તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
કૈલાસ પાર્કના વિક્રમભાઇ જળુનું દિકરાના લગ્નના ચાર દિવસ બાદ હાર્ટએટેકથી મોત
જે આંગણે દિકરાના લગ્નના ઢોલ ધ્રબુક્યા ત્યાં આજે પિતાના મૃત્યુથી મરશીયા ગવાયા : બીજા બે બનાવમાં આંબેડકરનગરના હેમુભાઇ ચાવડા જમતાં જમતાં ઢળી પડયા બાદ અને સત્યમ્ પાર્કના મનીસિંગ શર્મા પણ એકાએક બેભાન થઇ ગયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૧૩: હૃદયરોગના હુમલાના ત્રણ બનાવમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક આધેડનું રાતે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. હજુ ચાર દિવસ પહેલા જ તેમણે દિકરાના રંગેચંગે લગ્ન કર્યા હતાં. બીજા બનાવમાં એક પ્રોૈઢ જમતાં જમતાં ઢળી પડયા હતાં અને ત્રીજા બનાવમાં પણ એક પ્રોૈઢનું અચાનક મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કૈલાસ પાર્કમાં રહેતાં વિક્રમભાઇ વીભાભાઇ જળુ (ઉ.વ.૪૬) રાતે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. હજુ ચાર દિવસ પહેલા જ તેમના દિકરા રાજભાઇના લગ્ન હોઇ પરિવારે રંગેચંગે પ્રસંગ પતાવ્યો હતો. જે આંગણે દિકરાના લગ્નના ઢોલ ધ્રબુક્યા હતાં ત્યાં આજે પિતાના મૃત્યુથી મરશીયા ગવાયા હતાં.
બીજા બનાવમાં એંસી ફુટ રોડ પર ડો. આંબેડકરનગરમાં રહેતાં હેમુભાઇ ભાણજીભાઇ ચાવડા (ઉ.વ.૫૨) રાતે જમતાં જમતાં એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું. મૃત્યુ પામનાર પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. તે છુટક મજૂરી કરતાં હતાં.
બીજા બનાવમાં એંસી ફુટ રોડ સત્યમ્ પાર્કમાં રહેતાં મનીસિંગ રઘુવંશીસિંગ શર્મા (ઉ.વ.૫૮) રાતે ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. મુળ યુપીના વતની હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(3:03 PM IST)










