<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

વિજય કોમર્શિયલ કો.ઓપરેટિવ બેંકના મહિલા મેનેજર અને સાગ્રીતોની કાર લોનના નામે બેંક સાથે ૯૩.૧૫ લાખની ઠગાઇ!

રાજકોટની મંગળા રોડ શાખામાં કોૈભાંડઃ સગા વ્‍હાલા, પરિચીતોના નામે ૧૦ લોન ખોટા દસ્‍તાવેજોને આધારે મંજુર કરાવી લેવાઇઃ નકલી આર. સી. બૂકો, નકલી ઇન્‍સ્‍યુરન્‍સ, નકલી કોટેશન રજૂ કરી કારસ્‍તાન આચરાયું: તમામ લોનમાં કાર એક જ કંપનીની ખરીદાયાનું અને કોટેશન પણ એક જ પેઢીના અપાયા હતાં બ્રાંચ મેનેજર દેવીકા વસા, તેના પરિચીત કાર બ્રોકર શ્રુજય વોરા, લક્ષ્યાંક વિઠ્ઠલાણી અને રકમ જે ખાતાઓમાં જમા થઇ તે મહાકાલ એન્‍ટરપ્રાઇઝના મીત પરમાર તથા જૈન સાયન્‍ટીફિક ઉદ્યોગના જવાબદાર વિરૂધ્‍ધ એ-ડિવીઝનમાં આસી. જનરલ મેનેજર દુર્ગેશભાઇ આચાર્યની ફરિયાદઃ લોન લેવાઇ ગઇ પણ એકેય કારની ખરીદી ન થઇઃ પીઆઇ આર. જી. બારોટ અને ટીમે તપાસ આરંભી

રાજકોટ તા. ૮: શહેરના મંગળા રોડ પર આવેલી વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના મહિલા મેનેજરે બે કાર બ્રોકર સહિતની સાથે મળી પોતાની જ બેંકને લાખોનો ચુનો લગાવી દેતાં ચકચાર જાગી છે. બેંકમાં બ્રોકરો મારફત ૧૦ કાર લોન મંજુર કરાવડાવી તેની રકમ રૂા. ૯૩,૧૫,૦૦૦ મોરબીની બે અલગ અલગ પેઢીના સંચાલકોના ખાતામાં જમા કરાવી દીધી હતી. ટાટા અલ્‍ટ્રોઝ કંપનીની સીએનજી કાર માટેની આ તમામ લોન મંજુર કરાવાઇ હતી. જો કે બેંકને એક અરજી મળતાં તપાસ શરૂ થતાં સમગ્ર કારસ્‍તાન ખુલ્‍યું હતું. જેમાં કાર લોન માટે જરૂરી દસ્‍તાવેજો જેમાં આર. સી. બૂક, વિમા પોલીસી, કોટેશન સહિત તમામ બોગસ ઉભા કરી રજૂ કરાયાનું ખુલ્‍યું હતું. પોલીસે તમામની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મોટા મવા સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે પેન્‍ટાગોન ટાવર એ-૫૦૧માં રહેતાં અને  વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકની કનક રોડ પરની મેઇન બ્રાંચમાં આસી. જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં દુર્ગેશભાઇ વૃજલાલભાઇ આચાર્ય (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી શ્રુજય સંજયભાઇ વોરા, લક્ષ્યાંક શૈલેષભાઇ વિઠ્ઠલાણી, જૈન સાયન્‍ટીફીક ઉદ્યોગના નામની ભાગીદારી પેઢીના જવાબદાર, મહાકાલ એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મીત મહેશભાઇ પરમાર તથા વિજય કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંકની મંગળા રોડ શાખાના બ્રાંચ મેનેજર દેવીકાબેન વસા તથા તપાસમાં ખુલે તેની સામે કાવત્રુ ઘડી બોગસ દસ્‍તાવેજો ઉભા કરી છેતરપીંડી કરી ૧૦ કાર લોનની રકમ રૂા. ૯૩,૧૫,૦૦૦ ઓળવી જવાનો ગુનો નોંધ્‍યો છે.

