<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કેલેન્‍ડરનું રપ દિ' બાદ અનાવરણ અને ૧ મહિના બાદ વિતરણ... મનપા શું કરી રહયું છે !!

તા. ૧ ફેબ્રુઆરીથી વોર્ડ ઓફિસ ખાતેથી મિલકત ધારકોને નિઃશુલ્‍ક અપાશેઃ વેરા પહોંચ રજુ કરવી જરૂરી

રાજકોટ, તા. ૩૦: રાજ્‍ય સરકાર દ્વારા દર વર્ષે પ્રસિધ્‍ધ થતા વોલ કેલેન્‍ડરની માફક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રથમ વખત વોલ કેલેન્‍ડર તૈયાર કરવામાં આવેલ છે. આ કેલેન્‍ડરમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્‍ટ્‍સ, કાર્યક્રમો વગેરે માહિતીસભર વિગતો દર્શાવવામાં આવેલ છે. તેમ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે. 

આ કેલેન્‍ડર રાજકોટ મહાનગર પાલિકાની વોર્ડ નં.૧ થી ૧૮ની મુખ્‍ય વોર્ડ ઓફીસ ખાતેથી તબક્કાવાર ઉપલબ્‍ધ જથ્‍થા મુજબ વોર્ડના મિલકતધારકોને વિનામૂલ્‍યે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવનાર છે. આ કેલેન્‍ડર ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫નો સંપૂર્ણ મિલકતવેરો ભરપાઈ કરેલ હશે તે મિલકતધારકને વિનામૂલ્‍યે લગત વોર્ડની વોર્ડ ઓફીસ ખાતેથી તા.૦૧ ફેબ્રુઆરીથી વિતરણ કરવામાં આવનાર છે.

મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા મ્‍યુનિસિપલ કમિશનરે શહેરીજનોને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫નો સંપૂર્ણ બાકી મિલકતવેરો ભરપાઈ કરવા અથવા સંપૂર્ણ મિલકતવેરો ભરપાઈ કરેલ હોય, તો મિલકતવેરાની પહોંચ રજુ કર્યે, લગત વોર્ડની વોર્ડ ઓફીસ ખાતેથી તા.૦૧ ફેબ્રુઆરીથી કચેરી કામકાજના સમય દરમ્‍યાન વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવનાર વોલ કેલેન્‍ડર મેળવવા ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.

(4:27 PM IST)