<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રાજકોટના સરધાર નજીકના સર ગામે રામોદના યુવાન ગિરીશ રાઠોડની તીક્ષણ હથીયારના ઘા ઝીંકી ક્રુર હત્યા: આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી

રાજકોટઃ શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના સર ગામે હત્યાનો બનાવ બનતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કોટડા સાંગાણીના રામોદ ગામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી છે.

જાણવા મળેલી વિગતો મુજબ  કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતા ગિરીશ દિલીપભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૩૨) નામના યુવાનની રાજકોટના સરધાર નજીક આવેલા સર ગામ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રુર હત્યા કરવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

 વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર યુવાન ગીરીશ રાઠોડ સરધાર ગામના બસ સ્ટેશન પાસે  અયુષ્યમાન અને આધાર કાર્ડનું સેવા કેન્દ્ર ચલાવવાની સાથે સાથે ઈલેક્ટ્રીક કામ પણ કરતો હતો. બપોરે બે વાગ્યે તે સરધારથી બાઇક લઈ રામોદ જવા નીકળ્યો હતો. જ્યાં તે ચાર વાગ્યે પહોંચવાનો હતો. પણ ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. 

દરમિયાન સર ગામમાં એક યુવાનની લાશ પડી હોઇ સરપંચ દ્વારા ત્યાં પડેલા મૃતકના મોબાઈલ ફોનમાંથી ફોન કરવામાં આવતાં ફોન મૃતકના બનેવીએ ઉપાડ્યો હતો અને એ રીતે લાશની ઓળખ થઈ હતી.

 હત્યાના બનાવાની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી.જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનિયા, લક્ષ્મણભાઈ, મેરૂભા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો અને એલસીબીનો કાફલો પણ પહોંચ્યો હતો. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ શરૂ કરાઇ હતી.

 હત્યાનો ભોગ બનનાર યુવાન પરિણીત હતો તેને એક પુત્ર છે. તે ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. હત્યા કોણે શા માટે કરી તેની વિગતો મેળવવા પોલીસની ટીમો કામે લાગી છે. બનાવથી રાઠોડ પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

(7:22 PM IST)