<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મેયર પાસેથી કિલોમીટર દીઠ રૂ. ર૦ વસુલોઃ કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ મ્‍યુ. કમિશનરને લખ્‍યો પત્ર

રાજકોટ તા. ૧૧: શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણી તથા વિરોધ પક્ષનેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મેયરના સરકારી કારમાં પ્રયાગરાજ પ્રવાસના અનુસંધાને મ્‍યુ. કમિશનરને પત્ર લખી  પદાધિકારીઓની ગુજરાત બહાર જતી ગાડીઓ અંગે જુનો ઠરાવ રદ કરી વર્તમાન ભાવો નક્કી કરવા તથા મેયર નો પ્રયાગરાજ નો પ્રવાસ પૂર્ણ થયે કિલોમીટર દીઠ રૂપિયા ૨ ને બદલે ઇનોવાનું ભાડું રૂ. ૨૦ વસૂલવા માંગ કરી છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ના પ્રવાસ બાબતે પ્રશ્‍નો ઉભા થયા છે. મેયર નયનાબેન પેઢડીયા સરકારી ગાડી લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ફરી રહ્યા છે. સરકારી ગાડી નો પ્રોટોકોલ જળવાવો જોઈએ તે જળવાયેલ નથી અને ગાડી ઉપર કપડાં સૂકવવામાં આવી રહ્યા ના વિડીયો વાયરલ થયા છે ત્‍યારે આ બાબતે મેયરનો ખુલાસો પૂછી નિયમ મુજબ યોગ્‍ય કાર્યવાહી કરવી જરૂરી બને છે.

પત્રમાં વધુમાં જણાવ્‍યા  મુજબ દસ વર્ષ પહેલાંનો ઠરાવ છે કે ગુજરાત બહાર રાજકોટ મહાનગરપાલિકાના કોઈપણ પદાધિકારીઓના પ્રવાસ માટે જે કાર આપી હોય તે કારના ડ્રાઈવરો સરકારી કિલોમીટરના નોંધવામાં આવે છે એટલે કે ગુજરાત બહાર જ્‍યારે પણ પ્રવાસ કરવામાં આવે ત્‍યારે ફક્‍ત અને ફક્‍ત રૂા.૨ કિલોમીટર દીઠ છે જે તે પદાધિકારીએ ચૂકવવાનો હોય છે પરંતુ એ ઠરાવ દસ વર્ષ પહેલાનો  જુનો હોય હાલ જે ગાડી પ્રયાગરાજ ફરી રહી છે તેના ૨૦ રૂપિયા કિલોમીટર દીઠ થાય છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા જૂનો ઠરાવ રદ કરી અને તાત્‍કાલિક વર્તમાન સમય માં કિલોમીટર દીઠ રૂ. ૨૦ ચાલી રહ્યા છે તે લગાડવા યોગ્‍ય કાર્યવાહી કરવી જરૂરી છે.

 પ્રજાના ખર્ચે અપાયેલ કારની સવલતો અપાયા બાદ સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવે છે. પ્રજાના પ્રશ્‍નો માટે ઓછી અને વ્‍યક્‍તિગત કામ માટે કાર વધુ વાપરવામાં આવે છે. ત્‍યારે  આ બાબતે નિયમ મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે.ે પ્રયાગરાજ ગયા છે ત્‍યારે કિલોમીટર દીઠ રૂ. ૨ ને બદલે રૂપિયા રૂ.૨૦ વસૂલવા  માંગની સાથે જો મેયર  સામે યોગ્‍ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લીગલ અભિપ્રાય મેળવી કાનૂની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાશેનું પત્રના અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્‍યું છે.

(3:15 PM IST)