<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

૧૦૦ રૂપિયા મામલે બબાલ કરી પેટ્રોલ બોમ્‍બ ફેંકી હોટેલ સળગાવવાનો પ્રયાસઃ જયદેવ, ચિરાગ સહિતની શોધખોળ : જુઓ વિડિયો

યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે સંક્રાંતિની રાતે બનેલી ઘટનામાં પોલીસે આરોપીઓની ઓળખ મેળવી લીધી નકળંગ હોટેલના સંચાલક જીલ્લાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સિરોડીયાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની તપાસઃ થડા પર બેઠેલા યુવાને ૫૦ રૂપિયા જ દીધાનું કહ્યું પણ ગ્રાહક તરીકે આવેલાએ ૧૦૦ દીધા છે કહી ડખ્‍ખો કર્યોઃ હોટેલ સંચાલકે ૧૦૦ પાછા લઇ લેવાનું કહેતાં-હું ભીખારી નથી કહી મારકુટ કરી ભાગી ગયો, પછી બીજા ત્રણ જણાને લઇને આવ્‍યો અને પેટ્રોલ બોમ્‍બ ફેંકી ભાગી ગયો જે હોટેલ પર પેટ્રોલ બોમ્‍બ ફેંકાયો હતો તે નકળંગ ટી સ્‍ટોલ, ઘટના બની તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો અને ઇન્‍સેટમાં જીલ્લાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સીરોડીયાના ભાઇ વિગતો આપતાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયાા

રાજકોટ તા. ૧૬: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે નકલંક ટી સ્‍ટોલ અને ચા-પાનના સ્‍ટોલ ખાતે સંક્રાંતિની રાતે એક શખ્‍સ પાન-પડીકી લેવા આવ્‍યો હોઇ તેણે થડા પર બેઠેલા હોટેલ સંચાલકના માસીના દિકરાને રૂા. ૧૦૦ આપ્‍યાનું કહી બાકીના રૂપિયા પાછા માંગતા થડા પર બેઠેલાએ ૧૦૦ નહિ ૫૦ જ આપ્‍યા છે તેમ કહેતા આ શખ્‍સે બોલાચાલી કરી કેમેરા ચેક કરવાનું કહ્યું હતું. હોટેલ સંચાલકે માથાકુટ ન થાય તે માટે ૧૦૦ રૂપિયા પાછા લઇ લેવા એ ગ્રાહકને કહેતાં તેણે હું ભીખારી નથી...કહી ડખ્‍ખો કરી મારામારી કર્યા બાદ બીજા ત્રણ શખ્‍સોને બોલાવી કાચની બોટલમાં પેટ્રોલ ભરી વાટ મુકી સળગાવી પેટ્રોલ બોમ્‍બ જેવુ બનાવી આ બોટલ હોટેલના પાર્કિંગમાં ફેંકી હોટેલ સળગાવવાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ તપાસમાં બે શખ્‍સો ઓળખાઇ ગયા હોઇ તેની અને સાથેના અજાણ્‍યાની શોધખોળ શરૂ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ ગોવર્ધન ચોક ખોડીયારનગર-૧૭માં નકલંક મકાન ખાતે રહેતાં અને યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે નકળંગ ટી-સ્‍ટોલ નામે હોટલ ચલાવતાં જીલાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સવાભાઇ સીરોડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી તથા બે અજાણ્‍યા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૨૬-જી, ૧૧૫ (૨), ૬૨ મુજબ હોટલે પાન મસાલાના ૧૦૦ રૂપિયા બાબતે માથાકુટ કરી ઝપાઝપી કરી મારામારી કરી ભાગી ગયા બાદ રાતના ફરી વખત હોટેલ પાસે આવી કાચની બોટલમાં પેટ્રોલ કે જ્‍વલનશીલ પ્રવાહી ભરી સળગાવી આ બોટલ હોટેલમાં ફેંકી હોટલ સળગાવવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી તમામને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જીલાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સિરોડીયાએ ઘટના અંગે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ભગતસિંહજી ગાર્ડન પાસે  નકળંગ ટી સ્‍ટોલ નામે હોટેલ ચલાવુ છું. અમે ચાર ભાઇઓ છીએ તેમાં હું મોટો છું.   અમારી હોટેલ સવારે ચારથી રાતના એક વાગ્‍યા સુધી ખુલ્લી હોય છે. હોટેલના કાઉન્‍ટર પર સવારે મારો નાનો ભાઇ જગાભાઇ બેસે છે અને રાતે હું બેસુ છું. હોટેલમાં રવિનભાઇ અને વિ્નુભાઇ કામ કરવા આવે છે. રાતે સાહિલ અને કિર્તન તથા જયેશ કામ કરે છે. મકરસંક્રાંતિની રાતે સાડા અગિયારેક વાગ્‍યે હું હોટેલના કાઉન્‍ટર પર હતો અને માણસોમાં મારા માસીનો દિકરો સાહિલ તથા કિર્તન અને જયેશ હતાં. મારા માસીનો દિકરો પાનના થડે બેઠો હતો. તેની પાસે એક શખ્‍સ પાન-પડીકી લેવા આવ્‍યો હતો. તેની સાથે પૈસા બાબતે બોલચાલી થઇ હતી. મેં આ બાબતે પુછતાં અજાણ્‍યા શખ્‍સે કહેલુ કે આ ભાઇને મેં રૂા. ૧૦૦ આપી દીધા છે છતાં મારા બીજા પૈસા પાછા નથી આપતાં. જેથી મેં સાહિલને પુછતાં સાહિલે કહેલુ કે આ ભાઇએ ૧૦૦ નહિ ૫૦ રૂપિયા જ આપ્‍યા છે. આમ છતાં મેં માથાકુટ ન થાય એ માટે સાહિલને કહેલુ કે જે રકમ આપી હોય એ ભલે આપી હોય પણ તેના પાછા નીકળતાં પૈસા આપી દે. જેથી એ શખ્‍સે અમે કંઇ ભીખારી નથી, તમારા હોટેલના કેમેરા ચેક કરો મેં કેટલા રૂપિયા આપ્‍યા છે તે ખરાઇ કરો. તેમ કહેતાં મેં મારા મોબાઇલ ફોનમાં સીસીટીવી કેમેરા ચાલુ હોઇ એ ભાઇને મારો ફોન આપી ખરાઇ કરવાનું કહેતાં તેને કેમેરો ખોલતા ન આવડતાં મને ફોન પાછો આપી દીધો હતો.

