News of Saturday, 8th February 2025
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે જીપીએસ સિસ્ટમ ઠપ્પ કરી દેવાય છે
રાત્રી મુસાફરી કરનારાઓને હાલાકી : જવાબદારોને પેનલ્ટી ફટકારવા એસ.ટી. મુસાફર હીત રક્ષક સમિતિની રજુઆત

રાજકોટ તા. ૮ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, પટેલ નાગજીભાઈ વિરાણી, સોની દીપકભાઈ રાણપરા, હિરપરા જયંતીભાઈ, જીગ્નેશભાઈ બોરડની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટમાં છેલ્લા બે થી ત્રણ માસથી રાત્રે ૯ થી ૫ સુધી જીપીએસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે. ટીવીની સ્ક્રીનમાં કાળુ ધબ હોય છે. પ્લેટફોર્મ નંબર ૨૨ પાસે તો સ્ક્રીન છે જ નહીં.
સિસ્ટમ બંધ હોવાને પગલે ટ્રાફિક કંટ્રોલરને અને મુસાફરોને બસનું લોકેશન જાણવા મળતું નથી. જે પગલે છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ભારે દેકારો બોલી ગયો છે. આ અંગે ટ્રાફિક કંટ્રોલર દ્વારા અધિકારીઓ સમક્ષ અવાર નવાર મૌખિક ફરિયાદો કરવા છતાં જીપીએસની સિસ્ટમ કોઈ કારણસર ચાલુ કરવામાં આવતી નથી અને ખામીયુક્ત સેવા મુસાફરોને ભોગવવી પડે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છેલ્લે જે ભાડા વધારો કરવામાં આવ્યો છે. તે ભાડા વધારો રાજ્ય સરકારે એસ.ટી.ને એટલા માટે કરવાની છૂટ આપી હતી કે ડીઝલના ભાવો વધતાં અને મુસાફરોને સારી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો હેતુ હતો. ત્યારબાદ ડીઝલના ભાવ ઘટવા છતાં એસ.ટી.એ ભાડા ઘટાડો ન કરતા હાલ અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાની આવક મુસાફરો પાસેથી થઈ રહી છે. સામે સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે.
આ પ્રકારનું વલણ કોઈપણ સંજોગોમાં ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ ચલાવી નહીં લ્યે તેવી ચીમકી ઉચારાઇ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના મેનેજિંગ ડાયરેક્ટરને અને રાજકોટના વિભાગીય નિયામકશ્રીને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરી દાખલા રૂપ સજા કરવાની માંગ ઉઠાવી છે.
(2:48 PM IST)










