<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ચાર વૃધ્‍ધાને ‘બેભાનીયા પીણા' પાઇ લાફા મારી લૂંટ

મવડી કણકોટ રોડ પર ડ્રીમ સીટી નજીક, જુની કલેક્‍ટર કચેરી પાસે અને જ્‍યુબીલી શાક માર્કેટ નજીક તથા ગાંધીગ્રામ વિસ્‍તારમાં સોનાના દાગીના-રોકડ-ફોન લૂંટી લેવાની ઘટનાઓઃ તાલુકા પોલીસે શકમંદસ્ત્રી-પુરૂષને ઉઠાવી પુછતાછ આદરીઃ તમામ ભેદ ખુલી જવાની શક્‍યતાઃ મવડી ટાઉનશીપમાં રહેતાં ૬૨ વર્ષના પુષ્‍પાબેન નકુમને દવાખાનાનું સરનામુ બતાવવાના બહાને ઘેની ચા-સોડા પાઇ બેભાન કરી સોનાની બુટી, દાણો, રોકડ લૂંટી લીધા'તાઃ મોચી બજાર તીલક પ્‍લોટના ૬૫ વર્ષના જાનાબેન ખીમસુરીયાને નાગરીક બેંક ચોકમાં લચ્‍છી, સરબત પાઇ અર્ધબેભાન કરી લાફા મારી ૮૦૫૦૦ના દાગીના-રોકડની લૂંટઃ માધાપરના ૬૩ વર્ષના નાથીબેન પરમારને તમને ચક્કર આવે છે તો બેસો, તમારા દિયરને હું ઓળખુ છું કહી લચ્‍છી પાઇ અર્ધબેભાન કરી માર મારી ૧.૭ લાખના દાગીના લૂંટી લેવાયા હતાં: ગાંધીગ્રામ પોલીસમાં પણ આવો જ ગુનો નોંધાયો હતો તે પણ ઉકેલાયોઃ રામધણ આશ્રમે દર્શન કરી નીકળેલા પુષ્‍પાબેન નકુમને ગઠીયાઓએ પીવડાવેલી ચા-સોડાથી એવુ ઘેન ચડયું કે ૧૩મીએ બેભાન થયા બાદ છેક બીજા દિવસે ભાનમાં આવ્‍યાઃ ત્‍યાં સુધી રોડ પર રેતીના ઢગલા પાસે પડી રહ્યા! જ્‍યુબીલી શાક માર્કેટ પાસે ૬૫ વર્ષના જાનાબેનને ઠગ મહિલાએ કહ્યું-તમે મારી દિકરી છો, મારે આજે તમને ઠંડુ પીવડાવવું છેઃ વૃધ્‍ધા લાગણીમાં આવી ગયા અને લચ્‍છી-સરબત પી લીધાઃ અર્ધબેભાન થતાં લાફા મારી દાગીના લૂંટી લેવાયા'તા

 રાજકોટ તા. ૧૭: શહેરમાં ચોર-ગઠીયાઓ નવતર નુસ્‍ખાઓ અજમાવતાં હોય છે. દરમિયાન સંક્રાંતિના આગલા દિવસે, સંક્રાંતના દિવસે અને ડીસેમ્‍બર મહિનામાં ચાર એવા બનાવ બન્‍યા હતાં જેમાં ચાર વૃધ્‍ધાઓને અજાણ્‍યાસ્ત્રી-પુરૂષે કોઇને કોઇ બહાને ઘેની પદાર્થ ભેળવેલા ચા-સોડા-લચ્‍છી-સરબત પીવડાવી અર્ધબેભાન કરી, તમાચા મારી  સોનાના દાગીના, રોકડ, મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. આ મામલે તાલુકા પોલીસમાં એક, એ-ડિવીઝનમાં બે અને ગાંધીગ્રામ પોલીસમાં એક ગુનો દાખલ થયો હતો. તાલુકા પોલીસે ગઠીયાસ્ત્રી-પુરૂષને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે. 

જાણવા મળ્‍યા મુજબ સંક્રાતિના દિવસે મવડી કણકોટ રોડ પર અવાવરૂ જગ્‍યાએ રેતીના ઢગલા પાસેથી વૃધ્‍ધા અર્ધબેભાન મળ્‍યા હતાં. તેમને ઠગસ્ત્રી-પુરૂષે બેભાનીયા પીણા પાઇ તમાચા મારી દાગીના લૂંટી લીધાનું ખુલ્‍યું હતું. તેરમીએ આ વૃધ્‍ધાને ઘેની ચા-સોડા પીવડાવાતાં તેઓ છેક ૧૪મી સુધી રેતીના ઢગલા પાસે સુતા રહ્યા હતાંં. પરિવારજનો તેમને શોધવા નીકળ્‍યા બાદ તેમની સાથે લૂંટ થયાની ખબર પડી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે મવડી કણકોટ રોડ પર શીવ ટાઉનશીપ સામે લાલુભાઇ પારેખ ટાઉનશીપ સી-વીંગ બ્‍લોક નં. ૨૦૩માં રહેતાં પુષ્‍પાબેન લાલજીભાઇ નકુમ (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા મહિલા-પુરૂષ સામે ગુનો નોંધ્‍યો છે.

