News of Wednesday, 15th January 2025
પતંગ ઉડાડયા બાદ અગાસીએથી ઉતરતી વખતે પિતા-પુત્રી પટકાયાઃ ૧૦ મહિનાની દેવાંશીનું મોત
ગાંધીધામ શ્રીરામ સોસાયટીની ઘટનાઃ પિતા સારવાર હેઠળ, દિકરીએ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: ઉતરાયણનું પર્વ ઘણા પરિવારો માટે આઘાતજનક બની ગયું હતું. કચ્છ ગાંધીધામમાં પતંગ ઉડાડયા બાદ યુવાન પોતાની ૧૦ મહિનાની દિકરીને તેડીને નીચે ઉતરી રહ્યા હતાં ત્યારે બંને પડી જતાં ઇજાઓ થતાં માસુમ દિકરીનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીધામ શ્રીરામ સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઇ મનજીભાઇ પરમાર તેથી ૧૦ મહિનાની દિકરી દિપાંશીને લઇને અગાસીએ પતંગ ચગાવવા ગયા હતાં.
બાદમાં બપોરે જમવાનો સમય થતાં દિકરીને તેડીને નીચે ઉતરતાં હતાં ત્યારે નીચેના માળે પતરૂ હોઇ તેના કાઠા પર પગ દેવાઇ જતાં બ્લોક ખસી જતાં પિતા-પુત્રી બંને પટકાતાં ઇજાઓ થતાં ગાંધીધામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાંથી માસુમ દેવાંશીને વધુ ઇજા હોઇ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ રાત્રીના તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાંરાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી ગાંધીધામ પોલીસને જાણ કરી હતી. પ્રવિણભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
તેના પત્નિનું નામ શિતલબેન છે. દિપાંશી એક ભાઇથી નાની હતી. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી
(11:44 AM IST)