 આ વ્‍યક્‍તિ કાળા રંગના એક્‍સેસ જીજે૦૧યુજે-૩૩૬૦ લઇને આવ્‍યો હતો.  આ પછી તેણે કોઇને ફોન કરતાં બીજો એક શખ્‍સ પણ આવ્‍યો હતો. તેણે મોબાઇલમાં કેમેરા ચેક કરવા છે તેમ કહેતાં મેં તેને પણ ફોન આપ્‍યો હતો. તેનાથી પણ મોબાઇલમાં ફુટેજ ચેક ન થતાં આ બંનેએ મને કહેલુ કે તમે જ અમને ફુટેજ બતાવો. જેથી મારા મોબાઇલમાં કેમેરા ચાલુ હોઇ તેમાં ચેક કરતાં મને પણ આવડતું ન હોઇ મેં તેને સવારે ટેકનીશીયનને બોલાવી રાખીશ ત્‍યારે તમે આવજો તેમ કહેતાં આ બંનેએ મારી સાથે ઝપાઝપી કરી મને ઢીકાપાટુ માર્યા હતાં. એ પછી બંને પોતાનું ૩૩૬૦ નંબરનું એક્‍સેસ અમારી હોટેલ પાસે મુકીને જતાં રહ્યા હતાં.   થોડીવાર બાદ હોટલે અન્‍ય એક શખ્‍સ આવ્‍યો હતો. આ શખ્‍સ અમારી હોટલે અવાર-નવાર ચા પીવા આવતો હતો. તેણે કહેલું કે તમારી સાથે માથાકુટ થઇ છે તેની સાથે સમાધાન કરી લો, એ ગરીબ છે અને બાવાજી છે. આથી મેં તેને બોલાવી લેવાનું કહેતાં તેણે હમણા બોલાવીનું આવુ કહી તે પણ જતો રહ્યો હતો. આ પછી રાતે સવા એકાદ વાગ્‍યે હોટેલની સામે શિવશક્‍તિ સોસાયટીમાં જવાની શેરી પડતી હોઇ ત્‍યાં નાકા પર એક એક્‍ટીવા આવીને ઉભુ રહ્યું હતું. બીજુ એક વાહન પણ હતું. ચાર જેટલા શખ્‍સો ઉભા હતાં તેણે શેરીમાંથી ઉભા ઉભા કાચની બોટલમાં પેટ્રોલ ભરી સળગતી બોટલ અમારી હોટેલ પાસે પાર્કિંગમાં ઘા કરતાં ધડાકા સાથે ભડકો થયો હતો. બોટલ ફ્રીઝ પાસે જમીનમાં પડી હતી તે સાથે જ આગ લાગતાં હોટેલમાં કામ કરતાં માણસો ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ પછી ચારેય શખ્‍સ ભાગી ગયા હતાં. આ આગમાં કોઇને ઇજા થઇ નહોતી. આ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે ગ્રાહક તરીકે આવી ૧૦૦ રૂપિયા માટે ડખ્‍ખો કરનાર શખસ જયદેવ રામાવત હતો. તેમજ તેની સાથે એક ચિરાગ બાવાજી અને બે બીજા હતાં. બનાવ બાાબતે શરૂઆતમાં ઘરમેળે વાતચીત ચાલતી હતી. બાદમા ંમારા મિત્ર અને મોટાબાપુના દિકરાએ ફરિયાદ નોંધાવવાનું કહેતાં અમે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આ ઘટના સંદર્ભે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, એએઅસાઇ વાય. ડી. ભગત અને ટીમે આરોપીઓને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(3:44 PM IST)