<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ગુજરાત એસ.ટી. દ્વારા રાજકોટ સહિત રાજયના મુખ્‍ય શહેરોમાંથી પ્રયાગરાજ-કુંભમેળા માટે તાદિકે બસ સેવા શરૂ કરોઃ રાજાણી

વિમાનના ભાડા આસ્‍માને છે... ટ્રેનની અને ખાનગી બસની ટિકીટો મળતી નથી... : સ્‍લીપર કોચ દોડાવોઃ એન.ડી.ને પત્ર પાઠવતા કોંગ્રેસ પ્રમુખઃ ટોલ ટેકસમાં પણ રાહત આપો

રાજકોટ, તા. ર૧: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ પ્રયાગરાજ માં મહાકુંભ મેળા નું આયોજન તારીખ - ૧૪/૦૧/૨૫ થી તારીખ ૨૬/૦૨/૨૫ સુધી કરાયુ છે. સનાતન ધર્મના લોકો માટે અતિ મહત્‍વનો પર્વ કુંભ મેળો ગણાય છે. ત્‍યારે અત્‍યાર સુધીમાં આ કુંભ મેળામાં લાખો લોકો એ તાાન કર્યું છે. હજુ ગુજરાતના શહેરમાં ઘણા લોકો વસંત પંચમી અને મહાશિવરાત્રી જેવા તહેવારો હજુ બાકી છે. રાજ્‍યભરમાંથી લાખો લોકો કુંભ મેળામાં જવા ઉત્‍સુક છે.  સમગ્ર ગુજરાતમાથી પણ ધર્મ પ્રેમી જનતાનો પ્રયાગરાજ માં  આવવા જવા માટે ઘસારો છે.

મહાકુંભને લઈને અમદાવાદથી પ્રયાગરાજ નું હવાઈ ભાડું ૫૦૦૦૦ પહોંચ્‍યું છે અને અમદાવાદથી ઓપરેટ થતી એરલાઇન્‍સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચાલુ કરી દેવામાં આવી છે. સામાન્‍ય સંજોગોમાં અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે હવાઈ મુસાફરીમાં પાંચથી સાત હજાર હોય છે પરંતુ અત્‍યારે મન ફાવે તે પ્રકારે બેફામ બનીને ધર્મપ્રેમી જનતાને લૂંટવામાં આવી રહી છે તેમ છતાં સરકાર કોઈ અસરકારક પગલાં ભરતી નથી. રેલવે મા પણ હાલ ટિકિટો મળતી નથી તો ટ્રાવેલ્‍સમાં પણ ટિકિટો ન મળતી હોવાને પગલે ધર્મપ્રેમી જનતા પરેશાન છે.

ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ગુજરાતના મુખ્‍ય શહેરોમાંથી તાત્‍કાલિક પ્રયાગરાજ આવવા જવા માટે સ્‍લીપર કોચની વ્‍યવસ્‍થા કરવામાં આવે અને આ અંગે જાહેરાત કરવામાં આવે તેમ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અમદાવાદ ખાતેની મુખ્‍ય કચેરી ગુજરાત માર્ગ વાહન વ્‍યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્‍ટરને લેખિત રજૂઆત કરી તાત્‍કાલિક ઘટતું કરવા માંગ કરી છે.

રાજ્‍યભરમાંથી તમામ બસો આવક જાવકમાં ફૂલ થઈ જાય તેમ હોવાને પગલે એસ.ટી ને આવક થાય તેમ છે. દરેક શહેરોમાંથી બસો શરૂ કરવા અંગે માહિતી લોકો સમક્ષ જાહેર કરીને ઓનલાઈન આવક જાવકના એડવાન્‍સ બુકિંગની વ્‍યવસ્‍થા કરવી ઘટે.

વધુમાં રાજાણીએ જણાવ્‍યું હતું કે રાજ્‍યભરમાંથી ટ્રાવેલ્‍સની બસો અને પ્રાઇવેટ વાહનો જે પ્રયાગરાજ જાતા હોય તેઓને ટોલટેક્‍સ અને અન્‍ય રાજ્‍ય બહારના ટેક્‍સમાંથી રાહત મળવી જોઈએ જેથી ટ્રાવેલ્‍સની બસો પણ ધર્મપ્રેમી જનતાને ઓછા ખર્ચે પ્રયાગરાજ લઈ જવામાં મદદરૂપ થઈ શકે.(૬.૧૭)

(4:01 PM IST)