તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
રિક્ષાગેંગ ફરી મેદાનેઃ ખજુરડીથી લગ્નપ્રસંગે રાજકોટ આવેલા મહિલાનું ૧ લાખની મત્તાનું પર્સ ચોરાઇ ગયું
રેલનગરથી એસટી બસ પોર્ટ જવા રિક્ષામાં બેઠા હતાં: ટિકીટ લેવા પર્સ કાઢયું ત્યારે ચોરીની ખબર પડીઃ સાથે બેઠેલી બે મહિલા કળા કરી ગઇઃ એ-ડિવીઝન પોલીસની તપાસ

રાજકોટ તા. ૬: પડધરીના ખજુરડી ગામેથી લગ્ન પ્રસંગમાં ટીકકર ગામે જવા માટે પ્રૌઢા જામનગર રોડ રેલનગર પાસે ઉતરી રીક્ષામાં બેસી એસ.ટી. બસ સ્ટેશને જતા હતા ત્યારે રીક્ષામાં બેઠેલી બે મહિલાએ નજર ચૂકવી થેલામાંથી રૂા. ૧.૦પ લાખના રોકડ દાગીના સાથેનું પર્સ સેરવી લેતા એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પડધરીના ખજુરડી ગામમાં રહેતા રસીકબા ગુલાબસિંહ જાડેજા (ઉ.વ. પ૭) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રસીકબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૧ના રોજ લગ્ન પ્રસંગમાં સુરેન્દ્રનગરના ટીકકર ગામે જવાનું હોવાથી હું ઇકો ગાડીમાં બેસી રાજકોટ જામનગર રોડ પર રેલનગર જવાના ચાર રસ્તે ઉતર્યા બાદ ત્યાંથી એસ.ટી. બસ સ્ટેશને જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં બે મહિલા પેસેન્જર બેઠા હતા. આ બંને મહિલા થોડે આગળ ઉતરી ગયા હતા. ત્યારબાદ મેં મારા પર્સમાંથી ભાડાના પૈસા કાઢી રોકડા રૂા. ૩૦૦૦ અને સોનાના ચેઇન સાથેનું પર્સ થેલામાં મુકી ચેઇન બંધ કરી દીધી હતી બાદ જયુબેલી ચોક પાસેથી રીક્ષામાં બે અજાણી મહિલા એક નાના બાળક સાથે બેઠી હતી. બાદ હું એસ.ટી. બસ સ્ટેશને ઉતરી રીક્ષાનું ભાડું આપી થેલો લઇને બસ સ્ટેશનમાં જઇ પુછપરછની બારીએ સુરેન્દ્રનગર જતી બસની પુછપરછ કરી સુરેન્દ્રનગર જતી બસના પ્લેટફોર્મ પર બેસી થેલામાંથી મોબાઇલ ફોન કાઢવા માટે થેલો ખોલી જોતા તેમાં મોબાઇલ હતો. પરંતુ પર્સ જોવા ન મળતા રૂા. ૧.૦પ લાખની રોકડ અને દાગીના સાથેનું પર્સ રીક્ષામાં બેઠેલી બે મહિલાએ નજર ચૂકવી ચોરી કરી લીધું હોવાનું જણાતા એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પી.એસ.આઇ. એસ. એમ. રાણાએ તપાસ હાથ ધરી છે.
(3:07 PM IST)










