<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

તાજાવાલા સુપર માર્કેટના પાર્કિંગમાં ‘કટીંગ' થાય એ પહેલા પરાગ દારૂના જથ્‍થા સાથે પકડાયો

લાખાજરાજ રોડ પર મધરાતે દરોડોઃ ૧,૬૬,૭૪૦નો ૨૬૪ બોટલ દારૂ જપ્‍ત થયો એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, શક્‍તિસિંહ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ અને ટીમની કાર્યવાહી અને ટીમનો દરોડોઃ પરાગના ભાગીદાર ભવદીપ કામલીયાનું નામ ખુલ્‍યું

રાજકોટ તા. ૧૧: લાખાજીરાજ રોડ પર તાજાવાલા સુપર માર્કેટમાં પાર્કિંગની ખુલ્લી જગ્‍યામાં મધરાતે એલસીબી ઝોન-૨ ટીમે દરોડો પાડી તેને રૂા. ૧,૬૬,૭૪૦નો ૨૬૪ દારૂ જપ્‍ત કરી તેની ધરપકડ કરી હતી. પુછતાછમાં તેના ભાગીદારનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. જાણવા મળ્‍યા મુજબ દારૂની બદ્દી દુર કરવા અને કેસ શોધી કાઢવા એલસીબી ઝોન-૨ ટીમ સક્રિય હતી ત્‍યારે મધરાતે બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ તાજાવાલા સુપર માર્કેટના પાર્કિંગમાં દારૂનો જથ્‍થો ઉતર્યો છે અને એક શખ્‍સ કટીંગ કરવા ઉભો છે. આને આધારે દરોડો પાડવામાં આવતાં એક શખ્‍સ દારૂની પેટીઓ સાથે અંધારામાં મળી આવ્‍યો હતો. પોલીસે તપાસ કરતાં ગ્રાન્‍ડ ઓફર બ્રાન્‍ડનો રૂા. ૧,૨૨,૪૦૦નો ૨૦૪ બોટલ દારૂ અને રૂા. ૪૪૩૪૦નો ઓલ સીઝન્‍સ બ્રાન્‍ડનો ૬૦ બોટલ દારૂ મળી આવતાં તે કબ્‍જે કરી ત્‍યાં ઉભેલા શખ્‍સની ધરપકડ કરી હતી.

પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ પરાગ નરેશભાઇ ગણાત્રા (ઉ.વ.૨૩-રહે. ગાયકવાડી-૩) જણાવ્‍યું હતું. તેમજ પોતાની સાથે ભાગીદારીમાં ભવદીપ મુકેશભાઇ કામલીયાએ આ દારૂ ઉતાર્યો હોવાનું કહેતાં પોલીસે ભવદીપની શોધખોળ હાથ ધરી હતી. પરાગ અગાઉ પણ પ્ર.નગર પોલીસમાં અને ભવદીપ એ-ડિવીઝન પોલીસમાં દારૂના ગુનામાં પકડાઇ ચુક્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.

(3:47 PM IST)