તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
વાવડીના પંપમાંથી ૨૦ લાખ મળશે એ આશાએ સગીર વિદ્યાર્થીએ લૂંટનો પ્લાન ઘડી અમલ કર્યો'તોઃ ત્રિપુટીને ક્રાઇમ બ્રાંચે દબોચી
પાંચમીએ રાતે ત્રણ વાગ્યે રિક્ષા સીસીટીવીમાં ન આવે એ રીતે પંપથી એક કિ.મી. દૂર રાખી બુકાની બાંધીને ત્રણેય ત્રાટક્યા'તાઃ ફિલરમેન પર ભરઉંઘમાં જ ક્રુરતાથી બેઝબોલ-હથોડીના ઘા ઝીંકી લૂંટ ચલાવી હતીઃ હુમલા-લૂંટનો વિડીયો થયો હતો વાયરલ : મોટી રકમને બદલે ૧૩ હજાર જ મળ્યા હતાં: પંપમાં રાતે એક જ કર્મચારી હોય છે, મોટી રકમ હોય છે તેનાથી સગીર વાકેફ હતોઃ જે મળે એમાંથી ભાગની લાલચ દઇ બે મિત્રોને સામેલ કર્યા હતાં: લૂંટ બાદ બધા ઘરે જઇ સુઇ ગયા હતાં: દસેક હજાર મોજશોખમાં વાપર્યા : કૃષ્ણરાજસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર અને ટીમને સફળતા

ઉંઘી રહેલા ફીલરમેન પર કઇ રીતે ધોકા, હથોડીના ઘા ઝીંકાયા હતાં તેના દ્રશ્યો રૂંવાડા ઉભા કરી દે તેવા છે : લૂંટમાં સામેલ સગીર સહિત ત્રણને ક્રાઇમ બ્રાંચે પકડી, ધોકો, હથોડી, મોબાઇલ, રિક્ષા કબ્જે કર્યા હતાં
રાજકોટ તા. ૧૪: તાલુકાના વાવડી ગામમાં આવેલા એચપીના પેટ્રોલ પંપ ખાતે ગત પાંચમી તારીખે રાતે ત્રણેક વાગ્યે ત્રણ બુકાનીધારી લૂટારૂ ત્રાટક્યા હતાં અને પેટ્રોલ પંપ ખાતેની ઓફિસમાં ફિલરમેને વિષ્ણુભાઇ ગોસ્વામી સુતો હોઇ તેને ભરઉંઘમાં જ આડેધડ હથોડી અને બેઝબોલના ધોકાના ઘા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી ઓફિસમાંથી રૂા. ૧૩ હજારની રોકડની લૂંટ ચલાવી હતી. સનસનાટીભરી આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી એક સગીર અને તેના બે મિત્રોને દબોચી લઇ રિક્ષા, રોકડ, હથોડી, ધોકો, મોબાઇલ ફોન કબ્જે લીધા છે. સગીર આ પેટ્રોલ પંપમાં મોટી રોકડ રહેતી હોવાની વાતથી વાકેફ હોઇ પૈસાની જરૂર હોવાથી બે મિત્રો સાથે મળી પ્લાન ઘડયો હતો અને તેને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચે પાંચ દિવસ સુધી રાત દિ જોયા વગર મહેનત કરી લૂંટારાઓને ઝડપી લીધા હતાં. વીસ લાખ મળવાની આશાએ ત્રાટક્યા હતાં પણ તેર હજાર જ મળ્યા હતાં. આ આરોપીમાં સગીર સહિત બે વિદ્યાર્થી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ પાંચ ફેબ્રુઆરીના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે વાવડીમાં આવેલા એચ.પી. કંપનીના વાવડી ફયુલ્સ નામના પેટ્રોલ પંપમાં ત્રણ બુકાનીધારી ઘુસી ગયા હતાં અને પંપની ઓફિસમાં ફીલરમેન વિષ્ણુ ગોસ્વામી ચાદર ઓઢીને સુતો હોઇ તેના પર ભરઉંઘમાં જ ધોકા-હથોડીના ઘા ઝીંકી બાદમાં ઓફિસમાંથી ૧૩ હજારની રોકડ લૂંટી ત્રણેય ભાગી ગયા હતાં. આ લૂંટનો ગુનો ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને કોન્સ. પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી ઉકેલી પ્રતિક પિયુષભાઇ દત્તા (ઉ.