<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

દિકરીએ કહ્યું આ મારો પ્રેમી છે...ને પિતાએ કાળઝાળ થઇ મંદિરમાંથી છરી લાવી ભોંકી દઇ પુરો કરી નાંખ્‍યો.

ઉપલેટાના ઇસરાથી રાજકોટ રેલનગરમાં પરણેલી પ્રેમિકાને મળવા આવેલા બે સંતાનના પિતા આસીફની પ્રેમિકાની નજર સામે જ હત્‍યા : પીજીવીસીએલના નિવૃત કર્મચારી ૬૫ વર્ષના રાજેન્‍દ્રભાઇ રાઠોડે દિકરીના પ્રેમીને છરી ઝીંકી પછી પોતાની જ કારમાં દવાખાને પહોંચાડવા પ્રયાસ કર્યોઃ ત્‍યાં ૧૦૮ આવી ગઇઃ પણ લોહી ખુબ વહી ગયું હોઇ આસીફનો જીવ ન બચ્‍યો હત્‍યાના આરોપી વૃધ્‍ધ પીજીવીસીએલના નિવૃત લાઇન ઇન્‍સ્‍પેક્‍ટર છેઃ પત્‍નિના અવસાન બાદ દિકરી-જમાઇને પોતાની સાથે રહેવા બોલાવ્‍યા'તા પીઆઇ પી. આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બોરીસાગર અને ટીમે આરોપીની અટકાયત કરીઃ છરી કબ્‍જે લેવા તજવીજ પરણેલાઓની પ્રેમકહાનીનો પ્રેમીની હત્‍યા સાથે આવી ગયો લોહીયાળ-કરૂણ અંત

જ્‍યાં  હત્‍યા થઇ એ રેલનગરની દર્શનવિલા સોસાયટીમાં આવેલુ રાજેન્‍દ્રસિંહ રાઠોડનું ઘર, અંદર લોહીનુ ખાબોચીયુ, નિરીક્ષણ કરી રહેલા ડીસીપી જગદીશ બાંગરવા અને હત્‍યાનો ભોગ બનનાર આસીફ સોરાનો મૃતદેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૩: શહેરના રેલનગરમાં હત્‍યાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. ઉપલેટાના ઇસરા ગામે રહેતાં બે સંતાનના પિતા એવા મુસ્‍લિમ શખ્‍સને અગાઉ પોતાના જ ગામમાં રહેતી અને હાલ રાજકોટ પિતા-પતિ સાથે રહેતી બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ હોઇ તે ગઇકાલે ઇસરા ગામેથી રેલનગરમાં પ્રેમિકાને મળવા આવ્‍યો ત્‍યારે નીચેના હોલમાં પ્રેમિકા સાથે બેસી વાતો કરતો હતો તે વખતે જ પ્રેમિકાના પિતા ઉપરના માળેથી આવતાં તે જોઇ જતાં બોલાચાલી થતાં દિકરીની નજર સામે જ તેના પ્રેમીને સાથળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ એક જ ઘા જીવલેણ નીવડયો હતો. હત્‍યા કરનાર વૃધ્‍ધને પોલીસે સકંજામાં લીધો હતો. વૃધ્‍ધે એવુ રટણ કર્યુ હતું કે-મેં દિકરીને આ કોણ છે? તેમ પુછતાં તેણે મારો પ્રેમી છે અને મળવા આવ્‍યો છે તેમ કહેતાં મને ગુસ્‍સો આવ્‍યો હતો અને ઉપરના રૂમમાં માતાજીના મંદિરમાંથી છરી લાવી મારી દીધી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ રેલનગર દર્શિતવિલા સોસાયટીમાં રહેતી કિરણબેન જીતેન્‍દ્ર ચોૈહાણ નામની મહિલાએ ગત સાંજે એક શખ્‍સને સાથળમાં ગંભીર ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો. પોલીસની પુછતાછમાં તેણીએ આ શખ્‍સનું નામ આસીફ ઇકબાલભાઇ સોરા  (ઉ.વ.૩૪) હોવાનું અને તે ઉપલેટાના ઇસરા ગામનો વતની હોવાતું તેમજ તેને પોતાના જ પિતા રાજેન્‍દ્રભાઇ પોપટભાઇ રાઠોડે છરી મારી દીધાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી. એ દરમિયાન આસીફનું મોત નિપજ્‍યું હતું.

હત્‍યાના બનાવની જાણ થતાં પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ આઇ. એ. બેલીમ, એએસઆઇ ડી. વી. ખાંભલા, ચાંપરાજભાઇ, રીયાઝભાઇ, તોૈફિકભાઇ સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. હત્‍યાનો ભોગ બનનારના પરિવારને જાણ કરવામાં આવતાં તેઓ પણ રાજકોટ પહોંચી ગયા હતાં. પોલીસે મૃતકના પિતા ઇકબાલભાઇ હાજીભાઇ સોરા (ઉ.વ.૫૮-રહે. ઇસરા તા. ઉપલેટા)ની ફરિયાદ પરથી આસીફની પ્રેમિકા કિરણબેનના પિતા રાજેન્‍દ્રભાઇ પોપટભાઇ રાઠોડ (ઉ.વ.૬૫)ની સામે હત્‍યાનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી.