આસી. જનરલ મેનેજર દુર્ગેશભાઇ આચાર્યએ જણાવ્‍યું છે કે ચારેક મહિના પહેલા વિરેન મુકુદરાય પાઉ અને સમીર સુરેશભાઇ અઢીયાએ એક લેખિત અરજી કરી હતી, જે અરજી અમારી મેઇન બ્રાંચ ખાતે આવી હતી. જેમાં શ્રુજય વોરા, લક્ષ્યાંક વિઠ્ઠલાણીના સામાવાળા તરીકે નામ હતાં. બેંક લોન બાબતની આ અરજી હતી. બેંક મારફતે આ અરજીની તપાસ કરતાં રાજકોટ મંગળા રોડ શાખામાંથી વિરેન પાંઉ, સમીર અઢીયાએ કાર લોન મેળવી હતી. જે કાર લોન બાબતે શાખા મેનેજર શ્રીમતિ દેવિકાબેન વસાને પુછતાં તેણે કહેલું કે લોન બ્રોકર શ્રુજય વોરા અને લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ બે કાર માટેની લોન કરાવી છે. આ સિવાય અન્‍ય ૮ કાર લોન પણ આ લોકોએ કરાવી છે.

વધુ તપાસ કરતાં મંગળા રોડ શાખાના મેનેજર દેવીકાબેન વસાએ બહારના બ્રાકર તરીકે દેવીકાબેને પોતાના પરિચીત શ્રુજય વોરા (રહે. ૨૦૧-એપલ ગ્રીન ઓરેન્‍જ વીંગ-એ, નાગેશ્વર મંદિર પાસે) તથા લક્ષ્યાંક શૈલેષભાઇ વિઠ્ઠલાણી (રહે. સી-૪૦૪, શ્‍યામકુંજ-૧, આર્યશ્રી પાછળ નાના મવા રોડ) લોન બ્રોકર તરીકે કામ કરતાં હોઇ આ બંનેએ અમારી બેંકની મંગળા રોડ શાખામાંથી ૧૦ લોકોની કાર લોન મંજુર કરાવી હતી.

જેમાં કાલાવડ રોડ આંબેડકરનગરના રાઠોડ રવજીભાઇ નાથાભાઇએ ટાટા અલ્‍ટ્રોઝ કાર માટે ૧૦ લાખની લોન અપાઇ હતી, તેમજ ઘંટેશ્વર બ્રહ્માનંદ સોસાયટીના દિવ્‍યાબેન વસંતજતી ગોસ્‍વામીએ અલ્‍ટ્રોઝ સીએનજી કાર માટે ૯,૭૦,૦૦૦ની લોન લીધી હતી. તેણે લોન લેતી વખતે જરૂરી બેંક લોનની પોલીસ મુજબના જરૂરી કાગળો રજુ કર્યા હતાં. તેમજ નાના મવા રોડ શ્‍યામલ કુંજ-૧માં રહેતાં દીપાબેન શૈલેષભાઇ વિઠ્ઠલાણીને ટાટા અલ્‍ટ્રોઝ સીએનજી કાર માટે રૂા. ૯,૦૦,૦૦૦ની લોન, નવલનગર-૯/૧૨ના ઉદય મનીષભાઇ બધેકાને પણ અલ્‍ટ્રોઝ કાર માટે ૯,૭૦,૦૦૦ની લોન, શ્‍યામલકુંજ-૧ના વિક્રમ શૈલેષભાઇ વિઠ્ઠલાણીને પણ અલ્‍ટ્રોઝ કાર માટે રૂા. ૯,૩૦,૦૦૦ની લોન, નવલનગર-૯/૧૨ના નિકીતાબેન મનિષ બધેકાને પણ આવી જ કાર માટે ૯,૦૦,૦૦૦ની લોન, ભોમેશ્વર પ્‍લોટ-૭ના દિવાન રાજેશભાઇ વેકરીયાને પણ અલ્‍ટ્રોઝ સીએનજી કાર માટે રૂા. ૯,૦૦,૦૦૦ની લોન, રણુજા મંદિર પાછળ રહેતાં સમીર સુરેશભાઇ અઢીયાને પણ ટાટા સીએનજી અલ્‍ટ્રોઝ કાર માટે ૯,૪૫,૦૦૦૦ની લોન, અંબીકા ટાઉનશીપ કસ્‍તુરી કેસલ-૧ના વિરેન મુકુંદરાય પાઉને પણ અલ્‍ટ્રોઝ કાર માટે ૯,૫૦,૦૦૦ની અને જામનગર રોડ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ સામેના સોનુબેન મહેશભાઇ ભોજાણીને પણ અલ્‍ટ્રોઝ સીએનજી કાર માટે રૂા. ૮,૫૦,૦૦૦ની લોન અપાઇ હતી.

