News of Thursday, 16th January 2025
ઉષાબેને આપઘાત કર્યો એ પહેલા મારકુટ કરી ધમકી અપાઇ'તીઃ નાના દિકરા ગોૈતમનું અપહરણ કરી બે દિવસ ગોંધી રખાયો'તો
અવાજ સાંભળી દિકરો ગોૈતમ નીચે જતાં માતાએ લોહીલુહાણ હાલતમાં કહેલું-તારો બે દિવસથી પત્તો નહોતો, તારા ભાઇ મિલનને આ લોકો મારી નાખશે તો મારુ જીવવું નકામું, આ લોકોની ધમકીથી હું કંટાળી ગઇ છું એટલે મરી જવા છલાંગ લગાવી છે :ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય હાઇ્ટસમાં ૧૩મીએ ઉષાબેન છઠ્ઠા માળેથી કૂદી ગયા બાદ બીજા દિવસે દમ તોડી દીધોઃ તેના દિકરા મિલને જેની સાથે લવમેરેજ કર્યા તે પાયલના પિતા જલાભાઇ સભાડ, ગોપાલ સભાડ, વિજય સભાડ, મનિષ સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાડ સામે ગુનો નોંધાયો :અપહૃત દિકરા ગોૈતમને લઇને આરોપીઓ ૧૩મીએ ઉષાબેનના ઘરે પહોંચ્યા ત્યારે દરવાજે દિકરાને ધમકી અપાતી હતી એ વખતે પાછળની ગેલેરીમાંથી તે કૂદી ગયા'તાઃ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી

રાજકોટ તા. ૧૬: કટારીયા ચોકડીથી આગળ ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય હાઇટ્સમાં રહેતાં ઉષાબેન જાની નામના મહિલાએ છઠ્ઠા માળેથી કુદી આપઘાત કરી લીધાની ઘટનામાં તેમને મરવા મજબૂર કરવા અંગે ૮ જણા સામે ગુનો નોંધ્યો છે. ઉષાબેનના મોટા દિકરા મિલને પાયલ જલાભાઇ સભાડ સાથે લવમેરેજ કરી લીધા હોઇ અને બંને ભાગી ગયા હોઇ બંનેને શોધી આપી હાજર કરવાનું કહી પાયલના પિતા સહિતના શખ્સોએ ઘરે આવી ધમાલ મચાવી તેમજ ઉષાબેનના નાના દિકરાનું પણ અપહરણ કરી બે દિવસ સુધી તેને ગોંધી રાખી ૧૩મીએ દિકરાને લઇને આ બધા ઘરે આવ્યા ત્યારે દરવાજો બંધ હોઇ દિકરાને આ બધા ધમકાવતાં હતાં ત્યારે જ ઉષાબેન ઘરની પાછળની ગેલેરીમાંથી કૂદી ગયા હતાં.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનારા ઉષાબેન કિશોરભાઇ જાની (ઉ.વ.૫૨)ના પુત્ર ગોૈતમ કિશોરભાઇ જાની (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી જલાભાઇ સભાડ, ગોપાલ સભાડ, વિજય સભાડ, મનિષ જલાભાઇ સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાડ વિરૂધ્ધ ઉષાબેનના પુત્રનું અપહરણ કરી ગોંધી રાખી, મારકુટ કરી તેમજ ધાકધમકી આપી મરી જવું પડે તેવા સંજોગો ઉભા કરી ઉષાબેનને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.
ગોૈતમ જાનીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને અભ્યાસ કરુ છું. મારા પરિવારમાં પિતા કિશોરભાઇ, માતા ઉષાબેન અને મોટો ભાઇ મિલનભાઇ છે. જેમાં માતા ઉષાબેને સંક્રાંતિના આગલા દિવસે છઠ્ઠા માળેથી છલાંગ લગાવતાં તેમનું બીજા દિવસે ૧૪મીએ મૃત્યુ થયું છે. મારા પિતાજીએ મોતીયાનું ઓપરેશન કરાવ્યું હોઇ તેઓ હાલ મારા દાદીના ઘરે સાધુ વાસવાણી રોડ પર રહે છે. મારા મોટા ભાઇ મિલને ગોપાલ ચોક ભીડભંજન સોસાયટીમાં રહેતાં પાયલ જલાભાઇ સભાડ સાથે પ્રેમ હોઇ તેની સાથે તા. ૬-૧૨-૨૨ના રોજ કોર્ટ મેરેજ કર્યા છે.
ગોૈતમે આગળ કહ્યું હતું કે ૧૧/૧/૨૫ના બપોરે સાડા બારેક વાગ્યે મોટા ભાઇ મિલન કર્મકાંડનું કામ કરવા માટે બહાર જાય છે તેમ કહી નીકળ્યા હતાં. એ પછી હું ઘરે હતો ત્યારે મનિષ જલાભાઇ સભાડનો મને ફોન આવ્યો હતો કે તારો ભાઇ મિલન ક્યાં છે? મેં તેને મને ખબર નથી તેમ કહી ફોન મુકી દીધો હતો. બાદમાં મારા મમ્મીને પુછતાં તેણે તે કર્મકાંડ કરવા ગયો છે તેમ જણાવ્યું હતું. મેં ફોન કરતાં તે સ્વીચઓફ આવ્યો હતો. બાદમાં રાતે બીજી વાર સવા અગીયારેક વાગ્યે મનિષે મને ફોન કરી કટારીયા ચોકડીએ બોલાવતાં હું ત્યાં જતાં ત્યાં મનિષની સાથે ગોપાલ સભાડ, વિજય સભાડ, જલાભાઇ સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ અને વિમલ સભાડ તેમજ સાગર સભાડ હતાં. આ બધા ઇકો ગાડીમાં આવ્યા હતાં.
