તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Thursday, 13th February 2025
શિતલબેન મૈત્રાના પર્સમાંથી તસ્કરણી ૧૭.૭૦ લાખનો સોનાના દાગીનાનો ડબ્બો ચોરી ગઇ
આજીડેમ ચોકડીએ બસમાં ચડતી વખતે ગિર્દીમાં ઘુસી લાભ ઉઠાવી લીધો : લોધીકાના પંથકના મહિલા દિકરી, બહેન, ભાણેજ સહિતની સાથે ખારચીયા લગ્નમાં જઇ રહ્યા હતાં ત્યારે બનાવઃ આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૩: લોધીકાના બાલાસર ગામે રહેતાં મહિલા અગિયાર દિવસ પહેલા આજીડેમ ચોકડીએથી પોતાની દિકરી, બહેન, ભાણેજ સહિતની સાથે સરધારના ખારચીયા ગામે લગ્નપ્રસંગમાં જવા એસટી બસમાં ચડતાં હતાં ત્યારે ગિર્દીમાં અજાણી તસ્કરણીઓ કળા કરી ગઇ હતી. આ મહિલાના પર્સમાં રહેલો રૂા. ૧૭,૭૦,૦૦૦ના સોનાના દાગીના ભરેલો નાનો ડબ્બો ચોરાઇ ગયો હતો. આ બનાવમાં આજીડેમ પોલીસે લોધીકાના બાલાસર ગામે રહેતાં શિતલબેન દિનેશભાઇ મૈત્રા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શિલતબેન મૈત્રાએ જણાવ્યું છે કે હું મારા પતિ, બે બાળકો જેમાં દિકરો, દિકરી તથા સાસુ, સસરા અને ઘરડા સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહુ છું. મારા પતિ ખેતી કામ કરે છે. તા. ૨/૨/૨૫ના રોજ મારે તથા મારી દિકરી પ્રગતિ અને કોૈટુંબીક નણંદ ઇલાબેન એમ ત્રણેયને ખારચીયા ગામે માસીના દિકરાના લગ્નમાં જવાનું હોઇ મારા પતિ સવારે નવેક વાગ્યે અમને હરિપર (પાળ)ના પાટીયે એમટીવી હોટેલ નજીક મુકી ગયા હતાં. મારા બહેન પાયલ અને મીરા પહેલેથી અહિ અમારી રાહ જોઇને ઉભા હતાં. અમે પાંચેય બાદમાં સાડા નવેક વાગ્યે એક ઓટો રિક્ષામાં બેઠા હતાં. આ રિક્ષામાં અગાઉથી જ એક મહિલા બેઠેલી હતી.
અમે છએય કેકેવી હોલ સુધી આવ્યા હતાં. કેકેવી હોલથી અમારી સાથે મારા માસી બબુબેન, તેમની દિકરી સિધ્ધી પણ સામેલ થયા હતાં. આ પછી અમે સાત વ્યક્તિ કેકેવી ચોકથી આજીડેમ ચોકડીએ જવા બીજી ઓટો રિક્ષામાં બેઠા હતાં. આશરે દસેક વાગ્યે આજીડેમ ચોકડીએ પહોંચ્યા હતાં. અહિથી સરધાર નજીકના ખારચીયા ગામે જવા માટે સરકારી બસમાં બેઠા હતાં. બસમાં ખુબ ગિરદી હોઇ બસમાં ચડતી વખતે બીજી અજાણી મહિલાએ ધક્કામુક્કી કરી હતી.
બસ આગળ જતાં મેં મારી પાસેનું લેડીઝ પર્સ ચેક કરતાં તેમાં રાખેલો સોનાના ઘરેણાનો ડબ્બો જોવા મળ્યો નહોતો. ડબ્બામાં સોનાનો હાર ૧૪ તોલાનો, સોનાની બે કંગન ૧૨ તોલાની, સોનાનો ચેઇન ૪ તોલાનો, સોનાની વીટી માળા પાંચેક ૫ તોલાની, એક જોડી બુટી ૧ તોલાની તેમજ એક વીંટી સહિતના દાગીના હતાં. આ ડખ્ખો કોઇએ ચોરી લીધો હતો. મેં તુરત જ મારા પતિને બનાવની જાણ કરી હતી. બસમાં ચડતી વખતે ગિર્દીમાં કોઇએ અજાણી મહિલાઓ અમારી આજુબાજુ હોઇ તેણે કદાચ આ ચોરી કરી હોવાની શંકા ઉપજી હતી. કારણ કે આ મહિલાઓ બસમાં ચડી નહોતી. જે દાગીના ચોરાઇ ગયા તેમાં હારની કિમત ૪,૨૦,૦૦૦, બે કંગનની કિમત ૬,૬૦,૦૦૦, ચેઇનની કિમત ૨,૪૦,૦૦૦, લેડીઝ માળાની કિંમત ૩,૫૦,૦૦૦ અને બુટીની કિમત ૭૦,૦૦૦ તથા વીંટીની કિમત ૩૦ હજાર મળી કુલ રૂા. ૧૭,૭૦,૦૦૦ના દાીના કોઇ નજર ચુકવી ચોરી ગયું હતું. આ મામલે અમે ઘર મેળે તપાસ કરતાં હતાં. પરંતુ દાગીના કોણ ચોરી ગયું તે ખબર ન પડતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં શિતલબેને કહેતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. કે. ગામેતીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૬)
(3:03 PM IST)










