<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

સરકારે ખાતરી આપતા રાજકોટ સહિત રાજયભરમાં RTO કર્મચારીઓ-ઇન્‍સ્‍પેકટરોની હડતાલ પૂરીઃ કામગીરી શરૂ

સવારે ર કલાક રાજયભરમાં કાર્યવાહી ઠપ્‍પ થઇ હતીઃ અધીકારીઓ સાથેની તપાસો તાકિદે પૂર્ણ કરી દેવાશે : બપોરે ૧ વાગ્‍યાથી જ અરજદારો માટે તમામ કામગીરી શરૂ કરી દેવાની જાહેરાત

રાજકોટ તા. ૧૧: RTO ના હજારો કર્મચારીઓ-ઇન્‍સ્‍પેકટરોની હડતાલ ઉકેલાઇ ગઇ છે. રાજયભરમાં RTO નાં મોટર વ્‍હિકલ્‍સ ડિપાર્ટમેન્‍ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્‍નોનો ઉકેલ નહીં આવતાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આજે એક દિવસની સવારે ૧૦ વાગ્‍યાથી હડતાલ પડતા લાયસન્‍સ-ડ્રાઇવીંગ ટેસ્‍ટ સહિત તમામ કામગીરી રાજકોટ RTO સહિત રાજયભરમાં અટકી પડી હતી, હજારો અરજદારોમાં દેકારો બોલી ગયો હતો, પરંતુ પ્રશ્‍નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયેધરી અપાતા ઓફિસરો કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. આજે બપોરે ૧ વાગ્‍યા બાદ જે અરજદારોએ એપોઇન્‍ટમેન્‍ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે, તેમ જાહેરાત કરાઇ છે.

ટેકનિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે' અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્‍ટમેન્‍ટ લઇને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્‍યારબાદ સરકારે પ્રશ્‍નોનો ઉકેલ લાવવા બાંયેધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે.

રાજકોટના રપ સહિત રાજયભરના RTO ઇન્‍સ્‍પેકટર અને આસિસ્‍ટન્‍ટ ઇન્‍સ્‍પેકટર દ્વારા પડતર માંગણીઓને લઇને આંદલન શરૂ કરવામાં આવ્‍યું હતું જો કે હવે સરકાર તરફથી હકારાત્‍મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. દોઢ દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક અને લાયસન્‍સ સહિતની સેવાઓ બંધ રહેતા ૧પ૦૦થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમ ચકકો થયો હતો. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્‍યું હતું. ગઇકાલે ટેકનિકલ અધિકારીઓએ ‘નો લોગીંગ ડે' અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક પણ બંધ થઇ ગયો હતો અને આજે માસ સી.એલ.ને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી જો કે હવે હડતાલ સમેટાઇ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્‍કેલી દૂર થઇ છે.

રાજકોટ આરટીઓ કચેરીના ઇન્‍સ્‍પેકટરોએ જણાવ્‍યું હતું કે, ટેકનિકલ અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કરી તેઓને કાયમી કરવા આ ઉપરાંત પ્રમોશન આપવાની સાથે અલગ અલગ નનામી અરજીઓને આધભારે જે અધિકારીઓ સામે તપાસ કરવામાં આવેલી છે તે તપાસ પૂર્ણ કરી તેઓને પરત લેવા સહિતના મુદ્દાઓ પર અમારૂં આંદોલન શરૂ થયું હતું જોકે અમારા મોટર વ્‍હીકલ ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે બેઠક થઇ હતી. જેમાં હકારાત્‍મક વલણ દાખવવામાં આવતા અમે આ હડતાલ સમેટી લઇએ છીએ. (૭.૩૬)

(4:30 PM IST)