<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમીતે બુધવારે મહારકતદાન કેમ્‍પ

શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા લાઇફ કેર બિલ્‍ડીંગ ખાતે આયોજનઃ આગેવાનો ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા આગામી તા. રર જાન્‍યુઆરીના રોજ હિન્‍દુ ધર્મ રક્ષક, ગૌ રક્ષક, રઘુકુળ ભૂષણ અનતે લાહોગઢ અંતિમ રાજવી વીર રાણા જશરાજજીના ૯૬૭ માં શૌય દિને ભવ્‍ય ‘‘ મહારકતદાન કેમ્‍પ''નું આયોજન કરવામાં આવેલ છે.

તા. રર જાન્‍યુઆરી બુધવારના રોજ રઘુકુળ ભૂષણ અને લાહોરગઢ (હાલ પાકિસ્‍તાન સ્‍થિત)ના અંતિમ હિન્‍દુ અને રઘુવંશી રાજવી શ્રી રાણા જશરાજજીના ૯૬૭ માં શૌર્ય દિન છે. આ દિવસે શ્રી રાણા જશરાજજીએ હિન્‍દુ ધર્મા સ્‍વાભિમાનની રક્ષા માટે તેમજ ગૌ માતાની રક્ષા માટે ચાલુ લગ્નના ફેરે નીકળી જઇને અફઘાની ફોજ સામે યુદ્ધ માંડયું હતું અને અંતે તેઓ લડતા લડતા વીરગતિ પામ્‍યા હતા. આ દિવસે એવું કહેવાય છે કે, ક્રૂર અફઘાનીએ દગાથી પીઠ પાછળ વાર કરીને વીર જશરાજજીનું માથુ તેઓના ઘડથી અલગ કરી નાખ્‍યું હતું તેમ છતાં જશરાજજીએ ધર્મની રક્ષા માટે બે દિવસ યુદ્ધ કરી અને લાહોરગઢની રક્ષા કરી હતી. આથી તમામ હિન્‍દુ તેમજ રઘુવંશી પરિવાર આ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરી જશરાજજીએ આપેલ બલિદાનને યાદ કરવામાં આવે છે. 

આથી શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા રર મી જાન્‍યુઆરીના રોજ રાજકોટ જીલ્લા સંગઠનની ટીમ દ્વારા રાજકોટ શહેરના રેસકોર્ષ મેઇન રોડ ખાતે આવેલ ‘‘ લાઇફ કેર બિલ્‍ડીંગ'' ખાતે સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૪ વાગ્‍યા સુધીનું ભવ્‍ય  મહારકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે. જેમાં સંગઠન સંસ્‍થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી.રઘુવંશી (કાછેલા ધવલ) વધુ જણાવતા કહ્યું છે કે આ રકતદાન કેમ્‍પમાં રાજકોટ શહેર ઉપરાંત જામનગર, જુનાગઢ, ગોંડલ, જેતપુર, મોરબી, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, કચ્‍છ વગેરે જીલ્લા અને તાલુકાએથી મોટી સંખ્‍યામાં રઘુવંશી યુવાનો રકતદાન કરવા આવનાર  છે. આ કેમ્‍પમાં રકતદાન કરવા ઇચ્‍છુક તમામ રકતદાતાઓએ મો ૯૯૧૩૩ ૬૦૩૭૦ પર પોતાનું નામ રજીસ્‍ટ્રેશન કરાવી લેવા સંગઠન તરફથી વિનંતી કરાઇ છે.

આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજ તેમજ અન્‍ય સમાજના રાજકીય આગેવાનોમાં રઘુવંશી અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રઘુવંશી મહિલા અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબહેન નથવાણી, રઘુવંશી અગ્રણી અને રાજકોટ જીલ્લા મહિલા મોરચા ભાજપ પ્રમુખ શ્રીમતી સોનલબેન વસાણી, કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલભાઇ રાજાણી, વિધાનસભા ૬૯ ના ધારાસભ્‍ય શ્રીમતી ડો. દર્શિતાબહેન શાહ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ મહાનગરપાલિકા સ્‍ટેડીનિંગ ચેરમેન જેમિનભાઇ ઠાકર, રઘુવંશી અગ્રણી અને રાજકોટ મહાનગરપાલિકા દંડક મનીષભાઇ રાડિયા, રઘુવંશી મહિલા અગ્રણી અને વોર્ડ નં. ૦૯ ના કોર્પોરેટર શ્રી મતી દક્ષાબેન  વસાણી, રઘુવંશી અગ્રણી અને વોર્ડ નં.૦૭ ના કોર્પોરેટર  શ્રીમતી વર્ષાબેહેન પાંઘી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, રઘુવંશી અગ્રણી અને કોંગ્રેસ આગેવાન ગોપાલભાઇ અનડકટ, રઘુવંશી અગ્રણી અને આમ આદમી પાર્ટી અગ્રણી પરેશભાઇ શિંગાળા વગેરે હાજર રહેશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુવા રઘુવંશી આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:19 PM IST)