તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ઉતરાયણને દિવસે જન્મેલા બાળકનું મોતઃ વિનાયકનગરના પરમાર પરિવારમાં કલ્પાંત
નવજાત પુત્ર એકાએક બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્યોઃ મોતનુ઼ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૭: મવડી પ્લોટના વિનાયક નગરમાં રહેતાં પરિવારમાં સંક્રાંતિના દિવસે જન્મેલા દિકરાનું બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ મવડીના વિનાયકનગર-૧૧માં રહેતાં કિશનભાઇ રાણાભાઇ પરમારનો પુત્ર (ઉ. ૩ દિવસ) ગઇકાલે સાંજે અચાનક બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ઝનાના હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હોઇ માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. કિશનભાઇ કારખાનામાં મજુરી કરે છે. તેના કહેવા મુજબ તેના પત્નિ મંજુલાએ સંક્રાંતિના દિવસે આ દિકરાને જન્મ આપ્યો હતો. આમ તો બાળક સ્વસ્થ હતું પણ વજન બે કિલો જેવુ જ હતું. બપોર સુધી બાળક રમતું હતું. સાંજે તેને માતાએ દૂધ પીવડાવવા પ્રયાસ કર્યો ત્યારે હલનચલન બંધ થઇ ગયું હોઇ હોસ્પિટલે ખસેડયું હતું. પણ તેનામાં જીવ ન હોવાનું તબિબે જાહેર કર્યુ હતું. પોલીસને મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(12:09 PM IST)










