News of Wednesday, 29th January 2025
સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં શું સુવિધા હોવી જરૂરી ? તજજ્ઞો સાથે બેઠકઃ સુચનો લીધા
મ્યુ. કમિશનરે નવો અભિગમ અપનાવી મળેલ સલાહ બન્ને પ્રોજેકટમાં સમાવેશ કરવા પ્રયાસાધિન શહેરના પારડી રોડ ખાતે અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ અનુસંધાને રમતો સાથે સંકળાયેલ લોકો સાથે બેઠક યોજતા તુષાર સુમેરા

રાજકોટ તા. ર૯ :.. મહાનગરપાલિકા દ્વારા હાથ પર લેવામાં આવતા જુદાજુદા પ્રોજેક્ટસ લોકભોગ્ય બને તેમજ લક્ષ્યાંકિત લાભાર્થીઓને વધુ ને વધુ ઉપયોગી થઇ શકે અને પ્રોજેક્ટનો હેતુ ખરા અર્થમાં પરિપૂર્ણ થાય તેવા ઉમદા આશય સાથે મ્યુનિ. કમિશનર શ્રી તુષાર સુમેરા દ્વારા આવકારદાયક એવી એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે. તેઓએ જે તે પ્રોજેક્ટના સ્ટેકહોલ્ડર્સ સાથે કન્સલ્ટેશન કરવાની ણાલી અપનાવી છે, જેમાં સ્ટેકહોલ્ડર્સને પ્રોજેક્ટની રૂપરેખા સમજાવ્યા બાદ તેઓના સલાહસૂચન મેળવવામાં આવે છે.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૭માં બનનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અનુસંધાને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નિષ્ણાતો, કોચ અને સ્પોર્ટ્સપર્સન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં સ્ટેકહોલ્ડર્સ સમક્ષ જે તે પ્રોજેક્ટની રૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પાસેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ અંગે સલાહસૂચનો મેળવવામાં આવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા સ્ટેકહોલ્ડર્સના વિચારો અને સૂચનો પૈકી અમલીકરણ માટે શકય હોય તે તમામને પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે. વોર્ડ નં ૧૭ માં પારડી રોડ ખાતે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવતા પૂર્વે તેમાં કઇ કઇ રમતોનો સમાવેશ કરવો અને આ કોમ્પ્લેક્સ સમગ્રરીતે કેવું હોવું જોઈએ તે અંગે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહી, પરંતુ આ મિટીંગ દરમિયાન ઉપસ્થિત એકસપર્ટ સાથે ચર્ચા કરી તેમની પાસે તેમના સુચનો મેળવી આ કોમ્પલેક્ષમાં જરૂરી સુધારા કરવા કન્સલટન્ટ એજન્સીને સુચના પણ આપવામાં આવેલ છે. આ મિટીંગમાં કમિશનરશ્રી નાયબ કમિશનર શ્રી ચેતન નંદાણી તથા શ્રી એચ. આર. પટેલ, સિટી ઇજનેરશ્રી અતુલ રાવલ, ઓ.એસ.ડી. શ્રી કૌશિક ઉનાવા, સી.ઓ.ઓ. શ્રી રાજદીપસિંહ જાડેજા, ડી.એસ,ડી,ઓ. શ્રી રમાબેન તથા એથ્લેટીકસ-કિશોરભાઇ હાપલીયા, બેડમિન્ટન-જયદીપસિંહ સરવૈયા, સ્કેટિંગ-હર્ષભાઇ પુજારા, ફુટબોલ- અમિતભાઇ શિયાળીયા, કરાટે-જયભાઇ ચૌહાણ, ખોખો, કબ્બડી જેવી વિવિધ રમતોના અસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહેલ.
રમત ગમત સાથે જોડાયેલા કિશોરભાઈ હાપલીયા તથા હર્ષભાઇ પુજારાએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા ખરેખર આ નવી પહેલ કરવામાં આવી છે, જે ખરા અર્થમાં ખુબ સારી પહેલ છે.
(4:12 PM IST)










