તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
છોટુનગર ઝૂપડપટ્ટીના બે વર્ષના બાળક વિશાલનું પિતાની નજર સામે સ્કૂલ બસની ઠોકરે ચડતાં મોત
હનુમાન મઢીથી એરપોર્ટ રોડ પર આવેલા કેકે પાન પાસે બનાવથી અરેરાટી :વિક્રમ વાજેલીયા દિકરા વિશાલને લઇ પાન ખાવા ગયો ત્યારે દિકરો બાઇક પાસે ઉભો હતોઃ એરપોર્ટ ફાટક તરફથી આવેલી બસ કાળ બની

રાજકોટ તા. ૬: રૈયા રોડ હનુમાન મઢીથી એરપોર્ટ રોડના રસ્તા પર સાંજે છોટુનગર સામેની ઝૂપડપટ્ટીમાં રહેતો યુવાન પાનની દુકાને પાન-ફાકી લેતો હતો ત્યારે તેનો બે વર્ષનો પુત્ર બાઇક પાસે ઉભો હોઇ તે વખતે સ્કૂલ બસના ચાલકે ઠોકરે ચડાવતાં આ બાળકનું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ હનુમાન મઢીથી જુના એરપોર્ટ રોડ પર કેકે પાન નામની દૂકાન પાસે આ બનાવ બન્યો હતો. છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતો અને છુટક મજૂરી કરતો વિક્રમ સોમાભાઇ વાજેલીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન સાંજે પાંચેક વાગ્યે ઘરેથી તેના દિકરા વિશાલ (ઉ.વ.૨)ને પોતાના બાઇકમાં બેસાડીને કેકે પાન ખાતે પાન-ફાકી લેવા ગયો હતો. વિક્રમ પાનની દુકાને હતો ત્યારે તેનો દિકરો વિશાલ બાઇક નજીક ઉભો હતો. આ વખતે અચાનક પીળા રંગની સ્કૂલ બસ એરપોર્ટ ફાટક તરફથી આવી હતી અને બે વર્ષના વિશાલને ઠોકરે ચડાવી દીધો હતો.
વિશાલ બસના પાળના વહીલમાં આવી જતાં પડી ગયો હતો. છાતી, પડખા, પગમાં ગંભીર ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોનસ. એમ. જી. જાડેજાએ મૃતક બાળકના પિતા વિક્રમ વાજેલીયાની ફરિયાદ પરથી બસ નં. જીજે૦૩જેબીવાય-૪૦૫૨ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. વિક્રમ કડીયા કામ કરે છે. મૃતક વિશાલ બે ભાઇમાં મોટો હતો. તેનો નાનો ભાઇ દસ મહિનાનો છે. માતાનું નામ કનુબેન છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા બસ ચાલકની શોધખોળ શરૂ કરી હતી. બસ આગળ જઇને ઉભી રાખી દેવાઇ હતી. (૧૪.૭)
(3:08 PM IST)










