<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખાડો જીવલેણ બન્‍યોઃ દર્દીનું મોત : જુઓ વિડિયો

નવો ગેઇટ બનાવવાનું કામ ચાલુ હોઇ તેના પિલોર માટે ખોદાયેલા ખાડાને કારણે દૂર્ઘટનાઃ ખાડા ફરતે ચેતવણીનું બોર્ડ કે આડશ પણ નહોતી : તાલાલાના ૩૫ વર્ષના જગદીશભાઇ ચાવડાને પેટમાં સોજા ચડયા હોઇ ત્રણ દિવસથી સારવારમાં હતાં: સવારે સાડા છએક વાગ્‍યે પત્‍નિને હું હમણા નીચે જઇને આવું કહીને નીકળ્‍યા બાદ બનાવઃ અંધારાને કારણે અને આડશ નહિ હોવાને કારણે કદાચ : ખાડો દેખાયો નહિઃ ખાડાની પાછળના ભાગે કમ્‍પાઉન્‍ડ વોલના ખાંચામાંથી ચા-ફાકી મળતાં હોઇ તે લેવા જતી વખતે બનાવ બન્‍યાની શક્‍યતા

રાજકોટ તા. ૨૯: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના મુખ્‍ય પ્રવેશદ્વારનું રીનોવેશન ચાલી રહ્યું છે. એસબીઆઇ બેંક તરફના દ્વારને હાલ નવો બનાવવામાં આવી રહ્યો હોઇ આ ગેઇટને બંધ કરાયો છે અને હાલ કામ ચાલી રહ્યું છે. જો કે આ ગેઇટ પાસે પિલોર બનાવવા માટે ખોદાયેલા ઉંડા ખાડાને આડશ વગર કે ચેતવણી વગર ખુલ્લા મુકી દેવાયા હોઇ આ ખાડો એક દર્દી માટે જીવલેણ બન્‍યો છે. સવારે સાડા છએક વાગ્‍યે તાલાલાના દર્દી યુવાન વોર્ડમાંથી લટાર મારવા કે ચા-પાણી પીવા નીચે ઉતર્યા ત્‍યારે નવો ગેઇટ બની રહ્યો છે તે તરફ પિલોર માટે બનાવાયેલા ઉંડા ખાડામાં તે પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. ખાડાની પાછળના ભાગે કમ્‍પાઉન્‍ડ વોલના ખાચામાંથી ચા-પાન-ફાકી મળતાં હોઇ કદાચ ત્‍યાં જતી વખતે આ બનાવ બન્‍યો હતો. બાંધકામ કોન્‍ટ્રાક્‍ટરની બેદરકારીના આક્ષેપો થઇ રહ્યા છે.

જાણવા મળ્‍યા મુજબ તાલાલામાં બસ સ્‍ટેશન પાસે કર્મજ્‍યોત સોસાયટીમાં રહેતાં જગદીશભાઇ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાનને પેટમાં સોજા ચડી જવાની બિમારી હોઇ ત્રણ દિવસ પહેલા તે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં બતાવવા આવતાં ટ્રોમા કેર સેન્‍ટરમાં આવેલા વોર્ડ નં. ૧૧માં દાખલ કરાયા હતાં. જગદીશભાઇ સાથે તેમના પત્‍નિ રેખાબેન હોસ્‍પિટલમાં રોકાયા હતાં. જગદીશભાઇના ભાઇ સંજયભાઇ ચાવડા રાજકોટ રહેતાં હોઇ તે સવારે ઘરે ગયા હતાં.

દરમિયાન સવારે સાડા છએક વાગ્‍યે જગદીશભાઇ પોતાના બેડ પરથી નીચે લટાર મારીને આવે છે તેમ પત્‍નિને કહીને નીકળ્‍યા હતાં. ઘણો સમય વીતી ગયા છતાં પતિ પાછા ન આવતાં પત્‍નિએ પોતાના જેઠને જાણ કરી હતી અને પોતે શોધવા નીકળ્‍યા હતાં. એ દરમિયાન ખબર પડી હતી કે ટ્રોમા વોર્ડની નજીક જ ડાબી બાજુ મુખ્‍ય પ્રવેશદ્વારનું કામ ચાલુ હોઇ તે તરફ બનાવાયેલા ખાડામાં કોઇ વ્‍યક્‍તિ પડી જતાં ઇજા થતાં ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરાયેલ છે. આથી રેખાબેન, સંજયભાઇ સહિતના તપાસ કરવા જતાં આ વ્‍યક્‍તિ પોતાના સ્‍વજન જગદીશભાઇ હોવાની ખબર પડી હતી. જો કે માથામાં હેમરેજ થઇ જવાથી તેનું મૃત્‍યુ થયું હતું.

મૃતક દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને અકે પુત્રી છે. સગાએ કહ્યું હતું કે જે ખાડમાં જગદીશભાઇ પડી ગયા ત્‍યાં કોઇ આડશ નહોતી કે ચેતવણીનું બોર્ડ નહોતું. ખાડાની પાછળના ભાગે કમ્‍પાઉન્‍ડ વોલના ખાચામાંથી ચા-ફાકી-પાનનું વેંચાણ થતું હોઇ કદાચ એ તરફ જતી વખતે અંધારાને કારણે ખાડો ન દેખાતાં તે ગબડી પડયા હશે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.

(2:55 PM IST)