વ.૨૦-રહે. ગીતાનગર મેઇન રોડ શિવ મેડીકલ સામે, એસટી વર્કશોપ પાછળ, ગોંડલ રોડ) તથા રાહુલ નવઘણભાઇ મીર (ઉ.વ.૨૦-રહે. ખોડિયારનગર-૧૧, પાવર હાઉસવાળી શેરી, ૧૫૦ રીંગ રોડ) તથા એક સત્તર વર્ષના કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને જામનગર રોડ એસઓજીની ઓફિસ પાછળ આવેલા નીતી ડાઇનીંગ હોલ પાસેથી ઝડપી લઇ લૂંટમાં વાપરેલી રૂા. ૧ લાખની રિક્ષા જીજે૦૩સીટી-૨૦૭૨, રૂા. ૨ હજાર રોકડા, બેઝબોલ, હથોડી અને એક મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
તપાસમાં ખુલ્યા મુજબ પ્રતિક રિક્ષા હંકારે છે અને રાહુલ અભ્યાસ કરે છે. જ્યારે ત્રીજો સગીર છે તે આ લૂંટનું કાવત્રુ ઘડનારો મુખ્ય સુત્રધાર છે. આ સગીરની પેટ્રોલ પંપ ખાતે આવ-જા રહેતી હોઇ જેના કારણે તે જાણતો હતો કે અહિ મોટી રકમ હોય છે. સગીર અને તેના બંને મિત્રો રાહુલ તથા પ્રતિકને પંપમાં લૂંટ કરવાથી ૨૦ લાખ જેવી રકમ મળશે અને રાતે મોટે ભાગે એક જ કર્મચારી હોય છે તેથી લૂંટમાં સરળતા રહેશે તેવી વાત કરતાં આ બંને પણ મોટી રકમ ભાગે આવશે તેવી લાલચમાં આવ્યા હતાં.
પ્લાન મુજબ પ્રતિક પોતાની રિક્ષામાં બેઝબોલનો ધોકો અને હથોડી લઇને આવ્યો હતો. એ પછી રાહુલ અને સગીરને બેસાડી ત્રણેય મોડી રાતે ત્રણેક વાગ્યે પેટ્રોલ પંપ તરફ રવાના થયા હતાં. એકાદ કિ.મી. દૂર જ્યાં સીસીટીવી કેમેરા નહોતાં ત્યાં રિક્ષા મુકીને પંપ પાછળના ભાગે ચાલીને લપાતા છુપાતા પહોંચી ગયા હતાં. એ પહેલા પંપ ખાતે બીજા કોઇ લોકોની અવર-જવર નથી તેની ખાત્રી કરી લીધી હતી. ઓફિસમાં ફિલરમેન ચાદર ઓઢીને સુતો હોઇ તેના પર રીઢા ગુનેગારની જેમ ક્રુરતાથી બેઝબોલના ધોકા અને હથોડીના આડેધડ ઘા ફટકાર્યા હતાં. આ કારણે માથામાં તમ્મર ચડી જતાં ફીલરમેન ઉભો થઇ શક્યો નહોતો. એ પછી એક શખ્સ હથોડી લઇને માથે ઉભો હતો અને બીજા બેએ ઓફિસમાં ખાખાખોળી કરતાં ૧૩ હજારની રોકડ મળી હતી.
વીસેક લાખ મળવાની આશા હતી પરંતુ નાની રકમ જ હાથ આવતાં તે લઇને ત્રણેય ભાગી ગયા હતાં અને પોતપોતાની ઘરે જઇ સુઇ ગયા હતાં. બાદમાં બીજા દિવસે મોજશોખમાં રકમ વાપરી હતી. વિશેષ તપાસ માટે આરોપીઓને તાલુકા પોલીસને સોંપાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુરભાઇ સબાડ, રાજેશભાઇ જળુ, અમિતભાઇ અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા, મોહીલરાજસિંહ ગોહિલ, મહાવીરસિંહ, ગોપાલભાઇ, અર્જુનભાઇની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)
(2:41 PM IST)










