<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

નેશનલ હેન્‍ડબોલ મેન ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્‍પીયન

૭૦ યુનિવર્સિટીઓએ ભાગ લીધોઃ એમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ચેમ્‍પીયન બનીઃ ઘર આંગણે નેશનલ હેન્‍ડબોલ મેન ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પીયન બની છેઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ગૌરવ અનુભવે છે : કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઇ જોશી

રાજકોટ, તા. ૧૬ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર નેશનલ હેન્‍ડબોલ મેન ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્‍પિયન બની છે.

આ ટુર્નામેન્‍ટની કલોઝીંગ સેરેમની આજે ક્રિકેટ ગ્રાઉન્‍ડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે કુલપતિશ્રીની અધ્‍યક્ષતામાં યોજાઈ.

કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની હેન્‍ડબોલની ટીમ, કોચ તથા શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. હરીશભાઈ રાબાને શુભેચ્‍છાઓ પાઠવી.

આ તકે કુલપતિશ્રીએ જણાવ્‍યું હતું કે, ઘરઆંગણે નેશનલ હેન્‍ડબોલ મેન ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન બની છે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ગૌરવ અનુભવે છે. ગુજરાત રાજય સરકારશ્રી પણ રમત ગમત ક્ષેત્રમાં યુવાનો ખુબ આગળ આવે એ માટે વિવિધ સુવિધાઓ આપીને રમતવીરોના કૌવતને ઉંચી ઉડાન આપવાનું કાર્ય કરી રહી છે. આગામી ઓલ્‍મિપકનું પ્રતિનિધિત્‍વ ભારત કરનાર છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલમ્‍પિકમાં ભાગ લે એવી શુભેચ્‍છાઓ. સૌરાષ્‍ટ્રના યુવાનોમાં હીર અને કૌવત રહેલું છે. મને ખુબ આનંદ થાય છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં આવો અવસર પ્રાપ્ત થયો છે. અંતમાં કુલપતિશ્રીએ સમગ્ર શારીરિક શિક્ષણ વિભાગના કર્મચારીઓ, પી.ટી.આઈ., સમગ્ર યુનિવર્સિટી ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડૉ. હરીશભાઈ રાબાએ જણાવ્‍યું હતું કે, ઈતિહાસમાં ઓલ ઈન્‍ડિયામાં પ્રથમવાર ચાર માંથી ત્રણ ટીમ ગુજરાતની, ગુજરાત માટે ગૌરવની વાત છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આ ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન બની છે એ ન ભુતો ન ભવિષ્‍યતિ એવી ક્ષણ છે. આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક અને સ્‍પોર્ટસના હેન્‍ડબોલના ખેલાડી તરીકે ખુબ ગૌરવ અનુભવું છું. ડૉ. રાબાએ ભાગ લેનાર તમામ ટીમોને અભિનંદન પાઠવ્‍યા હતા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મહેમાન બન્‍યા એ બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આગામી સમયમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલ ઈન્‍ડિયામાં ઉચ્‍ચ દેખાવ કરે અને ટ્રોફી મેળવે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.

અલગ અલગ યુનિવર્સિટીઓના હેન્‍ડબોલ ખેલાડીઓએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા રહેઠાણ, ભોજન, ગ્રાઉન્‍ડ અને ટ્રાન્‍સ્‍પોર્ટેશનની ઉતમ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી જેનો ખુબ આનંદ છે. અમે આવી સુંદર વ્‍યવસ્‍થા કયાય જોઈ નથી. અમને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આવીને ખુબ આનંદ થયો છે.

(3:58 PM IST)