પુષ્‍પાબેનને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારો મોટો દિકરો નાના મવા રોડ રવિન્‍દ્રનાથ ટાગોર ટાઉનશીપ ખાતે રહે છે. સંક્રાંતિના રોજ હું રામધણ આશ્રમે દર્શન કરવા એકલી ઘરેથી સવારે અગિયારેક વાગ્‍યે ચાલીને જવા નીકળી હતી. ત્‍યાં દર્શન કર્યા બાદ બાજુમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરે ગઇ હતી. ત્‍યાંથી મારે દવાખાને જવું હોઇ ચાલીને નીકળી ત્‍યારે સાવન ચોક ખાતે બે બાપા બેઠા હોઇ તેમને મેં સરકારી દવાખાનુ આજુબાજુમાં ક્‍યાંય છે કે કેમ? તે પુછતાં તેમણે બપોરના અઢી વાગી ગયા હોઇ દવાખાનુ બંધ હશે તેમ કહેતાં હું ત્‍યાં આગળ ઉભી હતી.

આ વખતે એક અજાણી મહિલા આવી હતી અને તેણે મને ચાલો હું તમને દવાખાને લઇ જા તેમ કહેતાં હું તેની સાથે ચાલતી થઇ હતી. આ મહિલા સાથે અન્‍ય એક પુરૂષ પણ હતો. થોડે આગળ જતાં ચાની કેબીન આવતાં મને આ બંનેએ ચા પીવાડવી હતી. થોડીવાર બાદ મારુ માથું ભારે થવા માંડયું હતું. એ પછી હું એ બહેનની પાછળ ચાલવા લાગી હતી. તેની સાથેનો શખ્‍સ પાછળ પાછળ ટુવ્‍હીલર વાહન લઇને આવતો હતો. આ બંને મને મવડી તરફ લઇ ગયા હતાં. આગળ જતાં એ ભાઇએ મને સોડા પીવડાવી હતી. એ પછી મને વધુ માથુ દુઃખવા માંડયું હતું.  બાદમાં મહિલાએ મને મવડી કણકોટ ડ્રીમ સીટી ચોક નજીક અવાવરૂ જયયાએ રેતીના ઢગલા પાસે બેસાડી થોડીવાર નીંદર કરી લેવાનું કહ્યું હતું.

પરંતુ મે ના પાડતાં એ અજાણી મહિલાએ મને લાફા મારી લીધા હતાં. બાદમાં તેણે તમારા હાથમાં પાટલા સોનાના છે? તેમ પુછતાં મેં ના પાડી  હતી. બાદમાં કાનની બુટી વિશે અને નાકના દાણા વિશે પુછ્‍યું હતું. ત્‍યારબાદ હું અર્ધબેભાન જેવી થઇ જતાં આ બંને જણા મારા કાનમાંથી બુટી, નાકનો દાણો, પાકીટમાંથી ચારસો રોકડા લઇ ભાગી ગયા હતાં. હું ભાનમાં આવી હતી ત્‍યારે આસપાસમાં કોઇ દેખાતુ ન હોઇ ઘેન ચડી જતાં ફરી સુઇ ગઇ હતી. છેક બીજા દિવસે સવારે સાડા દસેક વાગ્‍યે  ભાનમાં આવી હતી પણ ઉભી થઇ શકતી નહોતી. રાહદારી નીકળતાં ૧૦૮ બોલાવી મને સારવાર માટે ખસેડી હતી. મને ઘેની ચા-સોડા પાઇ અર્ધબેભાન કરી લાફા મારી ૧૬ હજારની બુટી, પાંચસોનો દાણો અને રોકડા ૪૦૦ લૂંટી લીધા હતાં. બાદમાં મેં પોલીસને જાણ કરી હતી.

