તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
રૈયા રોડ વૈશાલીનગરની મંડળીના સંચાલકે યુવતિને છેતરી ફસાવી વારંવાર દૂષ્કર્મ આચર્યુ
પહેલા મિત્રતા કેળવી પછી કહ્યું તારુ કામ સારુ છે તને નવી મંડળીમાં ભાગીદાર બનાવીશઃ મારી પત્નિ સાથે ભળતું નથી, છુટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ :ભાડા કરારના બહાને મૈત્રીકરારમાં સહી કરાવી લીધાનો પણ આરોપઃ ગાંધીગ્રામ પોલીસે મેસન ક્લબ ક્રેડિટ કો. ઓપ. સોસાયટીના સંચાલક પરાગ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધ્યોઃ અન્ય એક યુવતિને પણ ફસાવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: શહેરમાં દૂષ્કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટ રહેતી જૂનાગઢ પંથકની યુવતિને રૈયા રોડ વૈશાલીનગરમાં આવેલી સહકારી મંડળી મેસન કલબ ક્રેડિટ કો-ઓપ. સોસાયટીના ચેરમેન પરાગ અનિલભાઈ સોલંકીએ મકાનના ભાડા કરારમાં સહી કરવાના બહાને મૈત્રીકરારમાં સહીઓ કરાવી લઇ ફસાવી અલગ અલગ સ્થળે લઇ જઇ દૂષ્કર્મ આચરી લેતાં પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ ખાનગી ઈન્સ્યુરન્સ કંપનીમાં નોકરી કરતી હતી. એક વખત ધાર્મિક પ્રસંગે રાજકોટમાં સંબંધીને ત્યાં આવી હતી ત્યારે પરિચીત મહિલાને નોકરીની વાત કરી હતી. જેથી તે મહિલાએ આરોપી પાસે વાત કરી હતી. આ પછી તેણી આરોપી પરાગ સોલંકીની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા ગઇ હતી. તેણીને પરાગે રૂા.૮ હજારનો પગાર નકકી કરી ૧૧ માસના કરાર પર લોન એકઝિકયુટીવ તરીકે નોકરી પર રાખી હતી. નોકરી મળતાં તેણી રાજકોટમાં પીજી તરીકે રહેવા આવી ગઈ હતી. તેને આરોપી જુદી-જુદી કામગીરી સોંપતો હતો. એ પછી પરાગે ધીમે ધીમે આગળ વધી મિત્રતા કેળવી કહ્યું હતું કે તું ખુબ જ હોંશિયાર છો, મારે જુનાગઢમાં મંડળીની બીજી ઓફિસ ચાલુ કરવી છે, જેમાં તને ૫૦ ટકા હિસ્સો આપીશ, તું મને ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે, મારે મારા મારી પત્નિ સાથે ઝઘડા ચાલે છે, તેને છૂટાછેડા આપી આપણે લગ્ન કરી લેશું.
પરંતુ પરાગ પરણેલો હોઇ તેણીએ લગ્ન કરવાની ના પાડી હતી. એક દિવસ આરોપી મકાનમાં ભાડા કરારની જરૂર છે તેમ કહી કોઈ વકિલ-નોટરી પાસે લઈ ગયો હતો. જયાં તેની પાસે સહી કરાવી હતી. બાદમાં આરોપીએ તેને એવું કહ્યું હતું કે આપણે ભાડા કરાર નહીં પરંતુ મૈત્રી કરાર કર્યા છે. ત્યાર પછી આરોપી કાલાવડ રોડ ખાતે રીસોર્ટ ફલેટમાં લઈ ગયો હતો. જયાં તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી તેનો બોસ હોવાથી નોકરીમાંથી કાઢી મુકશે તેવા ડરથી કોઈને આ બાબતે જાણ કરી ન હતી. આ પછી આરોપીએ તેને મંડળીમાં બેસાડી મંડળી સિવાયનું બીજું કામ પણ બતાવી વૈશાલીનગરમાં આવેલા તેના મકાનમાં લઈ જઈ ત્યાં પણ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
થોડા દિવસો બાદ તેને ખબર પડી હતી કે આરોપીની બીજી મંડળી મનીધારા સોસાયટી ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોર્પોરેટ લીમીટેડમાં આવેલી છે. જયાં પણ આરોપીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે. આ વાત તેણીએ પરાગને કરતાં ગુસ્સે થઈ તેણીને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. અંતે ર૦ર૩ના જાન્યુઆરી માસમાં તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પોતાના વતન જતી રહી હતી. બીજી નોકરી ન હોવાથી ફરીથી રાજકોટ આવી આરોપી પરાગના પર્સનલ કામ કરવાનું શરૂ કર્યું હતું. જે કામ છ મહિના તેણે કર્યું હતું. તે દરમિયાન પણ આરોપીએ અવાર-નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં આરોપી અવાર-નવાર ધમકી આપતો હોવાથી કંટાળીને નવી નોકરી માટે અરજી કરી હતી.
ત્યારબાદ તેણીને એક ઈન્શ્યોરન્સ કંપનીમાં નોકરી મળી જતાં આરોપીએ ત્યાના સિનિયર અધિકારીને કોલ કરી તેને નોકરીમાંથી કઢાવવાના -યત્નો કર્યા હતા. જે બાબતે આરોપી વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં આરોપીએ તેને ફોસલાવીને સમાધાન કરી લીધું હતું. નોકરીમાં તેણે આરોપીની મંડળીનું અનુભવનું સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. આરોપીએ તેની કંપનીમાં પોતે આ સર્ટીફિકેટ નહીં આપ્યાનું કહી નોકરીમાંથી કઢાવી નાખી હતી. ત્યાર પછી આરોપીએ તેને કહ્યું કે તારે હું કહું એટલું જ કામ કરવાનું છે. જે બાબતે આરોપી સાથે ફોનમાં ઝઘડો થયા બાદ વાલીઓને આપવીતિ જણાવી આરોપી વિરૂધ્ધ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જેના આધારે પીઆઇ એસ.આર. મેઘાણી, હંસરાજભાઇ સહિતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:41 PM IST)










