<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ન્‍યુ સાગર સોસાયટીના પિતા-પુત્રએ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે ત્રણ પ્રકારના ઝેર મિક્‍સ કરીને ગટગટાવ્‍યા

૪૩ વર્ષના મયુરભાઇને વર્ષોથી માનસિક બિમારી હોઇ તેમજ મેલીછાંયાની શંકા હોઇ કંટાળીને તેણે અને ૭૧ વર્ષના પિતા રજનીકાંતભાઇ પાટડીયાએ પગલુ ભર્યુઃ સારવાર બાદ બંનેને રજા અપાઇ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર ન્‍યુ સાગર સોસાયટીમાં રહેતાં યુવાન અને તેના વૃધ્‍ધ પિતાએ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે ત્રણ જુદા જુદા પ્રકારની ઝેરી દવા મિકસ કરીને પી લઇ આઘપાતનો પ્રયાસ કરતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર બાદ બંનેની તબિયત સ્‍વસ્‍થ થઇ જતાં રજા અપાઇ હતી. માનસિક બિમારી અને મેલી છાંયાથી યુવાન કંટાળી ગયો હોઇ તેણે પિતા સાથે મળી આ પગલુ ભર્યાનું ખુલ્‍યું હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ ન્‍યુ સાગર સોસાયટી-૧માં રહેતાં મયુરભાઇ રજનીકાંત પાટડીયા (ઉ.વ.૪૩) નામના યુવાન અને તેના પિતા રજનીકાંતભાઇ બ્રીજલાલભાઇ પાટડીયા (ઉ.વ.૭૧)એ ઘર નજીક ન્‍યુ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે જઇ ઉંદર, માંકડ અને વાંદા મારવાની એમ ત્રણ અલગ અલગ દવા મિક્‍સ કરીને પી લેતાં બંને રોડ પર પડયા હોઇ પડોશી ત્‍યાંથી પસાર થતાં રજનીકાંતભાઇના ફોન નંબર તેમની પાસે હોઇ તેમને જાણ કરી હતી. તેઓ અલગ રહેતાં હોઇ તુરત જ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં સઘન સારવાર શરૂ થઇ હતી.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, હેડકોન્‍સ. અશ્વિનભાઇ રાઠોડ, કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે કરતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. પ્રશાંતસિંહે હોસ્‍પિટલે પહોંચી નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યુ હતું કે મયુરભાઇને વર્ષોથી માનસિક બિમારી છે અને હાલમાં તે મેલીછાંયામાં પણ આવી ગયાની તેને શંકા હતી તેમ સગાએ કહ્યું હતું. વર્ષોથી દવા ચાલુ હોવા છતાં ફરક પડતો ન હોઇ ગઇકાલે મયુરભાઇ અને તેના પિતાએ  સાથે જ મરી જવાનું નક્કી કર્યુ હતું અને અલગ અલગ ત્રણ પ્રકારની દવા ભેળી કરીને પી ગયા હતાં. જો કે સારવાર બાદ તબિયત સ્‍વસ્‍થ થતાં રજા અપાઇ હતી.

મયુરભાઇને બે બહેન છે. તેના માતા હયાત ન હોઇ પિતા-પુત્ર એકલા રહે છે. ભાઇઓ, બીજા સગાની મદદથી બંનેનું ગુજરાન ચાલે છે

(11:42 AM IST)