News of Friday, 24th January 2025
સિક્કા વાળીનો થા'મા, પેઢી તારા બાપની છે? કહી મયંક ખજુરીયાએ પોસ્ટમેનને ઘુસ્તાવી નાક પર મુક્કો માર્યો
રૈયા રોડ અલ્કાપુરીમાં પોસ્ટમેન કિરણદાસ દુધરેજીયા ધર્મન ટૂર્સ ટ્રાવેલ્સનું સ્પીડપોસ્ટનું કવર દેવા ગયા ત્યારે પેઢીના સંચાલકને સ્લીપમાં સિક્કો મારી સહી કરી દેવાનું કહેતાં તે ઉશ્કેરાઇને તૂટી પડયો પોસ્ટમેન લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ થવું પડયું: ગાંધીગ્રામ પોલીસમાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૪: શહેરના રૈયા રોડ હનુમાન મઢી નજીક અલ્કાપુરીમાં રહેતાં ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકને તેના નામનું સ્પીડ પોસ્ટ આવ્યું હોઇ તે પહોંચાડવા પોસ્ટમેન તેના ઘરે ગયા ત્યારે કવર ડિલીવર કર્યા પછી પેઢીના નામનો સિક્કો મારી ડિલેવરી સ્લીપમાં સહી કરી આપવાનું કહેતાં આ શખ્સે-સિક્કાવાળીનો થામા, પેઢી તારા બાપની છે? કહી ગાળો દઇ મારકુટ કરી નાક પર ધૂંબો મારી પોસ્ટમેનને લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટની દિવાલ નજીક ગાંધીગ્રામ શાહનગર-૪/૫ના ખુણે રહેતાં અને રૈયા રોડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં કિરણદાસ જાનકીદાસ દુધરેજીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી હનુમાન મઢી નજીક અલકેશ્વર મહાદેવના મંદિર પાસે અલ્કાપુરીના ખુણે રહેતાં ધર્મન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રો. મયંક ખજુરીયા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, મારામરી, ગાળો દેવાનો ગુનો નોંધ્યો છે.
કિરણદાસ દુધરેજીયાએ જણાવ્યું હતું કે હું ચારેક મહિનાથી પોસ્ટમેન તરીકે નોકરી કરુ છું. ગુરૂવારે સવારે પોણા અગીયારેક વાગ્યે હું સ્પીડ પોસ્ટનું એક કવર કે જે ધર્મન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રો. મયંક ખજુરીયાના નામનું હતું તે ડિલીવર કરવા ડિલીવર કરવા અલ્કાપુરીના ખુણે અલકેશ્વર મહાદેવ મંદિર નજીક માતૃકૃપા મકાન ખાતે પહોંચ્યો હતો. અહિ હાજર શખ્સે પોતે મયંક ખજુરીયા છે અને ટુર્સ ટ્રાવેલ્સ પણ પોતાનું જ છે તેમ કહેતાં મેં તેને કવર આપ્યું હતું અને રીસીવ કોપી-ડિલીવરી સ્લીપમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સિક્કો મારી સહી કરી આપવા કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે-હવે સિક્કાવાળીનો થામા, તારા બાપની પેઢી છે? કહી મને ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી ઢીકાપાટુ મારવા માંડયો હતો.
પોસ્ટમેને આગળ જણાવ્યું હતું કે બાદમાં મયંકે મારા નાક ઉપર પણ એક મુક્કો મારી દીધો હતો જેથી મને લોહી નીકળવા માંડયા હતાં. ઝપાઝપીમાં મારા ચશ્મા પણ તૂટી ગયા હતાં. બાદમાં મયંક ખજુરીયા ઘરમાં જતો રહ્યો હતો. મેં ફોન કરી ૧૦૮ બોલાવી હતી અને હોસ્પિટલે દાખલ થયો હતો. મયંક ખજુરીયાના નામનું કવર દેવા હું તેના ઘરે ગયો ત્યારે સહી સિક્કાનું કહેતાં તેને ન ગમતાં માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમ વધુમાં કિરણદાસે જણાવતાં હેડકોન્સ. મિહીરસિંહ બારડે ગુનો નોંધતા પીએસઆઇ પી. જી. રોહડીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:11 PM IST)










