<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજકોટના રેલનગરમાં દિકરીના પ્રેમીને વૃદ્ધે છરી ઝીંકી રહેંસી નાખ્યો: ઉપલેટાના ઇસરા ગામના આસિફ સોરાની હત્યા: આરોપી વૃદ્ધ રાજેન્દ્ર રાઠોડની પ્ર. નગર પોલીસે અટકાયત કરી: પ્રેમી અને યુવતી બંને પરણેલા: બને અગાઉ સાથે નોકરી કરતા હતાં

રાજકોટ: શહેરમાં હત્યાની ઘટના બની છે. રેલનગર વિસ્તારમાં એક વૃદ્ધે પોતાની પરણેલી દીકરીના પરિણીત પ્રેમીને સાથળમાં છરીનો એક જ ઘા ઝીંકી પતાવી દેતા ચકચાર મચી ગઇ છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાના ઈસરા ગામેથી મુસ્લિમ શખ્સ રાજકોટ રહેતી પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો અને તેની સાથે તેના જ ઘરમાં વાતો કરી રહ્યો હતો ત્યારે ઉપરના માળેથી પ્રેમિકાના પિતા આવી જતા બંનેને સાથે જોઈ જતા ઝગડો કરી હીચકારો હુમલો કર્યો હતો. પ્રેમીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહીં તેને મૃત જાહેર કરાયો હતો. 

હત્યાની ઘટના જાહેર થતાં પ્ર. નગર પોલીસે આરોપી વૃદ્ધની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. વધુ વિગતો મુજબ ઉપલેટાના ઇસરા ગામના રહેવાસી આસિફ ઈકબાલભાઇ સોરા (ઉ.વ.૩૨) નામનો યુવાન આજે બપોર બાદ રાજકોટના રેલનગર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં કિરણ નામની પરિણીતાને મળવા આવ્યો હતો. કિરણ અને આસિફ બને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ત્યારે ઉપરના માળેથી કિરણના પિતા રાજેન્દ્રભાઈ પોપટભાઈ રાઠોડ કે જેની ઉંમર પાંસઠ વર્ષ છે તેઓ નીચે આવ્યા હતા ત્યારે બંનેને સાથે જોઈ તેને આસિફને તું અહીં શું કામ આવ્યો છે તેમ કહી ઝઘડો કર્યો હતો આ ઝઘડો ઉગ્ર બની જતા રાજેન્દ્રભાઈએ છરી કાઢી આસીફના પગમાં એક ઘા ઝીંકી દીધો હતો. કિરણે આસીફને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન આસીફને તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

 આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પીઆઇ વ. આર. વસાવા, પીએસઆઇ બોરીસાગર અને ડી સ્ટાફ ટીમ ઘટના સ્થળે તથા હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. હત્યાનો ભોગ બનનાર પરણેલો છે અને તેને બે પુત્ર છે.જ્યારે કિરણને પણ સંતાન છે. હત્યાનો ભોગ બનનાર આસિફ ચાર ભાઈ બહેનમાં નાનો હતો. તે અને કિરણ ઉપલેટા ગોલ્ડ લોન કંપનીમાં સાથે નોકરી કરતાં હોઇ બને વચ્ચે ઓળખાણ થઈ હતી. આજે તે રાજકોટ કિરણના ઘરે હતો ત્યારે તેણીના પિતાએ ઝગડો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવે ચકચાર જગાવી દીધી છે. મૃતકના પરિવારજનો રાજકોટ આવ્યે વધુ વિગત ખુલશે.

(9:33 PM IST)