News of Friday, 24th January 2025
સીતારામ સોસાયટી અને કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે બે મકાનમાં રૂા.૧૪ હજારની ચોરી
પ્રભાબેનના મકાનમાંથી રૂા.૧૨ હજાર અને વિજયભાઇના મકાનમાંથી રૂા. ૨૫૦૦ની રોકડ ચોરી ગયા

રાજકોટ તા. ૨૪: એંસી ફૂટ રોડ પર સીતારામ સોસાયટીમાં અને કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે બે મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. ૧૪ હજારની રોકડ સહિતની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સીતારામ સોસાયટી મેઇન રોડ પર રહેતા પ્રભાબેન મનસુખભાઇ મુંગપરા (ઉ.વ. ૬૦) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે જેમાં પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયા બાદ પોતે એકલા રહે છે. પોતાને સંતાનમાં એક પુત્રી છે. લગ્નબાદ દીકરી અયોધ્યા સોસાયટીમાં રહે છે. ગીતા ૧૭/૧૨ ના રોજ પુત્રી તેનું મોટર સાયકલ લઇને પોતાના ઘરે આવેલ અને તેણે તેના દિકરાના ચોપડા લેવાના હોઇ જેથી પોતે તેની સાથે મવડી ગયા હતા. ત્યાં રસ્તામાં અકસ્માત થતા પોતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતે દીકરીના ઘરે જતા રહયા હતા. અને ત્યાં રોકયા હતા. તા. ૨૧/૧ ના રોજ પોતાની દીકરીના મોબાઇલમાં પોતાના ઘરની બાજુમાં રહેતા રીનાબેનનો ફોન આવતા તેણે કહેલ કે તમારા મમ્મીના ઘરનું તાળુ તુટેલુ છે તેમ વાત કરતા તેણે પોતાને વાત કરતા પોતે જમાઇ સાથે સીતારામ સોસાયટીમાં પોતાના ઘરે જતા ધરના દરવાજાનું તાળુ તુટેલુ હતું. અંદર જતા લોખંડના કબાટ ખુલ્લો અને સામાન વેરવીખેર જોવા મળ્યો હતો. બાદ પોતે તપાસ કરતા કબાટમાં રાખેલ પાકીટમાં રૂા. ૧૨૦૦૦ રોકડા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે ગઇકાલે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે બીજા બનાવમાં વાણીયાવાડી શેરી નં. ૫ માં વિશાખા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧ માં રહેતા વિજયભાઇ ભગવાનજીભાઇ પીઠડીયા (ઉ.વ.૫૦) એ ફરિયાદમાં જણાવ્યું છે કે કાંતાં સ્ત્રી વિકાસગૃહ સામે મીલપરામાં પોતાનું જૂનુ મકાન છે તેમાં પોતે સામાન રાખે છે આ મકાનમાં નીચે પોતાની રંગોલી ટેઇલર નામની દુકાન છે અને દુકાન પોતે નિયમીત જાય છે ગત તા. ૨૦ ના રોજ પોતે પોતાની દુકાને ગયા ત્યારે પોતે મકાનના દરવાજાનો નકુચો તુટેલો જોતા પોતે અંદર જતા ઉપરના રૂમના દરવાજાનો અને લોખંડના કબાટનો નકુચો તુટેલો જોવા મળ્યો હતો. અને સામાન વેરવિખેર જોવા મળતા પોતે તપાસ કરતા રૂા. ૧૦૦૦ ની કિંમતની પાંચ સાડી અને રૂા. ૧૫૦૦ રોકડા મળી રૂા. ૨૫૦૦ ની માલમતાની ચોરીથઇ હોવાની ખબર પડી હતી. આ અંગે પોતે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ.એમ.એન. વસાવા સહિતે તપાસ હાથધરી છે
(3:44 PM IST)










