તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
યુનિ. પાસે ડે. કલેકટરો માટે ૮ કરોડના ખર્ચે ૯ અદ્યતન કવાટર્સ બનશેઃ મહેસુલ ખાતાની મંજુરી
દરેક તાલુકામાં નાયબ મામલતદાર-મામલતદારો માટે કવાટર્સ બનાવવાની કાર્યવાહી શરૂ :સબ રજીસ્ટ્રાર ૩-૪-પ ના નવા ભવન માટે મહેસુલ ખાતાની મંજુરી માંગતું તંત્ર

રાજકોટ, તા. ૧૬: રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સુત્રોના કહેવા મુજબ આગામી દિવસોમાં યુનિ. પાસે ડે. કલેકટરો-પ્રાંત અધિકારીઓ માટે ૮ કરોડના ખર્ચે ત્રણ માળના ૯ જેટલા અદ્યતન કવાટર્સ બનાવવામાં આવશે, આ અંગે રાજયના મહેસુલ ખાતાએ કલેકટર તંત્રને મંજુરી આપી દિધાનું સુત્રોએ ઉમેર્યુ હતું. આ પહેલા કલેકટરે ૯ કવાટર્સ અંગે માર્ગ-મકાન વિભાગ મારફત ડીઝાઇન-નકશા બનાવી સરકારમાં દરખાસ્ત કરી હતી, તે હવે મંજુરી મળી ગઇ છે.
સુત્રોએ ઉમેર્યુ હતું કે આ ઉપરાંત દરેક તાલુકાનાં મામલતદારો તથા નાયબ મામલતદારો માટે કવાટર્સ બનાવવા અંગે જે તે નગરપાલિકા અને પ્રાંત કચેરીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.
આ ઉપરાંત કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે સયાજી હોટલ નજીક ર હજાર ચો.મી. જમીન ઉપર અંદાજે ૪ાા થી પ કરોડના ખર્ચે નવા રજીસ્ટ્રાર કચેરી નંબર ૩, ૪, પ ના નવા ભવન બનાવવા અંગે મહેસુલ ખાતામાં દરખાસ્ત મોકલી દેવાઇ છે, અહિં પહેલા ગૌચરની જમીનનો પ્રશ્ન હતો તે ઉકેલાઇ ગયો છે. પરીણામે દરખાસ્ત મોકલાઇ છે અને મંજુરી મળ્યે ત્રણ નવી સબ રજીસ્ટ્રાર કચેરી બનાવાશે.(૬.૧૭)
(3:45 PM IST)










