News of Wednesday, 15th January 2025
જામનગર રોડ નાગેશ્વરના ખુણે મોટરસાઇકલ અકસ્માતમાં મચ્છોનગરના મનસુખભાઇનું મોત
કામે જવા નીકળ્યા અને કાળ ભેટી ગયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: અન્ય બાઇક પર બેઠેલા દંપતિ-પુત્રીને ઇજા

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ પર ચીથરીયા પીરની દરગાહ નજીક નાગેશ્વર જવાના ખુણા પાસે ઉતરાયણની સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર રોડ મચ્છોનગરમાં રહેતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર બેઠેલા ત્રણ લોકોને ઇજા થઇ હતી. કોઇ વાહન ચાલકે ઠોકરે લઇ ભાગી ગયો કે સામ સામે બે બાઇક અથડાયા? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર યુવાન રાતપાળીમાં કામે જવા નીકળેલ ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાછળ સરકારી સ્કૂલ પાસે મચ્છોનગરમાં રહેતાં મનસુખભાઇ બાબુભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) નામના યુવાન રાતપાળીમાં કામે જવાનું હોઇ સાંજે સાડા આઠેક વાગ્યે ઘરેથી મોટરસાઇકલ લઇને કામે જવા નીકળ્યા હતાં. પરંતુ મોડે સુધી તેને જેની સાથે જવાનું હતું એ ભાઇ પાસે ન પહોંચતા એ ભાઇ તેને ઘરે બોલાવવા જતાં ઘરેથી તેઓ નીકળી ગયાની જાણ થઇ હતી. એ પછી પરિવારજનો શોધવા નીકળતાં ચીથરીયા પીરની દરગાહ નજીક બે મોટર સાઇકલ અથડાયેલા જોવા મળ્યા હતાં. જેમાં એક મનસુખભાઇનું હતું.
મનસુખભાઇને અજાણ્યા દર્દી તરીકે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાાય હતાં. પણ ટુંકી સારવારને અંતે મૃત્યુ થયું હતું. પરિવારજનો હોસ્પિટલે પહોંચતા તેમના મૃતદેહની ઓળખ થઇ હતી. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છુટક સફાઇ કામ અલગ અલગ કારખાનાઓ સહિતના સ્થળે કરતાં હતાં. ઉતરાયણ પર્વના દિવસે પરિવારે આધારસ્તંભ ગુમાવી દેતાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બીજી તરફ આ સ્થળે જ બાઇક અકસ્માતમાં વાવડી રહેતાં કમલેશ રૂકમાભાઇ વાસ્કલા (ઉ.વ.૩૫), સાવંતીબેન કમલેશ (ઉ.વ.૩૦) અને સારીકા કમલેશ (ઉ.વ.૭)ને પણ ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બંને વાહનોને કોઇ બીજા વાહને ઠોકરે ચડાવ્યા કે બંને બાઇક અથડાયા? તે અંગે તપાસ થઇ રહી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(3:07 PM IST)