આવો જ બીજા બે ગુના એ-ડિવીઝન પોલીસમાં નોંધાયા છે. જેમાં માધાપર આંબેડકરનગર-૧માં રહેતાં નાથીબેન ડાયાભાઇ પરમાર (ઉ.વ.૬૩) તા. ૨૩/૧૨ના વિધવા પેન્‍શન બંધ થઇ ગયું હોઇ જેથી એકલા માધાપરથી રિક્ષામાં બેસી જુની કલેક્‍ટર કચેરીએ આવ્‍યા હતાં. અહિ કામા પુરુ કરી ચાલીને મોચીબજાર ચર્ચ સામે આવતાં મને ચક્કર આવતાં નજીકમાં હનુમાનજીના મંદિર પાસે બેસી ગયા હતાં. એ પછી તેમના દિયર હીરાભાઇ સાથે ફોનમાં વાત કરતાં હતાં ત્‍યારે અજાણ્‍યા એક બહેન અને એક ભાઇ મારી પાસે આવ્‍યા હતાં અને કહેલુ કે-ડોસીમા તમને ચક્કર આવતા હોય તો બેસો તેમ કહી અજાણ્‍યા શખ્‍સે હું તમારા દિયર હીરાભાઇને ઓળખુ છું કહી વાત કરી હતી. બાદમાં તે નજીકની દુકાનેથી લચ્‍છી લાવ્‍યો હતો અને પીવડાવી હતી.

લચ્‍છી પીધાબાદ નાથીબેન અર્ધબેભાન થઇ ગયા હતાં. આ પછી અજાણી મહિલાએ મારા કાનમાંથી બુટીયા ખેંચી કાઢવા બળજબરી કરતાં મેં તેને અટકાવતાં મને લાફમા મારી લીધા હતાં. એ પછી હું સાવ બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવ્‍યા બાદ હું હોસ્‍પિટલમાં હતી. મારા કાનમાંથી સોનાના ૬૦ હજારના બુટીયા-નખલી, ચાંદીના ૨૦ હજારના સાંકળા અને મારો મોબાઇલ ફોન ગાયબ હતાં. કુલ ૧,૦૭,૦૦૦ની મત્તા અજાણ્‍યો પુરૂષ અને મહિલા લૂંટી ગયા હતાં. મારા દિયરને મેં વાત કરી હતી અને અમે શોધખોળ કરતાં હતાં. એ પછી પોલીસને જાણ કરી હતી.

જ્‍યારે ત્રીજો આવો બનાવ પણ એ-ડિવીઝન પોલીસની હદમાં બન્‍યો છે. આ અંગે મોચી બજાર તીલક પ્‍લોટ-૧ આઇપી મિશન સ્‍કૂલ પાસે રહેતાં જાનાબેન હરિભાઇ ખીમસુરીયા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી અજાણ્‍યાસ્ત્રી-પુરૂષ સામે ગુનો દાખલ કરાયો છે. જાનાબેને જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહું છે. મારા પતિ હયાત નથી. ૧૩/૧/૨૫ના બપોરે દોઢેક વાગ્‍યે હું ઘરેથી જ્‍યુબીલી શાક માર્કેટમાં બકાલુ લેવા ગઇ હતી. નાગરિક બેંક પાસે દેનાબેંક નજીક બકાલુ લેતી હતી ત્‍યારે અજાણી મહિલા આવી હતી અને કહેલુ કે-તું મારી દિકરી છે, મારે તને ઠંડુ પીવડાવવું છે. આમ કહી મને લચ્‍ચછી અને ગુલાબ સરબત પીવડાવ્‍યા હતાં.

આ ઠંડાપીણા પીધા બાદ હુ઼ અર્ધબેભાન થઇ ગઇહતી. બાદમાં આ મહિલાએ મારા કાનમાંથી બળજબરીથી બુટીયા ખેંચતા મેં અટકાવતાં મને ફડાકા મારતાં હું બેભાન થઇ ગઇ હતી. એ પછી ભાનમાં આવી ત્‍યારે સિવિલ હોસ્‍પિટલમાં હતી. મેં તપાસ કરતાં કાનમાંથી ૬૦ હજારના દસ ગ્રામના બે બુટીયા, પાકીટમાં રાખેલી રૂા. ૨૦ હજારની સોનાની બુટી અને રોકડા ૫૦૦ મળી ૮૦૫૦૦ની મત્તા ગાયબ હતી. ભાનમાં આવી મેં બનાવની જાણ મારા દિયર દિનેશભાઇ ખીમસુરીયાને કરતાં અમે તપાસ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી. આ બંને બનાવમાં પીએસઆઇ ડી. વાય. મહંતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

આવો જ એક ગુનો ગત ડિસેમ્‍બર મહિનામાં ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયો હતો. આ ચારેય ગુનાની તપાસ તાલુકા પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને એ-ડિવીઝન પોલીસ તથા એલસીબી દ્વારા હાથ ધરાઇ હતી. દરમિયાન તાલુકા પોલીસને સફળતા મળી છે. શકમંદ જણાતાસ્ત્રી-પુરૂષને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. તમામ ભેદ ઉકેલાઇ જવાની આશા છે. તાલુકા પીઆઇ ડી.એમ. હરીપરા, પીએસઆઇ બી. આર. ભરવાડ, હરપાલસિંહ જાડેજા, કોૈશલેન્‍દ્રસિંહ સહિતની ટીમ વિશેષ તપાસ કરી રહી છે.

(2:48 PM IST)