઇન દિવસે પ્રેમને વહેંચતા વધે તેટલો પ્રભુને નહિ પણ સૌથી વધુ પ્રેમ પ્રભુ સાથે કરતાં રહેશો તો જીવન પ્રેમમય બની જશે.
(2:45 PM IST)










