<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

અગિયાર વર્ષ સુધીᅠપ્રેમીએ પ્રેમ કર્યો પછી બીજે સગાઇ કરી લીધીઃ પ્રેમિકાએ ઝેર પીધું

શહેરની ૨૯ વર્ષિય યુવતિએ ઓમનગર નજીક પ્રેમીની ઓફિસે જઇ પગલુ ભરી લેતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: પ્રેમમાં દગાખોરીનો ભોગ બનતાં દુઃખી થઇ ગયેલી યુવતિએ પ્રેમીની ઓફિસ પાસે  જઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં રહેતી ૨૯ વર્ષની યુવતિએ સાંજે સાતેક વાગ્‍યે ઓમનગર નજીક આવેલી ઓફિસે જઇ ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફ દ્વારા માલવીયાનગર પોલીસને કરવામાં આવી   હતી. સવારે ભાનમાં આવેલી યુવતિએ જણાવ્‍યું હતું કે હું કોલેજમાં ભણતી હતી  ત્‍યારે એટલે કે આજથી અગિયાર વર્ષ પહેલા ફનફેર હતો તેમાં મારી મુલાકાત એક યુવાન સાથે થઇ હતી. તે કન્‍સ્‍ટ્રક્‍શનના કામ સાથે જોડાયેલો હતો. અમારી આ મુલાકાત આગળ જતાં પ્રેમમાં પરીણમી હતી. હું તેની સાથે લગ્ન કરવા ઇચ્‍છતી હતી અને તે પણ મારી સાથે લગ્ન કરશે તેવુ કહેતો હતો.

યુવતિએ આગળ કહ્યું હતું કે અમારી વચ્‍ચે અગિયાર વર્ષ સુધી પ્રેમ ચાલ્‍યો હતો. આ દરમિયાન પ્રેમી યુવાન એક યુવતિ સાથે મુલાકાત કરાવતો હતો. આ યુવતિ તેના સગાની દિકરી છે અને પોતાની બહેન છે તેમ કહેતો હતો. પણ હવે આજથી બે મહિના પહેલા તેણે આ યુવતિ સાથે જ સગાઇ કરી લીધી છે. તેણે બારોબાર સગાઇ કરી લીધાની જાણ પણ મને કરી નહોતી. પંદરેક દિવસ પહેલા મને ખબર પડતાં હું આઘાતમાં મુકાઇ ગઇ હતી. આ વચ્‍ચે ગત સાંજે પોતાનો મગજ ભમતો હતો એ દરમિયાન પ્રેમી તેની ઓફિસે હોવાની જાણ થતાં પોતે ઘઉમાં રાખવાની ટીકડીઓ લઇને ત્‍યાં પહોંચી હતી અને શા માટે દગાખોરી કરી તેવુ પુછ્‍યા બાદ પોતે દવા પી ગઇ હતી. પોલીસ યુવતિનું નિવેદન નોંધી વિશેષ તપાસ કરશે.

(11:26 AM IST)