તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
સામાકાંઠાના રસ્તાઓ ટનાટન બનશે
ઇસ્ટઝોનના ૬ વોર્ડમાં વિવિધ વિસ્તારમાં રર.૬૧ કરોડના ખર્ચે પેવર કામ થશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા. ૮: શહેરનો વ્યાપ વધતા ગ્રામ પંચાયતોના વિસ્તારોનો મનપાની હદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઈસ્ટઝોનના છ વોર્ડના ૧૮૦ થી વધુ રોડ-રસ્તાના મેટલીંગ કામ અને પેવર રોડ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
શહેરના ઈસ્ટઝોનના મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચીત રહી ગયા હોય તેવી ફરિયાદો અવાર નવાર ઉઠવા પામી હોય ગત બજેટમાં કોર્પોરેટરો દ્વારા સુચવવામાં આવેલા રોડ-રસ્તા સહિતના લોકોની પાયાની જરૂરિયાતના કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી બજેટમાં ઈસ્ટઝોનના ૬ વોર્ડમાં પ્રથમ ટીપી રોડ અને નવી બનેલી સોસાયટીઓના રોડ-રસ્તાઓ તેમજ યુટીલીટી રોડને અગ્રતા આપી ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કામગીરી હાથ ધરાયેલ નહીં જેથી તાજેતરમાં કોર્પોરેટરો દ્વારા કામ થતાં ન હોવાની ફરિયાદો ઉઠતા મેયરે અધિકારીઓને કોર્પોરેટરો સાથે ઝોનલવાઈઝ મીટીંગનું આયોજન કરી બાકી રહેતા કામો નવા બજેટની અમલવારી થાય તે પહેલા પુરા કરવા અથવા વર્કઓર્ડર આપી દેવાની સુચના આપેલ જેના લીધે ઈસ્ટઝોનમાં સૌથી વધુ રોડ-રસ્તાના કામો બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા મેટલીંગ તથા પેવરીંગ કામ માટેના અલગ અલગ ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં મેટલીંગ કામમ માટે ૯.૫૨ કરોડ તેમજ ૩૦ સોસાયટીઓના રસ્તા માટે ૧.૩૫ કરોડ અને પેવર રોડ માટે રૂા. ૧૧.૭૪ કરોડના કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
ઈસ્ટઝોનના વોર્ડ નં. ૪, ૫ અને ૬ તેમજ મોરબી રોડની ઉપરના વિસ્તારોમાં રોડ રસ્તાનું મોટાભાગનું કામ બાકી હોય નવી બનેલી સોસાયટીઓ તેમજ બાકી રહેલી સોસાયટીઓના મેટલીંગના કામો પૂર્ણ કરવા માટે તેમજ મુખ્યમાર્ગો ધોવાઈ ગયેલા હોય જેના ઉપર પેચવર્ક કામ થયું હોય તેવા તમામ રોડ ઉપર નવું પેવરકામ કરી મઢવામાં આવશે. ગત બજેટમાં બાકી રહી ગયેલા તમામ રોડ-રસ્તાના કામોના એક સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અને આ મુદ્દે ઝડપી પ્રક્રિયા હાથ ધરી સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી બે માસની અંદર વર્કઓર્ડર આપી દેવામાં આવશે. તેમ જાણવા મળેલ છે
(2:46 PM IST)










