તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
કાસ્ટીંગના વેપારીને ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા ૫.૩૫ લાખના ફ્રોડમાં પાંચ અમદાવાદી પકડાયા
બેંક ખાતા ભાડે આપનાર, અપાવનાર, નાણા વિડ્રો કરનાર અને હેરફેર કરનાર સામેલઃ સુત્રધારની શોધખોળઃ પીઆઇ આર. જી. પઢીયાર અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: શહેરના સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પ્રદ્યુમન પાર્ક-૪માં રહેતાં પ્રવિણભાઇ ધીરજભાઇ ઉંધાડ (ઉ.વ.૪૭) નામના વેપારીને ઇડીના મુંબઇના અધિકારીના નામે ફોન કરી તમારા સીમ કાર્ડનો ફ્રોડમાં ઉપયોગ થયો છે તેમ કહી ડિજીટલ એરેસ્ટ કરી તેના ખાતામાંથી રૂા. ૫.૩૫ લાખ ઉસેડી લેવાયાની ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના પાંચ શખ્સોને દબોચી લીધા છે. ફ્રોડના નાણા જે ખાતામાં જમા થયા હતાં તે ખાતાધારક અને તેને આ કામ માટે કમિશન આપનાર સહિતના શખ્સો સામેલ છે. જો કે ફ્રોડની રકમ આંગડીયા મારફત જેને મોકલી દેવામાં આવી તે સુત્રધાર હજુ પક્કડથી દુર છે.
જીઆઇડીસીમાં કાસ્ટીંગની ભઠ્ઠી ધરાવતાં પ્રવિણભાઇ ઉંધાડને ઇડીના નામે ફોન કરી ડરાવી ધમકાવી ડિજીટલ એરેસ્ટ વોરન્ટ મોકલી તમારી પાસેની રકમની ખરાઇ કરવાની છે કહી નાણા મંગાવી લેવાયા હતાં. આ ફ્રોડના બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદ હાટકેશ્વર મહાદેવભાઇ રબારીની ચાલી ભાઇપુરામાં રહેતાં અજય રમેશભાઇ કોસ્ટી (ઉ.વ.૨૯), હાટકેશ્વર આસોપાલવનગરના પ્રકાશ અર્જુનભાઇ કોસ્ટી (ઉ.વ.૩૦), વટવા ઓમ શાંતિ ગોલ્ડ એપાર્ટમેન્ટ જી બ્લોક-૨૧૨માં રહેતાં વિષ્ણુ બનવારીલાલ નાઇ (ઉ.વ.૩૧), આણંદનગર એપાર્ટમેન્ટ ચાંદલોડીયાના અંકિત મણાભાઇ ચમાર (ઉ.વ.૩૦) અને થલતેજ નર્મદા આવાસમાં રહેતાં કુલદીપ અજમેરસિંગ રૂહલ (ઉ.વ.૨૬)ને પકડી લીધા છે.
પ્રવિણભાઇને છેતરીને તેની પાસેથી મેળવાયેલી રકમ ૫.૩૫ લાખ અજયના ખાતામાં જમા થઇ હતી. તપાસ દરમિયાન અજયને પકડી લેવાયા બાદ તેના સગામાં થતાંપ્રકાશનું નામ ખુલ્યું હતું. પ્રકાશે અજયને તેના એકાઉન્ટનો ઉપયોગ કરવા દેશે તો કમિશન મળશે તેવી લાલચ આપી હતી. પ્રકાશને પકડી લેવાયા બાદ તેની પુછતાછમાં બીજા ત્રણ શખ્સો વિષ્ણુ, અંકિત અને કુલદીપના નામ ખુલ્યા હતાં. પ્રકાશ અને અંકિત ફ્રોડની રકમ જમા કરાવવા બેંક એકાઉન્ટ ભાડે અપાવવાનું કામ કરતાં હતાં. પ્રવિણભાઇની રકમ અજયના એકાઉન્ટમાં જમા થઇ તેમાંથી ૪.૩૫ લાખ ચેકથી અને ૧ લાખ એટીએમથી વિષ્ણુએ ઉપાડી લીધા હતાં. બાદમાં અંકિત અને કુલદિપની મદદથી આંગડીયા મારફત સુત્રધારને રકમ મોકલી દીધી હતી. આ પાંચેય રોટલીયા છે. સુત્રધાર કોણ? તેની તપાસ થઇ રહી છે.
અજયના એકાઉન્ટમાં ગુજરાત, તમિલનાડુ અને તેલંગણામાં થયેલા ફ્રોડની રકમ જમા થઇ હતી. ઝડપાયેલા પાંચેયની વિશેષ પુછતાછ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. જી. પઢીયાર, પીએસઆઇ જી. કે. રાઠોડ, પી. જી. આલ, હેડકોન્સ. દેવેન્દ્રભાઇ, કોન્સ. સુધીરભાઇ, દિલીપભાઇ, પુષ્પાબેન, હરપાલસિંહ, જયપાલસિંહ, હરેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:58 PM IST)










