News of Tuesday, 21st January 2025
રાજકોટમાં કાલ રઘુવંશીઓનો મહાકુંભ : મહાપ્રસાદનું મહાઆયોજન
લોહાણા સમાજના કુળદેવતા શહીદ વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમમાટ : આખરી ઓપ :રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાત જમણમાં આશીર્વાદ આપવા અને સહ પરિવાર પધારવા આમંત્રણ : વયોવૃદ્ધ, અશ્કત તેમજ દિવ્યાંગો માટે ખુરશી ટેબલની વ્યવસ્થા :રક્તદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ :ભારતની ભૂમિએ શૌર્યભૂમિ છે. સંતોના પગરવથી પવિત્ર થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્કૃતિ તથા હિંદુ ધર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતને ન્યોછાવર કરી છે. એવા એક શુરવીર યોદ્ધા સુર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જશરાજે ગાયોની રક્ષા કાજે શહીદી વ્હોરી હતી. આ નિમિત્તે રાજકોટના મેદાનમાં લાખો રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ જ્ઞાતિજમણ મહાપ્રસાદમાં અંદાજીત લાખો રઘુવંશીઓ પ્રસાદ લેશે. રઘુવંશી પરિવાર દ્વારા નાત જમણમાં આશીર્વાદ આપવા અને સહ પરિવાર આમંત્રણ અપાયુ છે, જ્યારે વયોવૃદ્ધ, અશ્કત તેમજ દિવ્યાંગો માટે ખુરશી, ટેબલ પર પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે. રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે ટ્રસ્ટીઓ દ્વારા નાતજમણ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુલદેવતા વીરદાદ જશરાજજીના શૌર્ય દિન નિમિત્તે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટની મહિલા સમિતિ દ્વારા સંગીત સંધ્યા, ભજન, બાઇક રેલી સહીતના કાર્યક્રમો યોજાયા હતા.
આ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
(3:18 PM IST)










