<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ગોકુલધામ ક્‍વાર્ટરમાં ૪ લુખ્‍ખાએ યુવતિનો હાથ પકડી ‘ચાલ મારી સાથે' કહી ઝપાઝપી કરીઃ ટી-શર્ટ ફાડી નાંખ્‍યું

યુવતિનો મિત્ર સોહિલ વચ્‍ચે પડતાં ધોકા-પાઇપ ફટકારી હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખ્‍યું: મેટીયો ઝાલા, પરીયો ગઢવી, યાસીન ઉર્ફ ભુરા અને અજાણ્‍યાની શોધખોળ

રાજકોટ તા. ૧૫: મકરસંક્રાંતિની સાંજે ગોકુલધામ પાસે ક્‍વાર્ટરમાં યુવતિ ઘરે પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્‍યારે ચાર શખ્‍સોએ તેને બહાર બોલાવી તે પૈકી એકે હાથ પકડી છેડતી કરી તું મારી સાથે આવ તેમ કહી બાદમાં ચારેયએ મળી તેણી સાથે ઝપાઝપી કરી ટી-શર્ટ ફાડી નાંખતાં તેણીને બચાવવા મિત્ર વચ્‍ચે પડતાં ચારેયએ ધોકા-પાઇપ ફટકારી તેના હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખતાં દેકારો મચી ગયો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગોકુલધામ આરએમસી ક્‍વાર્ટર વિસ્‍તારમાં રહેતી ઘરકામ કરતી ૨૪ વર્ષની યુવતિની ફરિયાદ પરથી પરીયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફ ભુરો અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે

યુવતિએ જણાવ્‍યું છે કે મારી ઓળખાણ ચારેક મહિના પહેલા ઇન્‍સ્‍ટાગ્રામ મારફત જંગલેશ્વરના સોહીલ સાથે થઇ હતી એ પછી અમે અવાર-નવાર મળતાં હતાં. સંક્રાંતિના દિવસે હું ઘરે હતી અને મારે પૈસાની જરૂર હોઇ મિત્ર સોહિલને ફોન કરી પૈેસા હોય તો મારી ઘરે આવી આપી જા તેમ કહેતાં તે સાંજે સાડા પાંચેક વાગ્‍યે મારા ઘરે આવ્‍યો હતો અને મને રૂા. ૧૦ હજાર આપ્‍યા હતાં. ત્‍યારબાદ અમે ઘરમાં જ બેઠા હતાં.

આ વખતે મેટીયો ઝાલા, પરીયો, યાસીન અને અજાણ્‍યો મારા ઘર પાસે આવ્‍યા હતાં અને મને બહાર બોલાવતાં હું બહાર જતાં મેટીયાએ મારો હાથ પકડી લઇ બિભત્‍સ માંગણી કરી ‘તું મારી સાથે આવ' તેમ કહેતાં મેં ના પાડતાં મેટીયો સહિત ચારેયએ મારી સાથે ઝપાઝપી કરી મારુ ટી-શર્ટ ફાડી નાખ્‍યુ હતું. મારો મિત્ર સોહીલ વચ્‍ચે પડતાં ચારેયએ સોહિલને ધોકાથી માર માર્યો હતો. તેમજ મેટીયાઓ છરી કાઢી સોહિલને મારવા ઘા ઉગામતાં તેણે હાથ આડા રાખતાં ઇજા થઇ હતી. દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં. બાદમાં હું અને અનિરૂધ્‍ધ ચાવડા મિત્ર સોહિલને સારવાર માટે લઇ ગયા હતાં. નિદાન થતાં સોહિલને જમણા હાથે કોણીના ભાગે ફ્રેકચર અને ડાબા હાથે આંગળીમાં ઇજા થઇ હતી. તેમજ ડાબા ઢીંચણે માઇનોર ફ્રેકચર થયું હતું. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે. એચ. ચાવડાએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. હુમલાખોરો નામચીનની છાપ ધરાવતાંં હોવાનું પોલીસે કહ્યું હતું.

(4:44 PM IST)