ઇકબાલભાઇ સોરાએ જણાવ્‍યું હતું કે હું ઉપલેટા મીલમાં મેતાજી તરીકે નોકરી કરુ છું. મારે સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. જેમાં આસીફ નાનો હતો. તેના લગ્ન સાત વર્ષ પહેલા રેશ્‍મા સાથે થયા હતાં. આસીફને બે સંતાન છે. આસીફ અગાઉ બેંકમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો અને હાલ હેવેલ્‍સ ગોલ્‍ડ લોન કંપનીમાં કામ કરતો હતો. હું મારી નોકરીના સ્‍થળે હતો ત્‍યારે દિકરા રીઝવાને ફોન કરી કહેલુ કે આસીફ રાજકોટ ખાતે કિરણબેન જીતેન્‍દ્રભાઇ ચોૈહાણના ઘરે ગયેલો ત્‍યારે કિરણબેનના પિતાજી રાજેન્‍દ્રભાઇ રાઠોડને ન ગમતાં છરી મારતાં ગંભીર ઇજા થઇ છે. આથી હું અને બીજા પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્‍પિટલે આવ્‍યા હતાં. અહિ મારા દિકરાનું મૃત્‍યુ થયાની ખબર પડી હતી.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. પોલીસે આરોપી રાજેન્‍દ્રભાઇ રાઠોડની ધરપકડ કરી છરી કબ્‍જે લેવા તજવીજ કરી હતી. તેણે જણાવ્‍યું હતું કે મારે એક દિકરો અને એક દિકરી છે. દિકરો સંજય માધાપર ચોકડીએ રહે છે. મારી દિકરીનું સાસરીયુ ઉપલેટાના ઇસરા ગામે છે. ૨૦૨૦માં મારા પત્‍નિ નયનાનું કોરોનામાં અવસાન થયું એ પછી મારી દિકરી કિરણ અને જમાઇ જીતેન્‍દ્ર ચોૈહાણને મેં રાજકોટ મારી ઘરે રહેવા બોલાવી લીધા હતાં. કિરણને સંતાનમાં દિકરો, દિકરી છે. જમાઇ જીતેન્‍દ્ર રિક્ષા હંકારે છે.

હું સાંજે ચારેક વાગ્‍યે મારા ઘરે ઉપરના રૂમમાં સુતો હતો. ઉંઘ ઉડી ત્‍યારે નીચે કોઇ વાતો કરતું હોય તેમ લાગતાં નીચે આવીને જોતાં મારી દિકરી અને એક શખ્‍સ વાતો કરતાં હતાં. મેં મારી દિકરીને આ કોણ છે? પુછતાં તેણીએ આ મારો પ્રેમી છે, મળવા આવ્‍યો છે તેમ કહેતાં મેં એ શખ્‍સને પુછતાં તેણે જવાબ દીધો નહોતો. મારી દિકરીએ હું આને ઓળખુ છું તેમ કહેતાં મને ગુસ્‍સો આવતાં હું ઉપરના રૂમમાં ગયો હતો અને માતાજીના મંદિરમાંથી છરી લાવી નીચે આવ્‍યો હતો. એ શખ્‍સને ધમકાવવા માટે હું આગળ વધતાં બોલાચાલી થઇ હતી તે વખતે તેના સાથળમાં છરીનો ઘા મારી દીધો હતો.

વૃધ્‍ધે આગળ કહ્યું હતું કે એ શખ્‍સને ખુબ લોહી નીકળવા માડતા હું ગભરાઇ ગયો હતો. એ દરમિયાન કોઇએ ૧૦૮ને ફોન કર્યો હતો. હું જ મારી અલ્‍ટો કારમાં તેને નાખીને દવાખાને લઇ જવા રવાના થયો હતો. ત્‍યાં સામે ૧૦૮ આવી હતી. જેમાં તેને અમે દવાખાને પહોંચાડયો હતો. એ પછી પોલીસે મને અટકાયતમાં લીધો હતો.

હત્‍યાની આ ઘટનામાં આસીફના બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું છે. એવી પણ વિગતો સામે આવી છે કે આસીફે પોતે રાજકોટ પ્રેમિકાના ઘરે જવાનો છે તેવી વાત કરતાં તેને મિત્રોએ ના પાડી હતી. પણ આમ છતાં તે આવ્‍યો હતો અને આ ઘટના બની ગઇ હતી.

વધુ માહિતી અનુસાર અગાઉ આસીફ અને કિરણ એક જ ગામમાં રહેતા હોઇ ઉપલેટાની કંપનીમાં સાથે નોકરી કરતાં હતાં. આ કારણે બંને વચ્‍ચે ઓળખાણ થયા બાદ પ્રેમ થઇ ગયો હતો. બે ત્રણ વર્ષથી બંને પ્રેમમાં હતાં. પરણેલાઓની આ પ્રેમકહાનીનો પ્રેમીની હત્‍યા સાથે કરૂણ અંત આવી ગયો હતો. (

(11:21 AM IST)