ઉપરોકત તમામ ૧૦ લોન મંગળા રોડની વિજય કોમર્શિયલ કો-ઓપ. બેંકના મેનેજર દેવીકોબન વસાએ મંજુર કરાવી હતી. આ બાબતે ખરઇ કરતાં આ દસેય લોન ધારકોના કોટેશન એક જ પેઢી મહાકાલ એન્‍ટરપ્રાઇઝના નામે રૂા. ૯૩,૧૫,૦૦૦ના હતાં. આ રકમ બેંક દ્વારા મહાકાલ એન્‍ટરપ્રાઇઝ મોરબીને આરટીજીએસથી ચુકવાઇ હતી, તેવું લોનની ફાઇલો પરથી જણાઇ આવ્‍યું હતું.

દુર્ગેશભાઇ આચાર્યએ વધુમાં જણાવ્‍યું હતું કે વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે ૧૦ પૈકી ૩ કાર લોનધારકોના રૂા. ૨૮,૭૦,૦૦૦ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાની રેસકોર્ષ બ્રાંચના મહાકાલ એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટ મીત મહેશભાઇ પરમાર (રહે. શેઠનગર-૧૧ જામનગર રોડ)ના ખાતામાં જમા થયા હતાં. જ્‍યારે બાકીના ૭ લોકોના લોનના રૂપિયા ૬૪,૪૫,૦૦૦ યસ બેંક મોરબી બ્રાંચના ખાતામાં (મે. જૈન સાયન્‍ટીફીક ઉદ્યોગના પ્રોપરાઇટર દિપક ચંદુલાલ દોશી-રહે. પ-લાતી પ્‍લોટ, મોરબી)ના ખાતામાં જમા થયાનું જણાઇ આવ્‍યું હતું.  મંગળા રોડ શાખાના બ્રાંચ મેનેજર દેવીકાબેન વસાએ આ તમામ ૧૦ લોન ધારકોને કોટેશન મુજબની કાર લોન મંજુર કરી આપી હતી, જે તમામ કાર ટાટા અલ્‍ટ્રોઝ સીએનજી હતી. લોન આપતી વખતે તેને લગતા જરૂર રેકર્ડ ચકાસણી કરવાની જવાબદારી દેવીકાબેનની હતી.

