News of Thursday, 13th February 2025
હિરાસર એરપોર્ટને આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાનું નામ આપોઃ અખિલ ભારતીય નાગર પરિષદનું આવેદન
વડાપ્રધાનને સંબોધી કલેકટરને સંબોધી કલેકટરને રજૂઆતઃ નરસિંહ મહેતાજી યુગપુરૂષ-ભકત-કવિ હતા

રાજકોટ તા. ૧૩: અખીલ ભારતીય નાગર પરિષદના રાજકોટ શાખાના આગેવાનોએ વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદન પાઠવી હવાઇ મથકનું નામકરણ આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા કરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, ચૌદમી સદીમાં એક યુગ પુરૂષનું અવતરણ થયું અને તેના કાર્યકાળ, તેના દ્વારા આધ્યાત્મિક, સામાજીક, વૈચારીક ક્રાંન્તી પ્રદાન કરતા કાર્યોને કારણે તે યુગ પુરૂષ આજે છ દાયકા બાદ પણ સમાજમાં વંદનીય બની પરમ ભકત તથા શિરોમણી કવિ તરીકે આદરથી પુજાય છે. ‘‘વૈષ્ણવ જન તો તેને...'' પદ દ્વારા જગ વિખ્યાત નરસિંહ મહેતા ભારતીય હોવાનો આપણે ગર્વ લઇ શકીએ. બહુમુખી પ્રતિભા સંપન્ન, સમર્પિત ભકત, પરમ શ્રધ્ધા ધરાવનાર સંસારી, આધ્ય કવિ, શ્રેષ્ઠ સંગીતકાર, વિચક્ષણ તત્વજ્ઞાની, શ્રેષ્ઠતમ સમાજ સુધારક, પર દુઃખ ભંજન આ મહામાનવને કોટી કોટી વંદન.
તે આર્ય સંસ્કારના મશાલચી છે. વિતરાગી છે. ‘‘દૃઢ વૈરાગ્ય'' જેના મનમાં છે, એવા જન્મજાત યોગી છે. ચૌદમી સદીમાં જયારે હિન્દુત્વ ભયમાં હતું, ત્યારે ભકિતમય પ્રચારથી સંસ્કૃતીનું રક્ષણ કરવા અમુલ્ય યોગદાન આપેલ છે.
મહેતાજી કોઇ જ્ઞાતિ, સમાજ કે રાજયના ન રહેતા જગત વ્યાપી મહામાનવ યુગ પુરૂષ થઇને સમગ્ર જગમાં વંદનીય બની ગયા છે. આજે પણ તેના અનેક કાવ્યો, પદો, પ્રભાતિયાઓ ચારેબાજુ ગુંજી રહ્યા છે. આથી તેમનું નામ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક સાથે જોડી આધ્ય કવિ શ્રી નરસિંહ મહેતા હવાઇ મથક કરવા માંગણી છે.
આવેદન દેવામાં ડો. હેમાંગ વસાવડા તથા અન્ય આગેવાનો જોડાયા હતા
(3:46 PM IST)










