તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 15th January 2025
દિકરો જેને ભગાડી ગયો એ યુવતિના પરિવારની ધમકીથી ઉષાબેન જાનીએ છઠ્ઠા માળેથી પડતું મુકી આપઘાત કર્યો
કટારીયા ચોકડીથી આગળ ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય હાઉસીંગમાં બનાવથી અરેરાટી તેરમીએ સાંજે બનાવ બનતાં સારવાર માટે દાખલ કરાયા બાદ સંક્રાંતિને દિવસે દમ તોડયોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: શહેરના કાલાવડ રોડ કટારીયા ચોકડીથી આગળ ઇસ્કોન મંદિર પાછળ આવેલી આદિત્ય હાઉસીંગ સોસાયટીમાં રહેતાં ઉષાબેન કિશોરભાઇ જાની (ઉ.વ.૫૨) નામના મહિલાએ સંક્રાંતિની આગલી સાંજે છઠ્ઠા માળેથી પડતું મુકી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. મકર સંક્રાંતિને દિવસે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ઉષાબેનનો દિકરો એક યુવતિને ભગાડી ગયો હોઇ આ યુવતિના પરિવારજનો ધમકી આપતાં હોવાથી તેમણે ગભરાઇને આ પગલુ ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ આદિત્ય હાઉસીંગમાં રહેતાં ઉષાબેન જાનીએ ૧૩મીએ સાંજે છએક વાગ્યે પોતે જ્યાં રહે છે એ બિલ્ડીગના છઠ્ઠા માળેથી પડતું મુકતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સંક્રાંતિની સવારે તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્દ્રભાઇ હુદડે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. આર. રત્નુએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર ઉષાબેનના પતિ કર્મકાંડ કરી ગુજરાન ચલાવે છે. ઉષાબેનને સંતાનમાં બે પુત્ર છે. સગા પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉષાબેનનો દિકરો એક યુવતિને ભગાડી ગયો છે. આ કારણે યુવતિના પિતા, ભાઇઓ સહિતના ધમકી આપતાં હોઇ જેથી ઉષાબેને ડરીને આપઘાત કરી લીધો હતો. જલાભાઇ, મેહુલ, ગોપાલ સહિતના ધમકી આપતાં હોવાનો આક્ષેપ થયો હોઇ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. આ બનાવને પગલે જાની પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:14 AM IST)