દેવીકાબેને મેનેજરના પાવર ડેલીગેશનને આધારે આ લોનો પાસ કરી હતી. ત્‍યારબાદ અમારી બેં મારફત જે તે કોટેશનને આધારે લોન મંજુર કરી હતી. લોન ધારકોએ કાર લોનની આર.સી. બૂક અને ઇન્‍સ્‍યુરન્‍સની પોલીસીની કોપી આપવાની હોય છે. આર.સી. બૂકની કોપી જોતાં અને તેમાં જણાવેલા આરટીઓ નંબર ઓનલાઇન આરટીઓની સાઇટ પર ચેક કરતાં કાર રજીસ્‍ટ્રેશન નંબર અને કાર માલિકના નામ અલગ અલગ જોવા મળ્‍યા હતાં! આથી એ સ્‍પષ્‍ટ થયું હતું કે કાર લોનના ડોક્‍યુમેન્‍ટ સાથે કારની જે આર.સી. બૂકો રજુ થઇ હતી તે ખોટી હતી. તેમજ ઇન્‍સ્‍યુરન્‍સ માટે એસબીઆઇ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના કાગળો રજૂ થયા હોઇ તેની ખરાઇ કરાવતાં  ૧૦માંથી ૯ પોલીસી આ કંપનીમાંથી ઇશ્‍યુ નહિ થયાનું અને માત્ર ૧ જ પોલીસી ઇશ્‍યુ થયાનું અને તેમાં પણ પોલીસી ધારકનું નામ અલગ હોવાનું જણાવાયું હતું. આ માહિતી એસબીઆઇ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની તરફથી અમને અપાઇ હતી. આમ ઇન્‍સ્‍યુરન્‍સ પોલીસી પણ ખોટી રજુ કરાઇ હોવાનું ખુલ્‍યું હતું.

૧૦ કાર લોન મંજુર થઇ તેની ખરાઇ કરાવતાં તેમાંથી પણ ઘણી કારની લોનના હપ્‍તા સમયસર ભરવામાં આવ્‍યા નહોતાં. કાર ખરીદીના કોટેશન ચેક કરતાં તેમાં પેમેન્‍ટ માટેની કોઇપણ બેંકની માહિતી દર્શાવાઇ નહોતી. કોટેશન ચેક કરવાની જવાબદારી પણ મેનેજર દેવીકાબેનની હોય છે. દેવીકાબેને ઓનલાઇન પેમેન્‍ટ/આરટીજીએસ ભળતા નામમાં કોઇપણ કાર લોન ખાતેદારની લેખતી પરવાનગી વગર શાખા મેનેજર દેવીકાબેન વસાએ આરોપીઓ સાથે મળી કાવત્રુ રચી ત્રણ લોનની રકમ આરટીજીએસથી મહાકાલ એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટ મીત મહેશભાઇ પરમારના ખાતામાં રૂા. ૨૮,૭૦,૦૦૦ તથા ૭ લોનની રકમ આરટીજીએસથી મોરબીની જેૈન સાયન્‍ટીફીક ઉદ્યોગ નામની ભાગીદારી પેઢીમાં રૂા. ૬૪,૪૫,૦૦૦ની ટ્રાન્‍સફર કરી દઇ કુલ રૂા. ૯૩,૧૫,૦૦૦ની ભરપાઇ ન થઇ શકે તેવી રકમ બે પેઢીના ખાતામાં જમા કરાવી બેંકને આર્થિક નુકસાન પહોંચાડયું છે.

આ રીતે કાર બ્રોકર શ્રુજય અને લક્ષ્યાંકે તેમજ જૈન સાયન્‍ટીફીક ઉદ્યોગના નામની ભાગીદારી પેઢીના જવાબદાર અને મહાકાલ પેઢીના મીત પરમાર તથા અમારી બેંકના શાખા મેનેજર દેવીકાબેન વસાએ મળી કાવત્રુ રચી પોતાના ઓળખીતા, સગાવ્‍હાલાઓના નામે તેમજ અન્‍ય લોકોના નામે ખોટા ડોક્‍યુમેન્‍ટ જેમ કે કારની આર.સી. બૂક, વિમા પોલીસી, કારના કોટેશનો, બીલો વગેરે બનાવી બેંકમાં રજુ કરી રૂા. ૯૩,૧૫,૦૦૦ની રકમ ઉપાડી લઇ બેંકને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપીંડી કરી હતી. પીઆઇ આર. જી. બારોટ અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:37 PM IST)