તેમણે મને કહેલુ કે જલાભાઇને તારી સાથે વ્યવહારીક વાત કરવી છે. તેમ કહી મને ઇકોમાં બેસાડી આદિત્ય-૭૯, બી વીંગ ૬૦૨ નંબરના મારા જ ઘરે લઇ ગયા હતાં. અહિ આ બધાએ મારા મમ્મી અને મને પુછેલુ કે-મિલન ક્યાં છે તે અમારી દિકરી પાયલને ભગાડી ગયો છે. અમે આ બાબતે કંઇ જાણતા નથી તેમ કહેતાં આ બધાએ ખુબ દેકારો મચાવી ઝઘડો કરી ગાળો દીધી હતી અને મારા માતાને પણ જલાભાઇ, ગોપાલે ખુબ ગાળો દઇ મારકુટ કરી કહેલુ કે જો અમારી દિકરી ન મળી તો તને અને તારા ઘરના સભ્યોને બહાર નીકળવા દઇશું નહિ, અમારા માણસો દ્વારા પતાવી દઇશું. આ પછી આ બધા મને પરાણે ઇકો ગાડીમાં નાંખી અપહરણ કરી ફરી કટારીયા ચોકડીએ લઇ ગયા હતા઼. જ્યાં ગોપાલ, જલાભાઇ સહિતાએ ફરીથી ગાળો દઇ ઝાપટો મારી તારો ભાઇ ક્યાં છે તેમ પુછી ફરી ઇકોમાં બેસાડી ગોંડલ ચોકડી પાસે આવેલી શેરીમાં લઇ જઇ ત્યાં ફરી મારા ભાઇ વિશે પુછી ગાળો દીધી હતી.
ત્યારબાદ ઇકોમાંથી ઉતારી સફેદ રંગની ક્રેટામાં બેસાડી ફરી ગાળો દઇ ઝાપટો મારી હતી. એ પછી રાતે મને મારા માસી વિલાબેન દિપકભાઇ જોષી કે જે સમેગા (તા. બાંટવા) રહે છે તેના ઘરે લઇ ગયા હતાં. મારા માસીના ઘરે અમે સવારે ચારેક વાગ્યે પહોંચ્યા હતાં. ત્યાં મારા માસીને પણ મિલન અને મારા ભાભી પાયલ અંગે આ લોકોએ પુછતાછ કરી હતી. પણ ત્યાં તેઓ ન હોઇ સવારે મને ફરી કેકેવી હોલ પાસે રાજકોટ લાવ્યા હતાં. અહિથી મને સાધુવાસવાણી રોડ રાજપેલેસ ચોક ખાતે લઇ ગયા હતાં. ત્યાંથી ફોન કરીને મારા માતા, કાકાને બોલાવી ગાળો દઇ મારા ભાઇ લિન વિશે વાત કરી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.
એ પછી અમે બધા અમારા ઘરે જતાં રહ્યા હતાં. ગોપાલ અને બીજા બધા પણ અમારી સાથે ઘરે આવ્યા હતાં. અહિ ફરીથી મારા માતા ઉષાબેનને અને મને વિજયએ ફલેટ નીચે બોલાવ્યા હતાં. બાદમાં ફરીથી ધમકી દઇ ગાળો દીધી હતી અને મારકુટ ચાલુ કરી હતી. આ કારણે દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. અહિથી મને ફરી માર મારી ક્રેટામાં બેસાડી મેહુલ અને સગાર અવધના ઢાળીયે લઇ ગયા હતાં. ત્યાંથી મને ઇન્દીરા સર્કલે મેહુલની હોટલે લઇ ગયા હતાં. ત્યાં મને આખી રાત ગોંધી રાખ્યો હતો. તેમજ મારા પર નજર રાખવા સાગર સભાડને ત્યાં રાખ્યો હતો અને મેહુલ જતો રહ્યો હતો. બીજા દિવસે ૧૩/૧ના સવારે દસેક વાગ્યે મેહુલ સભાડ હોટલે આવેલ અને ફરીથી મારા ભાઇ મિલન અને ભાભી પાયલ વિશેષ પુછતાછ કરી હતી. એ પછી સાંજે છ વાગ્યે ફરી મેહુલ, સગાર અને બીજા બે જણા મને ઇકોમાં બેસાડીમ ારા ઘરે લઇ ગયા હતાં. ફરી ખુબ ગાળો દીધી હતી.
આ વખતે મારા ઘરે તાળુ હોઇ ગેલેરીમાંથી કોઇના પડવાનો અવાજ આવ્યો હતો. આ વખતે પડોશીએ કહેલું કે તમારા મમ્મીએ પાછળથી છલાંગ મારી દીધી છે અમે પાર્કિંગમાં જતાં મારા માતા ત્યાં પડેલા હતાં. તેને મેં પુછતાં કહેલુ કે બે દિવસથી તને લઇ ગયા હોઇ તારી અને ભાઇ મિલનની ચિંતામાં તથા આ લોકોએ ધમકી આપી હોઇ હું કંટાળી જતાં તેમજ મિલનને આ લોકો મારી નાંખશે તો મારુ જીવવું નકામુ છે, હું માનસિક કંટાળી ગઇ છું, આથી મેં મરી જવા ગેલેરીમાંથી છલાંગ મારી છે તેમ કહી તે બેભાન થઇ ગયા હતાં. પાર્કિગમાં ટોળા ભેગા થયા હોઇ મારા મમ્મીને ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડયા હતાં. જ્યાં ૧૪મીએ તેમનું મૃત્યુ થયું હતું. તેમ વધુમાં ગોતમે જણાવતાં પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:34 PM IST)










