<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

પૂનમ ભરવા જતાં બે મિત્રોના ‘હિટ એન્‍ડ રન'માં મોત

કોટડા સાંગાણી અને ભાડવા ગામ વચ્‍ચે બનાવઃ ગોંડલના બાલાભાઇ સાકરીયા અને ભુપતભાઇ કુમારખાણીયા ભાડલાના શ્રીગેલમાતાના મંદિરે જતાં હતાં ત્‍યારે બાઇકને અજાણ્‍યો કારચાલક ઉલાળીને ભાગી ગયોઃ બંનેએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: કોટડા સાંગાણી અને ભાડવા વચ્‍ચેના રસ્‍તા પર હિટ એન્‍ડ રનની ઘટનામાં ગોંડલના બે મિત્રોના મોત થયા છે. આ બંને આજે પૂનમ ભરવા માટે ભાડલા ગામે શ્રીગેલમાતાજીના મંદિર તરફ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં આ બનાવ બનતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં મોવૈયા રોડ પર સાગર સિમેન્‍ટ નજીક રહેતાં બાલાભાઇ બીજલભાઇ સાકરીયા (ઉ.વ.૫૦) અને તેમના મિત્ર પડોશમાં જ આલ્‍ફા કારખાના નજીક રહેતાં ભુપતભાઇ પ્રાગજીભાઇ કુમારખાણીયા (ઉ.વ.૫૨)ને બાઇકમાં બેસાડીને ભાડલા ગામે જઇ રહ્યા હતાં ત્‍યારે કોટડા સાંગાણી અને ભાડવા વચ્‍ચેના રસ્‍તા પર પહોંચ્‍યા ત્‍યારે અજાણી કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બંને મિત્રોને ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સારવાર દરમિયાન એક પછી એક બંનેએ દમ તોડી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃત્‍યુ પામનાર બાલાભાઇ ચાર ભાઇમાં ત્રીજા નંબરે હતાં અને મજુરી કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

જ્‍યારે તેમની સાથે મોતને ભેટેલા પ્રાગજીભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને મજુરી કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. બાલાભાઇ ભાડલા ગામે શ્રીગેલમાના મંદિરે દર મહિને પૂનમ ભરવા જતાં હતાં. તે દર વખતે એકલા જતાં હતાં. આ વખતે મિત્ર ભુપતભાઇ પણ સાથે જોડાયા હતાં. કરૂણ બનાવમાં બંને મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી.

(4:05 PM IST)