<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પ્રજાના કામો થતા નથીઃ ભાજપ સંકલનમાં અંદરો- અંદર તડાપીટ

સ્‍ટેન્‍ડીંગ સભ્‍ય નેહલ શુકલએ સફાઇ અંગે સવાલો ઉઠાવતા સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરે ઉઘળો જવાબ આપતા બંન્ને વચ્‍ચે જામી પડીઃ કાંઠલા-લાફા સુધી વાત પહોંચીઃ પ્રમુખે મામલો થાળે પાડયોઃ સંકલનમાં હળવાશથી ચર્ચા થયાનો સ્‍ટે.ચેરમેનનો દાવો

રાજકોટઃ તા. ૩૦, આજે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠક પહેલા મળેલ ભાજપની સંકલન બેઠક મળતી હોય છે. આ બેઠકમાં દરખાસ્‍તો ઉપર ચર્ચા કરવામાં આવે છે અને તમામ કોર્પોરેટરો જોડાય છે. ત્‍યારે આજના સંકલનમાં ચર્ચાનો ઉલાળીયો કરવામાં આવતા નગરસેવકોએ ઉભરો ઠાલવ્‍યો હતો. એક ચોકકસ નિતી નકકી કરવા માટે પણ એકસુર ઉઠયો હતો.

 સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ નં. ૭ માં સફાઇ અંગે કોર્પોરેટર નેહલ શુકલને સંકલન બેઠકમાં યોગ્‍ય જવાબ ન મળતા તેઓ સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર પર ઉકળી ઉઠયા હતા. નેહલ શુકલએ સંકલનમાં ઉપસ્‍થિત શહેર પ્રમુખ મુકેશભાઇ દોશીને સંકલન બેઠક અંગે શરૂઆતમાં નક્કી થયેલ નીતિની યાદ પણ અપાવી હતી.

નેહલ શુકલએ કામ ન થતા હોવાની ફરિયાદ સાથે નવી સફાઇ સીસ્‍ટમનું શું થયું? તે અંગે સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરે સંતોષકારક જવાબ ન આપતા અને સ્‍ટેન્‍ડીંગમાં જવા ઉતાવળ કરતા વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર ઘુંવાફુવા થઇ લાફા કાંડ અને કાઠલા કાંડ તાજા કરી તે રીતે વિકાસ કામો કરાવવાની વાત કરી હતી. જો કે આ સમયે સ્‍ટે. ચેરમેન ઠાકરને ગેરસમજ ઉભી થતા વાત વણસી પણ હતી. જોકે શહેર પ્રમુખ દોશીએ વચ્‍ચે પડી ગેરસમજ દુર કરી ઉગ્રતાને શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત નેહલ શુકલએ મુકેશ દોશીને જણાવેલ કે તમરી ટર્મ શરૂ થઇ ત્‍યારે સ્‍ટેન્‍ડીંગમાં ૧૨-૧૫ દરખાસ્‍તો રજુ કરવાની વાત થઇ હતી. જયારે આજની તારીખમાં ૪૦ થી ૫૦ દરખાસ્‍તો મુકવામાં આવે છે. અગાઉ દરખાસ્‍ત ના અભ્‍યાસ માટે બે દિવસનો સમય મળતો, જે હાલ ૧૨ થી ૧૫ કલાક પુરતો મર્યાદીત થયો છે.

આમ નેહલ  શુકલની તડાપીટ બાદ અન્‍ય સીનીયર કોર્પોરેટરોએ પણ પોતાની હૈયા વરાળ સંકલન બેઠકમાં ઠાલવી દીધાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.

સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં સભ્‍યોએ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્‍યક્‍ત કરવાની સાથો સાથ બેઠકમાં ઉપસ્‍થિત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીને અનેક પ્રશ્ર્‌નોની રજૂઆત કરી હતી. સાથો સાથ કોર્પોરેશનના વર્ગ-૨ના કર્મચારીઓ કે, જેનો પગાર પાંચ આકડામાં હોવા છતાં આ પ્રકારના કર્મચારીઓના પરિવારોને આર્થિક તબીબી સહાય શા માટે આપવાની થાય છે. તેમ જણાવી તમામ કર્મચારીઓનો મેડીકલ ક્‍લેમ કેમ કાઢવામાં આવતો નથી.

આ પ્રશ્‍ન અંગે જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, વર્ગ-૨ના કર્મચારીઓના તેમના પરિવારોને મળતી આર્થિક તબીબી સહાય અંગે ફેરવિચારણા કરવાની જરૂરિતાય ઉભી થઈ છે. જેના માટે મેયર સ્‍ટેન્‍ડીંગ ચેરમેન, ડે. કમિશનર, આરોગ્‍ય અધિકારી અને રાજકોટના ડોક્‍ટરો સહિતનાની એક કમિટિ બનાવવામાં આવશે. આ કમિટિમાં વર્ગ-૨ના કર્મચારીઓને મળતી તબીબી આર્થિક સહાયની રકમ અંગે અભ્‍યાસ કર્યા બાદ મેડીકલ ક્‍લેમ લેવો કે, વર્ગ-૨ના કર્મચારીઓને આર્થિક તબીબી સહાય આપવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આથી આજની સ્‍ટેન્‍ડીગમાં રજૂ થયેલ તબીબી સહાય તમામ ૧૧ દરખાસ્‍ત પેન્‍ડીંગ રાખવામાં આવી છે.

મનપાના તમામ કર્મચારીઓને મળતી આર્થિક તબીબી સહાય માટે કર્મચારીઓ પાસેથી સોગંદનામું લેવામાં આવે છે. જેમાં કર્મચારી દ્વારા કોઈ જાતનો પ્રાઈવેટ મેડીકલ, ક્‍લેમ લીધેલ નથી. તેવું એફિડેવીટ રજૂ કરીએ તેમને આર્થિક સહાય મળવા પાત્ર છે. છતાં આ મુદ્દે કયારેય તપાસ કરવામાં આવી નથી. જેના લીધે તમામ કર્મચારીઓને અને તેમના પરિવારોને આર્થિક તબીબી સહાય પેટે મહાનગરપાલિકા કરોડો રૂપિયા ચુંકવી રહી છે. જે હવે સંભવત બંધ કરી કમિટિ દ્વારા સુચવવામાં આવેલા નિયમો હેઠળ પોલીસી સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ  મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં કોર્પોરેટરોએ ફરિયાદો કરતા તેમણે મેયર ચેમ્‍બરમાં સ્‍ટેન્‍ડીંગ ચેરમેન, મેયર અને ઉચ્‍ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજવાનો નિર્ણય લીધો છે.

(3:24 PM IST)